________________
‘મઘા ! મારે તારા જેવી એક સુંદર અને હેતાળ બહેન હતી.'
‘શું એ બહેન હમણાં નથી ? મરી ગઈ ?' માએ મહાત્માને શોક ભરેલા મુખે બહેનનું નામ લેતા જોઈને કહ્યું.
‘એ મરી ગઈ હોત તો શોક જરૂર કરત, પણ આટલો બધો રંજ ન થાત. એવું બન્યું છે કે ખાવું ભાવતું નથી ને જીવવું ગમતું નથી.’ મહાત્માએ કહ્યું.
‘પણ... વાત શું છે ?'
‘એક બદમાશ રાજા તેને ઉઠાવી ગયો છે.'
‘ઓહ ! ભોળવીને કે જબરદસ્તીથી ?' મથા પૂછી રહી,
જબરદસ્તીથી, જોરજુલમથી.'
તો બોલતા કેમ નથી ? ચાલો. એ રાજાની આપણે જ ખબર લઈ નાખીએ.' મઘાનું લડાયક રક્ત ખળભળી ઊઠ્યું હતું.
ભયંકર વિષાદમાંય મહાત્માને મઘાની વાત સાંભળી હસવું આવી ગયું, એ બોલ્યા, ‘મઘા, એ રાજા તો બહુ જબરો છે. મંત્રવાળો છે. સ્વરવિદ્યાવાળો છે. એની સામે થવું હોય તો સામે એવો જ બીજો રાજા જોઈએ.’
‘તે અમારો રાજા છે ને !’ મઘાએ બૈરૂત સામે જોઈને કહ્યું, ‘બૈરૂત, મહાત્માજીને આપણા રાજા પાસે લઈ જજે. નજરાણામાં સાથે સંજીવનીનો રોપ લઈ જજે. રાજાને મહાત્માજીની પૂરી પિછાણ કરાવજે . અને બને તે મદદ કરજે - કરાવજે. જરૂર પડે તો તું સેનાપતિ બનીને સાથે સંચરજે.’
‘અને તું ?..’
‘ભલા માણસ, હું કંઈ હાથ જોડીને બેસી નહીં રહું.'
દરિયો વાંભ વાંભ ઊછળીને અને ઘૂ ઘૂ ગર્જના કરીને મઘાની વાતમાં સાક્ષી પુરાવી રહ્યો હતો !
પ્રેમમાં કલહ અને કલહમાં પ્રેમનો રંગ પૂરી એકબીજામાં ઓતપ્રોત બની જનારાં અજબ દંપતી મઘા અને બૈરૂત પર મહાત્માને ખૂબ ભાવ જાગ્યો.
સરસ્વતી વિદૂષી હતી અને ભારતીય નારીએ સ્વીકારેલાં જન્મજાત લજ્જારૂપી આભૂષણોમાં માનનારી હતી. વિદ્યામાં, શીલમાં, ગંભીરતામાં કે તેજસ્વિતામાં દેવી સરસ્વતીની કલ્પનાને એ સાકાર કરતી હતી. જ્યારે મઘા રમતિયાળ હતી. એ જ્યારે ૨મતમાં ન હોય ત્યારે ઝઘડો કરતી હોય. એ જ્યાં જાય ત્યાં બધાને પોતાની તરફ જોતા કરનારી હતી. એ લક્ષ્મીની પ્રતિમૂર્તિ હતી. એવી ચંચળ, એની ઠસ્સાદાર, એવી જ લજ્જા કે સંકોચ વગરની !
290 – લોખંડી ખાખનાં ફૂલ
બૈરૂત અને મઘાના અંતરમાં પેલી અધૂરી વાત રમતી હતી. એટલે એમણે અધૂરી વાર્તા આગળ ચલાવવા મહાત્માને વિજ્ઞપ્તિ કરી, અને મહાત્માએ વાત આગળ ચલાવી.
