________________
નિર્માણ કર્યું હશે ? ઘરડાં મૂર્ખ નહિ હોય ! ધણીનો ધણી કોણ ? રાજા નહિ ભોગવે તો કોણ સંન્યાસી ભોગવશે ? જુવાન નહિ ભોગવે, તો શું મોત સાથે બેઠું છે, એવા બૂઢા ભોગવશે ?’
મહારાજા અજિતસિંહના દિલમાં દુર્ગાદાસનો ડર હતો. એ ઓછો કરવાનો પ્રયત્ન કરતાં તેમણે કહ્યું.’
‘દુર્ગાદાસ મને હજીય પુષ્કરણા બ્રાહ્મણ જયદેવના ઘરમાં ઊછરતો લોટમંગો બ્રાહ્મણ માને છે, અથવા સિરોહીના પહાડોમાં પથ્થર સાથે રમતો ભીલનો બાળ કલ્પ છે.'
એમ ઝાઝા નબળા લોકોએ હંમેશાં અજિતસિંહને ચડાવ્યા. તેઓ માનતા હતા, કે દુર્ગાદાસ ન હોય તો રાજનો ખજાનો હમણાં ખુલ્લો મુકાય દુર્ગાદાસ ખજાના પર સાપ થઈને બેઠો છે. ખાતો નથી, ખાવા દેતો નથી !
!
પાપને પોતાની શરમ હોય છે. આ બનાવ બન્યા પછી મહારાજા અજિતસિંહ દુર્ગાદાસને જોતાં સંકોચ પામી જતા. આ રીતનો તેજોવધ અસહ્ય બન્યો. ધીરે ધીરે મળવાનું બંધ કર્યું. હલકા પાસવાનો ને મરજીદાનોના પડખામાં સદા ભરાઈ રહેવા લાગ્યા. સિંહે શિયાળોની સભામાં રહેવા માંડ્યું અને એમ કરી કરીને હૃદયમાં દુર્ગાદાસ સામે થવાની હિંમત એકત્રિત કરવા લાગ્યા !
પાસવાનોએ વળી સલાહ આપી : ‘આવા માણસને છૂટો મૂકવો સારો નહિ. કાંટો જ કાઢી નાખો !'
મારાઓ ગોઠવાયા, પણ દુર્ગાદાસ એકવાર ઔરંગઝેબથી છેતરાયા એ છેતરાયા, પછી છેતરાય તેવું રહ્યું નહોતું. એમણે ખજાનાની ચાવીઓનું બહાનું કાઢી એ પર્યંત્રને નિષ્ફળ બનાવ્યું : ને પાંચસો સવારો સાથે જોધપુરમાંથી ચાલી નીકળ્યા.
મહારાજ અજિતસિંહે પાછળથી દેશનિકાલનો ફતવો બહાર પાડ્યો.
રાવ દુર્ગાદાસે ભારે દિલથી એ સ્વીકાર્યો ને પાઘડીએ બાંધ્યો ! પોતાના સાથીદારો સામે જોઈ હસતા હસતા એ મહાવીર બોલ્યા :
‘દુર્ગાદાસના દેશનિકાલનું દુઃખ હૈયે ન ધરશો. આ જીવ એ માટે ટેવાયેલો છે. નાનપણમાં મને બાપે દેશવટો આપ્યો હતો. વૃદ્ધાવસ્થામાં રાજાએ આપ્યો. ભાઈઓ ! ઈશ્વરસેવા સુગમ છે, રાજસેવા દુર્ગમ છે. રાજસેવા કરવી તે નાગી તલવાર પર નાચવા જેવું કામ છે. રાજા એવો અગ્નિ છે. જેને સો વર્ષ સુધી ઘરના આંગણામાં પ્રેમથી સાચવ્યો હોય : પણ એક દિવસ ભૂલથી પણ આંગળી અડી જાય તો બાળ્યા વગર ન રહે ! લોકસેવા સારી, રાજસેવા ભૂંડી છે !’
166 D બૂરો દેવળ
થોડી વાર એ ચૂપ રહ્યા. પછી વળી એમણે કહ્યું :
‘ભાઈ ! નેહ ભૂંડો છે, એમાંય માતાનો નેહ ! આ માતૃભૂમિ છોડતાં મને કંઈ
કંઈ યાદ આવે છે. મહારાજા જસવંત સાથે એક વાર શિકારે ગયેલો. ખરા બપોર હતા. અમે ઝાડ નીચે સૂતા. પણ સૂર્ય જરા આઘો થતાં મારા મોં પર તડકો આવ્યો. મહારાજા જસવંત પોતે ઊઠ્યા, ને મારા પર છાંયો કરીને ઊભા રહ્યા. બીજાઓએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આજ હું એને છાંયો કરું છું, કોઈ દહાડો એ મારા વંશ પર છાંયો કરશે. ભાઈઓ, એવાં લાડ મારા રાજાએ મને લડાવ્યાં છે. કદાચ એનો પુત્ર મને બે વેણ-કવેણ કહે તો એમાં મારે ખોટું લગાડવું ન જોઈએ.”
મારુ દેશનો પ્રાણ એ દિવસે દેશત્યાગ કરીને ચાલી નીકળ્યો, ખોળિયામાંથી જેમ જીવ ચાલ્યો જાય તેમ !
તપે સૌ રાજા – 167