________________
સાથીદારો ઉતાવળા થઈ રહ્યા હશે, પણ જે માટે આપને તકલીફ આપી, એ વાત તો હવે શરૂ થાય છે.”
‘જલદી કહો, તમે એવી દીવાની દીવાની વાતો કરો છો કે મને કદાચ દીવાનો બનાવી નાખશો.’
‘રાવજી ! ગઈ કાલે ફૂલાંદેએ મને એકાએક કહ્યું કે હવે મારે સતી થવાનો વખત નજીક છે. મને એવી વાત સાંભળી આશ્ચર્ય થયું. અમે ભાઈબહેનની જેમ રહેતાં હતાં, પણ પૂરતાં સુખી હતાં. ફૂલાંદેએ ઘણીવાર કહેલું કે તમે પુરુષ છો, બીજી પરણો. પણ મેં ના પાડેલી, એની સતી થવાની વાત સાંભળી મેં કહ્યું, વળી કંઈ સ્વપ્ન આવ્યું ?
ફૂલાંદે બોલ્યાં : “ના, સ્વપ્ન નથી આવ્યું. રાજા અજિતસિંહે રાવ દુર્ગાદાસને મારવા માટે કારસ્તાન ગોઠવ્યું છે. એ માટે અહીંના કોઈ તૈયાર ન થયા તો, ઠેઠ દિલ્હીથી મારા બોલાવ્યા છે !'
સાવનસિંગને બોલતો અટકાવી દુર્ગાદાસ વચ્ચે બોલ્યા : ‘ઓ દીવાના લોકો ! દુર્ગાદાસને મારવાનું કાવતરું ને તે રાજા અજિતે ગોઠવેલું ? ખરેખર તમે દીવાનાં જ છો ! બીજાં કોઈ હોત તો મારી તલવાર શરમ ન કરત, પણ તમારી શકલ-સૂરત એવી છે કે, તેમને બે કઠોર વાક્યો કહેતાંય દિલ ચાલતું નથી !'
‘મહારાજ ! જૂઠું બોલે એને મા દુર્ગા ખાય. આમ બોલવાનું પરિણામ અમે ગંભીરપણે જાણીએ છીએ. પણ સતીમા કદી જૂઠું નથી બોલ્યાં, પહેલાં તો મેં પણ વાત હસવામાં ઉડાવી દીધી, સ્ત્રીના શક્તિ સ્વભાવની ટીકા કરી, પછી મેં પણ તપાસ કરી તો વાત સાચી નીકળી. દિલ્હીના મારા એવા આવ્યા છે કે કમર પર બાંધેલી પટ્ટી જેવી તલવાર એમની પાસે છે. એક વાર ભેગાં માણસનાં આંતરડાં બહાર કાઢી નાખે અને એ તો મારા પણ જાણે છે, કે બીજા વારનો વખત દુર્ગાદાસ ન આપે !' | ‘કોઈ વાતની ચિંતા ન કરશો. ત્રીસ વર્ષમાં દુર્ગાદાસ ઉઘાડે છોગે લડ્યો છે. ઈશ્વર એને બચાવનારો છે !'
ના મહારાજ ! ફૂલાંદેએ મને ઘણું સુખ આપ્યું છે. આ તો એનું કામ છે. એટલું એના કાજે ન કરું તો, મારા બેઠાં એનો સૌભાગ્ય ચૂડો ખંડિત થાય, મારું જીવ્યું નજીવ્યું સરખું થઈ જાય. બે પળ થોભો. જુઓ. હમણાં હું આવ્યો !'
ને વૃદ્ધ રાઠોડ સાવનસિંહ વીજળીની વરાથી બાજુના ઓરડામાં સરી ગયો. ફૂલાંદે ને દુર્ગાદાસ બે પળ એકલાં રહ્યાં, પણ ફૂલાંદેની નીચી નજર ઊંચી ન થઈ. એની નજર રાવજીના ચરણ પર જ સ્થિર હતી ! બાહ્ય સૌંદર્ય કરતાં જાણે એ નારી નરનાં આંતર સૌંદર્યની પિપાસુ હતી. દુર્ગાદાસ પણ એવા રૂપ-રાશિ પર નજર કર્યા
150 B બૂરો દેવળ
વગર, આ પૃથ્વી પર આવાં ખ્વાબી લોકો પણ વસે છે, એનો વિચાર કરી રહ્યા.