કરકટને છ પ્રકારની નીતિ સમજાવતાં દમનકે કહ્યું, ‘પ્રથમ સંધિ એટલે એવા પ્રકારે કાર્ય કરવું કે શત્રુ મિત્ર થઈને રહે. બીજી વિગ્રહ એટલે આપણે એવા પ્રકારે વર્તવું કે શત્રુ પીડા પામે અને આપણને વશ થાય. ત્રીજી યાન એટલે પોતાનું કાર્ય સિદ્ધ કરવા મોટા લાવલશ્કર સાથે કૂચ કરવી તે. ચોથી આસન એટલે એક સ્થાને ઘેરો ઘાલીને પડ્યા રહેવું. પોતાનું રક્ષણ થાય ને શત્રુને મૂંઝવણ થાય તે રીતે બેસવું તે આસન કહેવાય. આ નીતિથી ભલભલો રાજા આખરે મૂંઝાઈ જાય. પાંચમી સંશ્રય એટલે બલવાન રાજાઓને પોતાના પક્ષમાં લઈ લેવા, તેનું નામ સંશ્રય. આનો અર્થ પરાક્રમીનું પડખું સેવવું. છઠ્ઠી રાજનીતિ દ્વૈધીભાવ. એટલે સેનાને જુદે જુદે સ્થળે એવી રીતે ગોઠવવી કે જેથી નાની સેના મોટી લાગે. અથવા શત્રુરાજા પ્રત્યે બહારથી તો પ્રેમ બતાવવો અને અંદરથી જુદી રીતે વર્તવું.
આ છ પ્રકારની રાજનીતિ સાંભળી કટક બોલ્યો, “આ નીતિ તો માત્ર યુદ્ધ
માટે છે પણ એનાથી રાજાને કેવી રીતે વશ કરશો ?’
દમનક બોલ્યો, ‘રે ! પાંડવો વિરાટનગરમાં છુપાવેશે પ્રવેશ્યા ત્યારે ઘૌમ્ય મુનિએ એમને સેવકધર્મ કહેલો, તે મને બરાબર યાદ છે. સેવકે કેટલીક મર્યાદાઓ પાળવાની હોય છે. એણે દ્યૂત, દારૂ અને દારાથી પરામુખ રહેવું ઘટે, તેમજ રાજમાતા, રાણી, યુવરાજ, મુખ્યમંત્રી, પુરોહિત અને પ્રતિહાર પ્રત્યે આદર રાખતા હોઈએ તેવું વર્તન રાખવું જોઈએ. સેવકે યુદ્ધકાળમાં સદા રાજાની આગળ, નગરમાં રાજાની પાછળ, ને રાત્રે મહેલના દ્વાર પર રહેવું. આવા સેવક પર રાજાની પ્રીતિ આપોઆપ વધે છે. વળી અકાળે ન બોલવું, અકાળે જો બૃહસ્પતિ પણ બોલે તો તેનું બોલવું વ્યર્થ થાય છે.'
કરકટે વળી ભયથી કહ્યું, ‘હે શૃંગાલશ્રેષ્ઠ ! રાજાઓ હંમેશાં ખલ પુરુષોથી ઘેરાયેલા, વિષયમાં લીન અને કષ્ટથી સેવાય એવા હોય છે. રાજકૃપા થોડા એવા અપરાધથી પણ દૂષિત થનારી છે. રાજાની કૃપા દુરારાધ્ય છે.’
દમનકે કહ્યું, ‘હૈ બંધુ ! તારી વાત સાચી છે, પણ જે વાતમાં જેટલા ટકાનું જોખમ હોય તેટલા ટકાનો લાભ પણ તેમાં હોય છે. બિનજોખમી ધંધામાં કસ હોતો નથી. પરાક્રમી પુરુષો એ માટે જ કહે છે કે સાહસમાં લક્ષ્મીનો વાસ છે.’
કરટક ખુશ થતો બોલ્યો, ‘રે રાજનીતિજ્ઞ પંડિત ! તમારો આવો અભિપ્રાય છે તો ખુશીથી પ્રસ્થાન કરો ! તમને તમારા કાર્યમાં સિદ્ધિ વરો.’ મહાત્માએ કહેલી નીતિવર્તા – 291