________________
આ સુંદરી ઉર્જનની વિલાસી સ્ત્રીઓનો અજબ નમૂનો હતો. એની ચાલમાં, એના ડોલનમાં કાવ્યની મધુરતા છલકાતી હતી. એની ચાલ જોનારને તરત ખ્યાલ આવી જતો કે આ ફૂલગુલાબી પગો કદી આવી કઠણ ભૂમિ પર ચાલવાને ટેવાયેલા નથી. સુંદરીનાં કંકણ એક અપૂર્વ કાવ્ય રચી રહ્યાં હતાં, એનાં નૂપુર નાટારંભ કરી રહ્યાં હતાં.
સ્વર્ગના પ્રાસાદોની ઝાંખી કરાવે તેવી એક ઊંચી હવેલી પાસે આવીને સુંદરી થોભી ગઈ. હવેલી ખરેખર સુંદર હતી. દ્વાર પર ઊભા રહીને સુંદરીએ વિનયપૂર્વક મુનિરાજને અંદર પ્રવેશ કરવા વિનંતી કરી.
મોટા નકશીભર્યા દરવાજામાંથી મુનિએ અંદર પ્રવેશ કર્યો. હવેલીનો અંદરનો ભાગ અદ્ભુત હતો. નાની નાની લતાકુંજો, નિઝરગૃહો અને ફુવારાઓથી એ ભરેલો હતો. સુંદરમાં સુંદર મૃગ અને સસલાં અહીં રમતાં હતાં. રંગરંગનાં પંખી અહીં એક ડાળેથી બીજી ડાળે ઊડતાં હતાં.
વચ્ચે પરીઓ રહે એવો મહેલ હતો. આ પરીમહેલની આજુ બાજુ આરામગૃહો હતાં. પથિકનો શ્રમ ઉતારી નાખે એવી તમામ સગવડો ત્યાં હતી.
‘આપ આ પથિકગૃહમાં થોભો. હું વસ્ત્ર બદલી ભોજનનો થાળ લઈને આવું છું.’ અને મુનિના જવાબની રાહ જોયા વગર જ સુંદરી અંદર ચાલી ગઈ.
મુનિ ઉતાવળે બોલ્યા : ‘રે સુંદરી ! વસ્ત્ર બદલવાની જરૂર નથી. ભોજનના થાળની અપેક્ષા નથી, પેટને ભાડું દેવા જે લૂખું-સૂકું બટકું હશે તે ચાલશે.’
પણ એ શબ્દો માત્ર હરણાંએ સાંભળ્યા : ને એ મોટી મોટી આંખો ફાડીને તેમની સામે જોઈ રહ્યાં.
થોડી વારમાં દાસીઓ પાસે ભોજનના થાળ ઊંચકાવી પેલી સુંદરી આવી પહોંચી. એણે વસ્ત્રો બદલ્યાં હતાં : ને એક લાંબા સાબુથી દેહને ઢાંક્યો હતો. પણ એ સાળ પહેરવાની કળા અપૂર્વ હતી.
મુનિએ આ રૂપને જોયું, સુંદરીને જોઈ. ભોજનસામગ્રીને જોઈ. મોહ, માયા ને લોભે જાણે ત્યાં સાક્ષાત્ સ્વરૂપ ધાર્યું હતું.
રે સ્ત્રી ! આવા ભોગ-ઉપભોગોએ અડધા જગતને ભૂખ્યું રાખ્યું છે ! પાશેરનો ખાડો પૂરવો એમાં, કેટલી ધમાલ ! કેટલી જંજાળ !'
આપ જમીને અંદરની ચિત્રશાળામાં પધારો, ત્યારે સદુપદેશ સાંભળવાની મારી ઇચ્છા છે. હાલ તો આપ આ ભોજનાનનો સ્વીકાર કરો.' સુંદરીએ કટાક્ષ કરતાં કહ્યું.
14 D લોખંડી ખાખનાં ફૂલ
‘મારા નાના એવા ભિક્ષાપાત્રને તો આ મિષ્ઠાન્નોનો પડેલો ભૂકો પણ ભરી દે !' મુનિએ કહ્યું.
‘આપના બહેન આપની સાથે છે ને ! બોલાવી મંગાવું કે ?”
‘પહેલાં સંસારી અવસ્થામાં એ મારાં બહેન હતાં; આજે તો એ સાધ્વી છે. તેમનો યોગક્ષેમ તેમણે જ વહેવાનો છે.' મુનિએ કહ્યું.
‘તો આ મોદક લો !' સુંદરી નીચે મૂકેલા થાળમાંથી મોદક લેવા નીચી નમી. એણે માથા પર ઓઢેલો સાળુ ત્યાંથી સરી ગયો. ફૂલના ગુચ્છાથી શણગારેલો અને સુગંધી તેલોથી સ્નિગ્ધ બનેલો ભરાવદાર અંબોડો અને ગૌર કંઠપ્રવેશ દૃષ્ટિને ભરી રહ્યા.
સુંદરીએ એક મોદક ભિક્ષાપાત્રમાં નાખ્યો. મુનિ શાંત હતા, એમની દૃષ્ટિ આ બધું જોતી હતી, છતાં જાણે કશું જ જોતી નહોતી.
સુંદરીએ ઊભા થઈ એક નજર ફેરવી. દાસીઓ ધીરે ધીરે ત્યાંથી ચાલી ગઈ.
સુંદરી ફરીથી મોદક લેવા માટે નીચી નમી, પણ આ વખતે એનો સાળુ વધુ નીચે સરી ગયો. કનકકલશને જેમ કમળ વડે ઢાંકે, એમ એણે પોતાના સુકોમળ હરતથી ઉરપ્રદેશ ઢાંક્યો. પણ રે વ્યર્થ યત્ન ! આમ કરવા જતાં કેડની કટિમેખલા સરી ગઈ. વસ્ત્રને મહામહેનતે સુંદરીએ સરતું બચાવ્યું ને ગાંઠ વાળી ત્યાં હાર તૂટી ગયો. હાર બરાબર કરવા ગઈ, ત્યાં નૂપુર પરસ્પર અથડાઈ ગયાં : ને સુંદરી પડતાં પડતાં માંડ બચી ?
બીજો કોઈ પુરુષ હોત તો આ એક પળની ઘટના એના આખા જીવનના માર્ગને અને એના સમસ્ત ઇતિહાસને પલટી નાખત; પણ મુનિ તો માત્ર આટલું જ બોલ્યા : “બહેન ! તું રોગી લાગે છે !'
‘અવશ્ય. તમે વૈદ છો. મારો રોગ મટાડો.’ સુંદરી આર્જવભરી રીતે બોલી. ‘હું વૈદ નથી. તારા મનને તારો વૈદ બનાવ, નારી !'
‘મુનિરાજ ! મારો જીવ ઊંડો સરી જાય છે. હૃદય ક્ષુબ્ધ બનતું જાય છે. ખોટું કહેતી હોઉં તો લાવો તમારો હાથ ને કરો જાત પરીક્ષા.’ સુંદરીએ મુનિનો હાથ ગ્રહેવા પોતાનો હાથ લંબાવ્યો.
“શું ખાખ પરીક્ષા કરું ? જગત જેને નરકની ખાણ કહે છે એવી નારી તું છે! અડીશ મા મને. જગતનું રંકમાં રંક શિશુ જેના ઉદરમાં આવવાની ના કહે, એ વાળામુખીનો અવતાર તું છે ! જગત આમેય મભૂમિ બન્યું છે - એમાં વધારે આગ ચાંપનારી તું ચંચળ નારી છે.”
અલકા મેનકા બની 0 195