________________
મન-ચિત્તનો કાબૂ લઈ લેનાર મહાત્માની અનુપસ્થિતિ પણ ચર્ચાનો વિષય બની.
રાજા જશે તો ગાદી ખાલી રહેવાની નથી, બીજો રાજા આવશે; પ્રજાને એમાં ખાસ રસ ન લાગ્યો. મહાત્મા પણ પરદેશી પંખી હતા, ગમે ત્યારે ઊડી જવાના હતા. બે દિવસ વહેલા ગયા એટલું જ ! પણ મઘાય ગુમ હતી. એ તો નગરનો પ્રાણ હતી, નગરનો આનંદ હતી, નગરનું હૃદય હતી. એ પોતાના વતનનો અને નગરનો ત્યાગ કરીને ચાલી જાય એ કેમ પાલવે ?
લોકોને મન તો આવી બધી વિચિત્ર ઘટનાઓમાં મઘાના ચાલ્યા જવાની ઘટના જ સર્વોપરી બની રહી; અને લોકો એનો જ વિશેષ અફસોસ કરવા લાગ્યાં. એટલામાં સૌને ભારે આશાજનક ખબર મળ્યા કે મઘા શકરાજ અને મહાત્મા સાથે નથી ગઈ પણ નગરમાં જ છે. બૈરૂતનો પત્તો નથી, અને મઘા હવે નવા વરને વરવાની છે. રાજ્ય તરફથી એણે એ માટે અનુજ્ઞા મેળવી લીધી છે.
મીનનગરના જુવાનોમાં એક નવા ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું. જુવાનો ફરી પોતાના દેહની ટાપટીપમાં અને મઘા પાસે કેવી રીતે રજૂ થવું એની વિચારણામાં પડી ગયા.
કેટલાક લોકોએ મઘાના ઘરની તપાસ કરી તો જણાયું કે એ ત્યાં નથી, માત્ર એનો પુત્ર ગુલ્મ છે; ને બૈરૂત તો દિવસોથી શહેનશાહના દરબારમાં સંદેશો લઈને ગયો તે ગયો, પાછો આવ્યો જ નથી. સંભવ છે, એને જાનહાનિ પહોંચી હોય ! આ તો શહેનશાહનો દરબાર છે !
બધા લોકો કાળા અસવારની રાહ જોવા લાગ્યા. જેના પગલે લોકો દીનહીન બની જતા. ખાવાનું છોડી દેતા, રમવાનું મૂકી દેતા, એ ભયંકર અનિષ્ટની કલ્પના કરતા, એના પુનરાગમનની લોકો પ્રતીક્ષા કરવા લાગ્યા.
ત્રીજે દિવસે કાળા અસવારના ઘોડાના ડાબલા ગાજ્યા. આખા ગામમાં ‘એ આવ્યો ! એ આવ્યો !' થઈ ગયું,
અસવાર સીધો રાજમહેલમાં ગયો, પણ રાજાજીની મુલાકાત થતાં પાછો વળીને અતિથિગૃહમાં આવી ગયો. તરત જ એની પૂછપરછ શરૂ થઈ. લોકો પૂછવા લાગ્યા, રૈ ! તમે ક્યારે પાછા જશો ?'
કાળો અસવાર લોકોને આટલી શાંતિથી પ્રશ્નો કરતા જોઈ આશ્ચર્ય પામ્યો.
એ પૂછવા લાગ્યો, ‘મારા પાછા ફરવામાં તમને આટલી ઇંતેજારી કાં?
લોકો કહેતા, ‘તમારા ગયા પછી શકસુંદરી મદ્યાનો સ્વયંવર થવાનો છે.' ‘કઈ મઘા ?’ અસવાર આશ્ચર્યથી પૂછતો.
‘પેલી મહાત્માજીવાળી જ તો; બીજી કઈ ?' લોકો જવાબ વાળતા. 364 – લોખંડી ખાખનાં ફૂલ
‘અરે, એ મઘા તો પરણેલી છે ને !' અસવાર કહેતો.
‘હા હા એ કથા તો સહુ જાણે છે, કાગડો દહીંથરું લઈ ગયો હતો.’ લોકો ઉત્સાહમાં આવીને વાત કરતા.
એ તો બૈરૂત સાથે પરણી હતી ને !'
‘હા, હા. બૈરૂત ! બે બદામનો ભૈરૂત ! ક્યાં સોનપરી જેવી મઘા ને ક્યાં બાહુક જેવો બૈરૂત !બૈરૂત મરી ગયો ને બિચારી મઘા એની બલામાંથી છૂટી.” લોકો નિરાંતે
વાત કરતા.
અસવાર એકદમ ઊંચો-નીચો થઈ ગયો. એ બોલ્યો, ‘કોણે કહ્યું કે બૈરૂત મરી
ગયો ?'
અરે [જાતે મરી ગયો કહો કે કોઈકે મારી નાખ્યો કહો, બેય સરખું જ છે ને!’
‘કોણે મારી નાખ્યો ?’ અસવારે પ્રશ્ન કર્યો.
‘શક શહેનશાહે.’
‘કંઈ કારણ ?'
‘કારણ આ દેશમાં ક્યાં શોધવા જવું પડે તેમ છે ? કહે છે, કે શહેનશાહ કોઈ કારણસર આપણા શકરાજ પર કોપ્યા હતા. શકરાજે પોતાની સફાઈ માટે બૈરૂતને ત્યાં મોકલ્યો. સફાઈ કરતાં કંઈક વધારે પડતું બોલ્યો હશે. આખરે તો એ શકરાજનો વફાદાર સેવકને ! ખોટું એનાથી સહન થયું નહિ હોય. શહેનશાહે ક્રોધમાં એનું માથું ધડથી જુદું કરી નાખ્યું હશે.' લોકોએ વિસ્તારથી વાત કરી.
‘અરે ભલા માણસો ! બૈરૂત તો જીવે છે.' અસવારે ઊંચેથી કહ્યું. ‘ક્યાં છે બૈરૂત ?'
અરે, આ રહ્યો. હું પોતે-જાતે-પંડે બૈરૂત !' અસવારે પોતાના તરફ આંગળી ચીંધતાં કહ્યું.
‘અલ્યા ! આ અસવાર ગાંડો લાગે છે.' એક જુવાને કહ્યું.
‘સોનબાઈ જોઈને કોણ ન પલળે ? એનેય મઘાનું નામ સાંભળી મોંમાં પાણી આવ્યું હશે. અલ્યા ! બૈરૂત તો શકરાજનો સેવક. એ કંઈ શકરાજનું મસ્તક લેવા આવે ખરો ? કહેતા બી દીવાના અને સૂનતા બી દીવાના ?’ બીજાએ કહ્યું.
‘ભાઈ ! સમય સમય બળવાન છે. મઘા મારી પત્ની. ગુલ્મ મારો પુત્ર. મઘા મારી છે. એના પર કોઈ દાવો ન કરી શકે.' બૈરૂતે કહ્યું.
‘મવાને તેં જોઈ છે ? તારા જેવાને તો એ એની મોજડી ઉપાડવાય ન રાખે!' ત્રીજાએ કહ્યું
બૈરૂતનું ભૂત – 365