થોડી વારમાં દવ દુર્ગાદાસનો બીજો અવતાર હોય તેમ, નખ-શિખ તેવા જ પોશાકમાં ને તેવાં જ શસ્ત્રોમાં સજ્જ થઈને સાવનસિંગ બહાર આવ્યો, ને બોલ્યો :
‘દરબારમાંથી પાછાં ફરતાં* ચૂક થવાની છે, એ વખતે આપની જગ્યાએ હું આવી જઈશ. આપ પાછળના દરવાજેથી સરકી જજો.’
દુર્ગાદાસે જિંદગીમાં આવો અનુભવ નહોતો કર્યો. ઊભા થતાં એમણે કહ્યું :
‘ચિંતાની જરૂર નથી, દગો હશે તો ય ભરી પીશ. મને બાળક ન સમજજો. આલમગીર જેવા મહાન બાદશાહ સાથે ઓગણત્રીસ વર્ષ કાઢ્યાં છે, તો આ બધા કોણ ? તમે જો બહાર પડશો તો અજિત તમને જીવતા નહિ મૂકે, સાવનસિંગ ! મારું હું ફોડી લઈશ. ચિંતા ન કરશો
મારી બેનનો ચૂડો !'
‘સતિયાં નરનાર છો. તમારી જોડ અખંડ રહેશે !' ને એટલું બોલતા, પોતાનો પીછો છોડાવતા હોય તેમ, દુર્ગાદાસ દોડીને બહાર નીકળ્યા, પેલી ગોરી ફૂલાંદે તો જતા કંથને જોવાને બદલે એના ચરણકમલને નીરખી રહી હતી ! દુર્ગાદાસે એ રૂ૫ તરફ વિદાયની નજર પણ ન નાખી.
મોડું થયું હતું. દરબારમાં રાજાજી રાહ જોતા હશે, ઘોડા વેગથી ઊપડ્યા. થોડીવારમાં દરબારમાં સહુ હાજર !
રાવજી અને રાજાજી મળ્યા, અંતરના હેતપ્રીતથી મળ્યા.
રાજા અજિતની વાતોમાં ભારે મીઠાશ હતી. એણે જુદાં જુદાં કામો બાબત રાવજીની લાંબી લાંબી સલાહો લીધી. સરદારોને સંતોષ થયો કે ચાલો, બે શક્તિઓ વચ્ચે જાગેલો સંઘર્ષ ઓસરી ગયો, ને સુખદ મિલન શક્ય થયું !
વિદાય પણ ખૂબ પ્રેમભરી થઈ. બંને પ્રેમભરીને ભેટયા. રાજા અજિત રાવ દુર્ગાદાસને થોડે સુધી વળાવવા ગયા. દરબારના જૂના સરદારોની આંખમાં આ પ્રેમવિદાય જોઈ આંસુ આવ્યાં.
મહારાજની વિદાય લેતાં રાવ દુર્ગાદાસે કહ્યું,
‘મહારાજ ! આપના પિતાએ મને એક ગુપ્ત ખજાનો સુપરત કર્યો હતો. આપ યોગ્ય ઉંમરના થયા છો, હવે એ ધરોહર આપ સંભાળી લો. એની ચાવીઓ ઘેર છે ! કોઈને સાથે મોકલો. તરતમાં મોકલી આપું.”
રાજા અજિત વિચારમાં પડી ગયો. ગુપ્ત ખજાનો !૨, જોધપુરરાજને દ્રવ્યની ખૂબ જરૂર હતી. દુર્ગાદાસને કંઈ થાય તો ખજાને ખોટ આવે. એણે પોતાના
* ચૂક-દગો
સતની ધજા p 151