________________
23
મહાન બલિ
રાજા રામ અને બાદશાહ નૌશેરવાન જેવાએ રચેલું પવિત્ર મંદિર ને પાક મસ્જિદ જેવું રાજ મંદિર હલકા લોકોને પ્રતાપે આજ બૂરો દેવળ બની બેઠું હતું !
ઋષિઓ જે શાસનનું અરણ્યમાં રહી સંચાલન કરતા : જે ખલીફાઓ રાજના તેલનો બચાવ કરવા પોતાના દીવાઓ પણ ઝાઝો વખત બાળતાં ડરતા, એ ખજાનાની એક પાઈનો પણ પોતાને કાજે ખોટો ખર્ચ કરતાં ડરનારા ક્યાં, ને આજની પ્રજા પોતાના માટે છે, પોતે પ્રજા માટે હો કે ન હો, એમ માનનારા-અરે ! એક રાતના એશોઆરામ પાછળ દેશની આખા વર્ષની મૂડી ખર્ચનારા આ રાજનબીરાઓ ક્યાં !
આ દેવળના દેવ માટે શંખનાદ થાય છે, એમાં બેવફાઈ ગુંજે છે, એની આરતી ઊતરે છે. એમાં અત્યાચારનાં યશોગાન છે. એની વાડીઓમાં ખુશામદ, પાપ, અનાચારનાં વૃક્ષ ઊગવા લાગ્યાં છે ! પિતાના વચનની ખાતર રાજપાટ તજનાર, સતીઓના શીલ ખાતર ભલભલા ચમરબંધીઓ સામે સંગ્રામ ખેલનાર રાજાઓના દિવસો આથમ્યા. એમની પ્રતિમાઓ એ દેવળમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવી છે, ને વધુમાં વધુ લુચ્ચા, લફંગા, હત્યારા, તકબાજોને ત્યાંના દેવ બનાવવામાં આવ્યા છે !
દેવને ન જાણે કેમ, દુનિયામાં પૂજારીની કદી ખોટ પડી નથી. ટાણે કટાણે હરહંમેશ ખરા કે ખોટા પૂજારીઓ મળી જ રહે છે.
એ દેવળમાં રૂપવતીઓનાં રૂ૫ સલામત નથી, કુલવધૂઓની કુલીનતા સાબૂત નથી : શાણાઓનું શાણપણ ને સાધુની સાધુતા ત્યાં જળવાય તેમ નથી. વિલાસ, ખટપટ, ભોગોપભોગનાં ત્યાં રાજ છે, ખૂન, હત્યા, કેદનાં ત્યાંના રોજનાં કારનામાં
છે. જે જનગણે એને મહાન સર્યો, એ જનગણને એ માખી સમાન લેખે છે ! સૌંદર્ય. શિકાર ને સંગ્રામ એનાં સદા કાળનાં શોખનાં સાધન બન્યાં છે. કોઈના મૃત્યુમાં એની મોજ છે !
સ્ત્રીરૂપ એના કલેજે ચઢી બેઠું છે, નપુંસકતા એની નામના બની છે, નિર્લજ્જતા એની સંગિની બની છે. એક દુષ્માણ રૂપને પર્યકશાયી કરવા હજારો માઈના લાલને રણાંગણમાં હોંશે માથું કપાવવા મોકલી શકે એટલો એ દેવનો મહિમા વધ્યો છે ! ચાર ખૂંટા જમીન માટે હજારો નરબંકાઓની કબરો ચણાવી શકે, એવો એ જાદુગર છે !
માણસોએ પોતાને કાજે જેને દેવળમાં પધરાવ્યો, એ દેવ પ્રતિષ્ઠા પામીને માણસોનો ભોગ માગતો બન્યો ! આજ દેવ જ સર્વસ્વ બન્યો. એને દેવ બનાવનાર માનવી તો મગતરાંથી ય હલકો લેખાવા લાગ્યો !
સંસારમાં અનર્થોનું મૂલ રાજા બન્યો. રાજકારણી પુરુષોએ એવી જાળ બિછાવી કે માણસનું મન બગાડી નાખ્યું ! વહેમ, શંકા, વૈમનસ્ય રોજ રોજની કહાણી બની.
ફાટેલા દૂધની મીઠાઈ સારી બને, એમ વિલાસી રાજા પ્રજાને મીઠો લાગ્યો. એમાં ઈશ્વરાંશ સ્થાપ્યો. પતિની બેવફાઈ ને લફંગાઈને સતી સ્ત્રી સહી લે, બકે સામેથી સ્વામીને ભજતી રહે, એના ચરણમાં જ પોતાનો ઉદ્ધાર કલ્પે, એવું રાજા વિશે પણ બન્યું !
અનેકની કિંમત ન અંકાણી, અંકાક્ષરમાં એક એગ્ર બન્યો !
એક એટલો આપખુદ બન્યો કે એનો એક કામચલાઉ મનતરંગ રાજ સમસ્તને ખડાં કરતો કે વિલીન કરતો. બૂરા દેવળનો આ દેવતા વ્યસની બન્યો, તો એને સોળ હજારથી અડતાલીસ હજાર સ્ત્રીઓ ભોગવવાના હક્ક આપ્યા. એને માણસમાંથી જ કાઢી નાખ્યો. એ દેવ બની ગયો, એની માણસાઈ મરી પરવારી, ને એ દેવ સર જાણો, આવા દેવની પૂજા, પ્રભાવના, શુભેચ્છા, મહેરબાની યાચવી એ જ માણસનું કામ ! એ જ નરધર્મ ! સામેથી ધર્મપાલકની સહેજ ભૂલ થઈ, અતિ થઈ કે ભયંકર મોતનો ઉપહાર ખડો જ છે !
બ્રાહ્મણોએ એ વિલાસીને આશીર્વાદ આપ્યા. આતતાયીને હણવાના પણવાળા ક્ષત્રિયોએ એ મહાન આતતાયીને રહ્યા. કવિઓએ એનાં ગાન કર્યા. જોશીઓએ એના શુભ માટે જપ કર્યા. વૈદોએ એ આતતાયીની તાકાત વધતી રહે તેવાં અગદો પાછળ જિંદગી ખર્ચી.
દુષ્ટોનું દમન કરનાર ખુદ દુષ્ટ ? સ્ત્રીના શીલનો હામી ખુદ દુઃશીલ ? પૃથ્વીમાં સ્વર્ગ ઊતરવાના યત્નનો આદરનાર ખાનગીમાં ખુદ શેતાનનો બંદો ?
અચરજ તો જુઓ ! છપ્પનભોગ એને ચઢે તોય એ ભૂખ્યો ! બત્રીસાનાં બલિદાન રોજ એને નામે અપાય તોય એ અધૂરિયો !
મહાન બલિ D 169.