________________
દમનક સારા ચોઘડિયે રવાના થયો.
વનનો રાજા પિંગલક એક વડ વચે પોતાના પરિવાર સાથે બેઠો હતો. એ ચિંતિત હતો. પરિવારના મુખ પર પણ ચિંતા હતી. આ સમયે પિંગલકે દમનકને આવતો જોયો અને તે બોલ્યો.
મારો જૂનો મિત્ર મંત્રીપુત્ર દમનક આવતો લાગે છે એનું સ્વાગત કરો. એ યથાર્થવાદી છે.”
દમનક આવીને સીધો રાજાના ચરણમાં પડ્યો. રાજાએ પોતાનો જમણો હાથ તેના માથે મૂકીને પૂછ્યું, ‘કુશળ છે ને ? કેમ ઘણે દિવસે દેખાયો ?”
દમનક બોલ્યો, “કંઈ કાર્ય ન હોવાથી દેખાતો નહોતો, પણ કાર્ય ઉપસ્થિત થતાં હાજર થયો છું. રાજન્ ! આપ જાણો જ છો કે પોતાની પાસે ભલે ગમે તેવી મોટી તલવાર હોય, પણ દાંત ખોતરવા કે કાન સાફ કરવા તો નાની સળીનો જ ખપ પડે છે.'
રાજા બોલ્યો, ‘પણ તારે રાજદરબારમાં હાજર રહેવું ઘટે ને ?*
દમનક બોલ્યો, ‘મહારાજ, હું યથાર્થવાદી છું. જૂઠું નહીં બોલું, રાજા ધનાઢચ હોય, કુલીન હોય, વંશ પરંપરાગત હોય તોપણ જો તે ગુણજ્ઞ ન હોય, તો સેવકો તેને અનુસરતા નથી. સેવકોને અને આભૂષણોને તેના યોગ્ય સ્થાને મૂકો તો જ શોભે. પગનું ઝાંઝર કંઈ કંઠમાં થોડું શોભે ?'
રાજા બોલ્યો, “શાબાશ દમનક ! સત્યવાદીમાં તારો જોટો નથી. તમે બંને ભાઈ મારા મંત્રીપુત્રો છો. તમે આવ્યા હોત તો તમને હું ગમે તે સ્થાને નિયોજી દેત !”
દમનક બોલ્યો, “મહારાજ , સેવકનો ધર્મ તો સેવાનો છે, પણ એ ત્રણ કારણોથી સ્વામીની સેવા છોડે છે, એક તો બીજા સામાન્ય સેવકો સાથે એને સરખાવતો હોય ત્યારે, બીજું સમાન સેવકોમાં તેનો સમાન સત્કાર થતો ન હોય ત્યારે અને ત્રીજું, એની લાયકાતને યોગ્ય સ્થાને તેને યોજાતો ન હોય ત્યારે, સુવર્ણના આભૂષણમાં જડવા લાયક મણિને જો લોઢાના આભૂષણમાં જ ડવામાં આવે તો તે મણિ કંઈ રડતો નથી. પણ એ શોભતો પણ નથી. એને આ પ્રકારે યોજનારની નિંદા થાય છે. વધારામાં રાજન ! આપે કહ્યું કે ઘણે દિવસે દેખાણો પણ જેને મણિમાં કાચની બુદ્ધિ છે કે કાચમાં મણિનો ભ્રમ છે, એવા વિવેક વગરના રાજા પાસે જવાથી પણ શું અને ન જવાથી પણ શું ?'
આટલું બોલી દમનક રાજાની સમીપ ગયો અને નિર્ભય રીતે બોલવા લાગ્યો, ‘સેવક વિના રાજા નથી. રાજા વિના સેવક નથી. બંને જણા પરસ્પર આધાર રાખનારા છે. જેમ ચંદ્રથી આકાશ શોભે, અને આકાશથી ચંદ્ર શોભે તેમ. વળી
292 | લોખંડી ખાખનાં ફૂલ
મહારાજ ! કિરણ વિના સૂર્ય શોભે ખરો ? એમ સેવક વિના સ્વામી ન શોભે ! એટલું આપ નોંધી રાખો કે સંતુષ્ટ સ્વામી સેવકને ઇનામ આપે છે, પણ સંતુષ્ટ સેવક તો સ્વામીને માટે પ્રાણ આપે છે.”
