________________
ગમે તેવા શક્તિશાળી છતાં ચીલેચીસ નાખત, ગામ ગજાવી મુકત, મરી ગયાના પોકાર પાડત ! જેટલી બહાદુરી તલવારનો વાર સહવામાં છે, તેટલી જ બહાદુરી એક ભ્રમરનો ડંખ શાંતિથી સહન કરવામાં છે.
કાલકને નાની ઉંમરમાં વાંચેલું એક સૂત્ર યાદ આવ્યું, ‘સાચા સાધુ એ જે દુ:ખમાં દુ:ખ ન માને, સુખમાં સુખ ન માને, શત્રુ-મિત્ર સરખા માને.’
અને આ સાધુને જાણે વેદના સાથે કશી જ નિસ્બત નથી ! દેહ જુદો જ છે. અને અંદર બેઠેલો આત્મા પણ જુદો જ છે, જાણે બન્નેને માર્ગે મળ્યા કોઈ મુસાફરી જેટલી જ પિછાન છે.
કાલક વિચાર કરી રહ્યો. વધુ ને વધુ વિચાર કરી રહ્યો. શક્તિ પામવા જે સતત મથી રહ્યો હતો, દર્પણની તાકાતને જે અભિનંદવા ધસ્યો હતો, જે શક્તિને જ સંસારમાં સર્વોત્તમ લેખતો હતો, એ હવે શક્તિ વિશે મંથનમાં પડી ગયો.
અગ્નિમાંય શક્તિ છે, પણ તે દઝાડવાની કે હુંફ આપવાની ? પાણીમાંય શક્તિ છે, પણ તે ડુબાવવાની કે તારવાની ? કઈ શક્તિ જરૂરી ? કાલક આ દુવિધામાં મહાગુરુને ઝટ અનુસરી ન શક્યો. ગુરુએ જોયું ને કહ્યું ; ‘કાલક ! જલદી ચાલ. વિલંબ થાય છે.'
કાલક આર્જવભરી વાણીમાં બોલ્યો : ‘ગુરુદેવ ! મારા પગમાં કોઈએ ખીલા ઠોક્યા હોય એમ લાગે છે. ચાલવા લાગું છું, પણ પગ ઊપડતા નથી.’
| ‘વત્સ ! એ મૂંડિયાએ તારા પર કોઈ મંત્રશક્તિ નાખી છે. આવા લોકો ભારે વશીકરણી હોય છે. ઊભો રહે. હું એ શક્તિ નિવારી લઉં.”
અને મહાગુરુ પાછો વળ્યા. કાલકની પાસે જઈને ઊભા રહ્યા. મોંએથી કંઈક મંત્ર બોલીને પીઠ પર હાથ પસાર્યો, કાલકની આંખ સામે આંખ ઠેરવી.
જે આંખમાં અગ્નિ ભભૂકતો રહેતો, જેની દીપ્તિથી સિંહ પણ પૂંછડું દબાવી પાછો ફરી જતો, એ મહાગુરુના નેત્રાગ્નિમાં કાલકે ટાઢો અંગાર દીઠો, રાખ વળતી જોઈ.
આજ સુધી તેજસ્વી લાગતા મહાગુરુ હાડપિંજર જેવા મુનિ પાસે કાલકને ઓછા વજનનો લાગ્યો. ગુરુમાં હાથીને હણી નાખવાની શક્તિ હતી, પણ કીડીને જિવાડવાની તાકાત ક્યાં હતી ? ગુરુ હિંસા પર રાચતા હતા. પ્રેમ-અહિંસાની એમને સુઝ નહોતી !
ગુરુના નેત્રપ્રભાવથી કાલક ઉત્સાહિત થયો. એ ચાલ્યો, થોડું ચાલીને એ વળી
ઊભો રહી ગયો. મહાગુરુ કાલકના મનની ડોલાયમાન સ્થિતિ સમજી ગયા. એ વધુ પાસે ગયા, ને બોલ્યા :
‘કાલક ! આ મુંડિયાઓનો એક જ ધંધો છે, તેઓ શક્તિનો તિરસ્કાર કરે છે, આત્માની વાત કૂટ્યા કરે છે. પણ જો એટલું સામર્થ્ય એ આત્માર્થીઓની પાસે હોય તો એક ધક્કા ભેગા ભોંય પર કેમ પડી જાય ?”
‘ગુરુદેવ ! એ સાધુ આત્માની વાત કરે છે : એને દેહ સાથે બહુ ઓછો સંબંધ છે. કોઈ ધક્કાથી, કોઈ ખડગથી, કોઈ જરા એવા વધુ પ્રહારથી પડી તો જાય-પણ પડ્યા છતાંય જે વિજયનો આનંદ એમના મોં પર દેખાય છે, એ આપણી પાસે ક્યાં છે ? હારમાં જીતની ખુશાલી આપણે ક્યારે જાણી છે ? આપણી જીતમાંય ખેદ વસે છે, હારમાં તો મૃત્યુ !” | ‘એવી વાતો સાધુઓ માટે રાખ. કાલક, તું રાજકુમાર છે. શક્તિનો પૂજારી છે, શક્તિમંતો જ સંસારને ભોગવી શકે છે. આજ સુધી તો તે તપ કર્યું, હવે સિદ્ધિ તને હાથવેંતમાં છે. મારો શિષ્ય હવામાં ઊડી શકશે, અદૃશ્ય થઈ શકશે, એકલો હજારને હઠાવી શકશે, એકલો અનેક સુંદરીઓનો સ્વામી થઈ શકશે.’
ગુરુજી ! શું આ બધી શક્તિઓનો વિપર્યાલ આખરે ભોગમાં ને યુદ્ધમાં થશે ?” ‘નહિ તો આ જીવન શું કામનું છે ? શું તારે આ બધા સાધુરામોની જેમ માત્ર એકાંતમાં બેસી માળા જપવી છે ? તારું કીમતી જીવન નિરર્થક ચેષ્ટાઓમાં બરબાદ કરવું છે ?” મહાગુરુ બોલ્યા, જરા પાસે સર્યા ને વળી બોલ્યા : “મારે તને ખાસ ગુપ્ત વાત કહેવાની છે. આવતી અમાવસ્યાએ સિદ્ધોને નીલકમળ ને રક્તપદ્મ અર્પણ કરવાની અન્તિમ વિધિ છે. એ વિધિ ખૂબ ખાનગી છે. અધિકારી પુરુષ વગર એમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી.’
‘એ કેવી વિધિ છે. ગુરુજી ?' કાલકનું મન આ નવી વાત તરફ ઝટ દોરવાઈ ગયું.
‘એ જગતને જીતવાની વિધિ છે. એ વિધિમાંથી પસાર થનારને સંસારમાં કોઈ જીતી શકતું નથી, કોઈ લોભાવી શકતું નથી. સંસારમાં મહાશક્તિ થઈ છે, એ તું જાણે છે ?'
‘પેલા મુનિ કહેતા હતા એ-પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યશ્મ-સંસારની આ મહાશક્તિઓ
‘એ તો પાગલ મુનિઓની હાથીદાંત જેવી વાતો છે, દેખાડવાની જુદી ને ચાવવાની જુદી, સંસારની મહાશક્તિ પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. સંસારના મોટા ભાગના બખેડા સૌંદર્યને આસ્વાદવામાંથી ખડા થતા હોય છે.”
કાલકનું મનોમંથન T 43
42 D લોખંડી ખાખનાં ફૂલ