________________
શકરાજે કહ્યું, ‘તમે દેશ તજ્યો, અમે પણ દેશ તજીએ છીએ. ચાલો, હવે તો આપણે સદાના સાથી બની ગયા. ચાલો બેલીઓ !'
ને શકરાજે પોતાના ઘોડાને એડી મારી.
મધરાતના જળમાં તારાઓ પોતાનાં પ્રતિબિંબ નિહાળી રહ્યા હતા. એ તારક-છબીવાળા જળને આ સાહિસક નરપુંગવોનો બેડો જોતજોતામાં પાર કરી ગયો.
ઓ જાય ! ઓ જાય ! અંધકારમાં વિલીન થતી આકૃતિઓ નિહાળતી મઘા નદીકાંઠે થોડીવાર ઊભી રહી. મઘાએ આકાશ સામે જોયું, ‘કેવડું મોટું આકાશ પણ નથી સૂરજ કે ચંદ્ર ! નાનકડા ગોળા જેવા એ બે વિના આવડું મોટું આભ પણ કેવું નિરાધાર લાગે છે !’
મદ્યાને આખો પ્રદેશ રાજા ને મહાત્મા વગર નિરાધાર લાગ્યો, વનવગડા જેવો લાગ્યો.
‘રે સૂકી જીવનવાટ ! બૈરૂત ! જોઉં તારી વાટ !'
પળવાર તો એ ઢીલી થઈ ગઈ. એને મોટામાં મોટો નેહ મહાત્માનો લાગ્યો હતો. એમાંય પેલી અર્પણભરી રાત પછી તો મહાત્મા એના જીવન-પ્રાણ બની ગયા હતા. એ વિચારી રહી : ‘હાય રે મઘા ! તું ભારતમાં જન્મી હોત તો ? રે ! આટલા શકો ત્યાં ગયા, તે સાથે તું પણ ગઈ હોત તો ? રે, આ મહાત્મા રાજકુમાર હતા ત્યારે તેમને મળી હોત તો ? તો એમની હૃદયની રાણી બની જાત ! તો એવી સંજીવની છાંટત કે મહાત્મા શકદેશ અને ભારત બંનેના સ્વામી બની જાત !'
‘શકરાજ? કેટલો ઢીલો છે ? એ રાજા થવાને જ યોગ્ય નથી !'
‘બૈરૂત ? એ કેવો વિશ્વાસઘાતી છે ? મારા દેહને સ્પર્શવાને જ એ લાયક નથી. સ્ત્રી તો રત્નગર્ભા છે, હીરાની ખાણ છે. પણ આવા નિર્માલ્ય પુરુષોએ એને પાષાણગર્ભા બનાવી મૂકી છે, હીરાની ખાણને કોલસાની ખાણ બનાવી દીધી છે.' ‘બૈરૂત અને શકરાજ કરતાં વીરતા, ધીરતા ને બુદ્ધિમાં સો ગણા વધે મહાત્મા'
મહાત્માની હાજરી મારા મનને કેટલી બધી આશાયેશ આપતી હતી ! પણ આજે એ આશાયેશ પણ ટળી.' મથા જાણે નિરાધારતાની દુઃખદ લાગણી અનુભવી રહી. મઘાએ પોતાના સોનેરી વાળને હાથમાં લીધા. થોડી વાર રમાડ્યા ને પછી કચકચાવીને અંબોડો બાંધ્યો. એણે વિશાળ વક્ષઃસ્થળ પરની કંચુકી જોરથી બાંધી ને પગને જોરથી ધરતી પર પછાડ્યા.
362 – લોખંડી ખાખનાં ફૂલ
એ સરિતાકિનારેથી પાછી ફરી. એક યવનદાસી પાછળ ખડી હતી. એ મઘાના મિજાજને પિછાણતી હતી. આવું ઉત્કૃષ્ટ રૂપ હંમેશાં મિજાજી હોય છે. એનો એને અનુભવ હતો. મિજાજ જ એની મહત્તા હોય છે.