રાજા આ સાંભળી ખુશ થઈ ગયો અને બોલ્યો, ‘દમનક ! તને ધન્યવાદ છે. તું ખરેખરો યથાર્થવાદી છે, સત્યવક્તા છે, મહાવિવેકી ને પંડિત છે.”
દમનકને જાણે પ્રશંસા અપ્રિય હોય તેમ મોં કટાણું કરીને એ બોલ્યો,
‘મહારાજ , સેવકની પ્રશંસા અગાઉથી ન હોય, કાર્ય સિદ્ધ થયા પછી પ્રશંસા શોભે. અત્યારે તો આપનું ઉત્તેજન જ મને ખપે, આપ એકાંતમાં આવો અને આપણે થોડી વાતો કરીએ.’
રાજા કહે, ‘આ બધા મારા અંગત સેવકો અને સ્વજનો છે. એકાંતમાં જવાની આવશ્યકતા નથી.'
દમનકે પૂંછડીનું આસન બનાવી, તેના પર બેસતાં ભારેખમ મુખમુદ્રા કરીને કહ્યું,
| ‘મહારાજ ! પ્રિય પણ અપથ્ય વાદનારો હું નથી. પાણીથી જેમ બંધ ભેદાઈ જાય છે, દોષ જોવાથી જેમ સ્નેહ ભેદાઈ જાય છે, ઉગ્ર વાણીથી જેમ કાયર ભેદાઈ જાય છે, એમ મહત્ત્વની વાત ગુપ્ત ન રાખવાથી મહત્ત્વની કામગીરી પણ ભેદાઈ જાય છે.”
રાજાએ પ્રશ્ન કર્યો, ‘સ્ત્રી, પુત્ર અને સ્વજનોથી પણ ભેદ રાખવો ?'
દમનક કહે, ‘નીતિશાસ્ત્રના પ્રમાણે તો કેટલીક વાત સ્ત્રીઓથી છુપાવવાની હોય છે. કોઈ વાત પુત્રથી છુપાવાય છે, ને સ્ત્રીને કહી શકાય છે. કેટલીક વાતો એવી પણ હોય છે કે જે માત્ર મિત્રને જ કહી શકાય છે, જે સ્ત્રી-પુત્રને વિમુખ રાખવા પડે છે. કોઈ વાત મિત્ર, પુત્ર અને સ્ત્રીને જણાવી શકાય છે, પણ સ્વજનોની આગળ છુપાવવી પડે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દીર્ધાયુ થવું હોય ને સુખે જીવવું હોય તો અમુક પાસે જ દુઃખનું નિવેદન કરવું, નહિ તો મૌન રાખવું.’
રાજાએ ઉત્સુકતાપૂર્વક પ્રશ્ન કર્યો, ‘કયા માણસ પાસે દુઃખ નિવેદન કરવું, તે
દમનક કહે, ‘એક તો વિશિષ્ટ ગુણવાળા સ્વામી પાસે; બીજા શિષ્ટ ગુણવાળા સેવક પાસે; ત્રીજી અનુકુળ પત્ની પાસે: ચોથી ખુશામત ન કરનાર મિત્રની પાસે પોતાનું કષ્ટ નિવેદન કરી શકાય છે, અને દુ:ખનું નિવારણ કરીને સુખી થવાય છે.”
રાજા પિંગલક બોલ્યો, ‘રે દમનક ! ખરેખર, તું મારો વિશિષ્ટ ગુણવાન સેવક છે. ચાલ એકાંતમાં બેસીએ.'
મહાત્માએ કહેલી નીતિવર્તા | 293