મઘાને પોતાના ઘરને બદલે બીજી દિશામાં જતી જોઈને દાસીએ કહ્યું, ‘આપણું ઘર આ દિશામાં છે. આપ બીજી દિશામાં જાઓ છો.’
મઘા જે દિશામાં ચાલતી હતી એ જ દિશામાં ચાલતી રહી અને બોલી, ‘આયના, એ ઘર હવે મારું ઘર નથી.’ ‘કાં ? ગુલ્મ પણ ત્યાં છે.'
‘ગુલ્મ હવે મારો દીકરો નથી.' ‘એમ કેમ ?”
તું બહુ નહિ સમજે. એ બધું મેં છોડી દીધું છે. હવે મારે નવા વરને વરવું છે.' મઘા સામાન્ય વાત બોલતી હોય તેમ બોલી.
‘ઓહ ? શું કહો છો તમે આ ?' દાસી આયના આશ્ચર્યમાં ડૂબી ગઈ. ‘હા, મેં નવા વર માટે રાજ્યમાંથી રજા પણ મેળવી લીધી છે. પેલો કાળો અસવાર અહીંથી ચાલ્યો જાય, એટલે મારો સ્વયંવર રચાશે.'
શકદ્વીપની સુંદરીઓને પતિના ત્યાગ માટે રાજ્યની મંજૂરીની અપેક્ષા રહેતી. એ પછી એનું નવો વર વરવાનું પગલું અયોગ્ય ન લેખાતું.
મઘા પોતાની દિશામાં આગળ વધી. દાસી એને અનુસરી રહી. દિવસ ઊગ્યો, ને સૂરજ જરાક ઊંચે આવ્યો. મીનનગરમાં સ્મશાનની શાંતિ પ્રસરેલી હતી. ત્યાં આ બધા સમાચાર મીનનગરમાં પ્રભાતકાળમાં વિકિરણની જેમ, બધે પ્રસરી રહ્યા. સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. કોઈક દિવસો જ આશ્ચર્યના સંભાર સાથે ઊગે છે, અને એક નહીં પણ અનેક આશ્ચર્યોમાં પ્રજાનાં ચિત્ત ગરકાવ થઈ જાય છે.
કાળા અસવારનાં વિનાશક પગલાં તો હજી તાજાં જ હતાં, ત્યાં શકરાજ બહાર ચાલ્યા ગયાના સમાચાર આવ્યા. અને એટલામાં તો અનેક દિવસથી પ્રજાના
* મ્લેચ્છ જાતિઓના આગમનનો તે સમયનો આછો ઇતિહાસ આવો છે. હિંદુસ્તાનની ઉત્ત૨માં શક જાતિ, યુધિ (ઋષિક) જાતિ તથા તુષાર જાતિ રહેતી હતી. ઈ. સ. પૂર્વે ૧૭૯થી માંડીને તે જાતિઓમાં એકબીજાઓના હુમલાઓથી ભારે હલચલ મચી ગઈ; અને તે ત્રણેય જાતિઓનાં ટોળાં એક પછી એક હિંદુસ્તાન પર ઊતરી આવ્યાં. ઈ.સ. પૂ. ૧૨૦-૧૧૫માં શકોએ સિંધ પ્રાંત કબ્જે કર્યો. પછી તેઓ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ઉજ્જૈન સુધી પહોંચ્યા. તે વખતે તે લોકોમાં નહપાન અને ઉષવદાત નામના સરદારો મુખ્ય હતા. તેમના સિક્કા તે ભાગમાં મુખ્યત્વે મળી આવે છે. નહપાન મહારાષ્ટ્ર અને કોંકણ સુધી ફરી વળ્યો હતો. શકો ધીમે ધીમે મથુરા સુધી પહોંચ્યા. પંજાબમાં તે વખતે યવન (યૂનાની ગ્રીક) રાજ્યો હતાં. શકોના આગમનથી અવાન્તર લાભ એ થયો કે રાજ્યો પણ શકોના સપાટામાં આવી ગયાં. પછી આંધ્રવંશી ગૌતમીપુત્ર શાતકર્ણી પ્રબળ થયો. એણે શકોને હાંક્યા.
બૈરૂતનું ભૂત – 363