________________
રાઠોડો પર ભરોસો ન હોત તો આટલા ઊંડા કૂવામાં ઊતરું ખરો ?' ‘અમારા કહ્યાથી તમે કૂવામાં ઊતર્યા જરૂર, પણ અમારી ભૂલતી દોરડું કપાઈ ગયું, એ વાતનો અફસોસ અમને હરહંમેશ સતાવશે !'
‘દોરડું મારા હાથે કપાઈ ગયું. બાબાની વાત આજ મને સમજાય છે. ફકીર થઈને બાદશાહી સારી રીતે થાય, શોખીન થઈને નહિ ! બાબાનું જીવન જુઓને ! નાચ-ગાન નહિ. ખોટા કવિઓના ડાયરા નહિ, ખાવાના, સ્ત્રીના પહેરવેશના કોઈ શોખ નહિ x આવો માણસ રાજા થઈ શકે. વિલાસી ને શોખીન લોકો નહિ ! મારા વિલાસે મને હરાવ્યો ! જે દિવસે તમે મને રાજા બનાવ્યો, એ દિવસે સિંહાસનથી સીધો સમરક્ષેત્રે ગયો હોત, સુંવાળા શોખમાં પડ્યો ન હોત તો...' અકબરશાહ ભૂતકાળને યાદ કરીને દુઃખ કરી રહ્યા.
‘ધાર્યું ધણીનું થાય. અફસોસ ન કરશો. ખુદા પાક ઇન્સાફ કરશે, ત્યારે જરૂર તમને ન્યાય મળશે. તમારો પ્રયત્ન કૂતરાની જેમ લડતી કોમોને ભાઈચારો શીખવવાનો હતો. એક મહાન પ્રભુ પિતાના હેતપ્રીતભર્યા સંતાન બનાવવાનો હતો.’ દુર્ગાદાસે અકબરશાહને અંજલિ આપી.
જહાજ ઊપડવાની તૈયારીમાં હતું. ફરી બંને ભેટ્યા, આંસુ વહાવતા છૂટા પડ્યા. અકબરશાહને અંતિમ વિદાય આપી દુર્ગાદાસ દક્ષિણ છોડી મારવાડમાં આવ્યા. બાળરાજા અજિતસિંહને મળ્યા.
રાવ દુર્ગાદાસ પાસે હજી બે વસ્તુઓ હતી. અકબરશાહનાં પુત્ર અને પુત્રી. અકબરશાહની એ થાપણ હતી. પુત્રી ઉંમરલાયક થઈ હતી. શાહજાદીને યોગ્ય વરની ચિંતામાં એ હતા. એ વખતે આલમગીર બાદશાહે કહેવરાવ્યું. અકબરની દીકરી શાદી લાયક થઈ છે. બાદશાહી જનાનામાં મોકલો.'
રાવ દુર્ગાદાસ પાસે આ સંદેશો લઈને અજમેરનો હાકેમ સફીખાં આવ્યો. દુર્ગાદાસે કહ્યું : “દીકરી આપું, પણ રાઠોડોનો ચોથનો હક કબૂલ કરો.’
આ બાબતમાં સંદેશા ચાલુ થયા. દુર્ગાદાસના દિલમાં શાહજાદા-શાહજાદીને દિલ્હી દરબારમાં મોકલવાની ઇચ્છા હતી જ, એ વિના એનો યોગ્ય માન મરતબો ન જળવાય એમ એ માનતા. આલમગીરે થોડી હા કહી. થોડી ના કહી. આખરે દુર્ગાદાસે અકબરશાહની દીકરીને દિલ્હી મોકલી આપી આલમગીર બાદશાહે એ પૌત્રીને વહાલથી બોલાવી, ને કહ્યું :
‘બેટી ! રાઠોડોના ઘરમાં રહીને તને ઇસ્લામનું શિક્ષણ નહિ મળ્યું હોય. તારા
× જૈન શાસ્ત્રકારોએ રાજાઓને અજેય બનાવવા માટે સાત વાતનો નિષેધ બતાવ્યો છે : જુગાર, માંસ, સુરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રી.
126 D બૂરો દેવળ
માટે મેં શિક્ષિકા નિયુક્ત કરી છે. માણસ માટે મજહબનું જ્ઞાન પહેલી જરૂરિયાત છે.’
શાહીજાદી બોલી : ‘પિતાજી ! રાવ દુર્ગાદાસે પ્રથમથી મારા માટે એક મુસલમાન શિક્ષિકા રાખી હતી. એણે મને તમામ પ્રકારની ઇસ્લામ ધર્મની શિક્ષા આપી છે. મારા મજહબી શિક્ષણ વિશે તો રાવજી ખૂબ ચિંતા રાખતા ! આપ મને થોડા સવાલ પૂછો. હું આપને જવાબ આપું. એ પરથી આપને મારા ઇલમની ખાતરી થશે.'
બાદશાહે પૌત્રીને ઇસ્લામ ધર્મને લગતા પ્રશ્નો પૂછવા માંડ્યા. પૌત્રીએ એવા સુંદર ને સચોટ જવાબો આપ્યા કે બાદશાહ તેના જ્ઞાન પર મુગ્ધ થઈ ગયો. ‘શાબાશ બેટી ! શાબાશ દુર્ગાદાસ !' બાદશાહના મોંમાંથી નીકળી ગયું, ‘અરે છે કોઈ હાજર ?'
‘હજૂર ! હુકમ !'
*જાઓ. અજમેરના હાકેમને કહો કે કોઈ સારા માણસને જામીન રાખી દુર્ગાદાસને અહીં લઈ આવે. હું એને નવાજવા માગું છું, માનમરતબો બક્ષવા માગું છું.’ દૂત ૨વાના થયા. થોડા દિવસે પાછા આવ્યા. તેઓએ કહ્યું : ‘રાવ દુર્ગાદાસે કહેવરાવ્યું છે, કે મારે તમારું કંઈ ન જોઈએ. આપો તો મારા રાજાને જાગીર આપો. આમ થશે તો અકબરશાહનો પુત્ર પણ આપને સુપરત કરીશ.'
‘બાદશાહ પોતે પોતાનાં માણસોને મેળવી લેવા માગતો હતો. એ જાણતો હતો કે ઘરના દીવાથી જે આગ લાગે, તે બુઝાવવી દુષ્કર પડે. એણે રાજા અજિતસિંહને જાગીર બક્ષી, હોદો આપ્યો. ખિતાબ આપ્યો.
સાથે કહેવરાવ્યું કે રાવજી પર હું ખુશ છું. એમને ગુજરાતમાં પાટણના હાકેમ નીમું છું !
રાવ દુર્ગાદાસ આ સંદેશો સાંભળી હસ્યા. કહ્યું : ‘આલમગીર આપે તોય કંઈક ભેદ રાખીને આપે ! મને મારવાડથી દૂર કરવાનું સુંદર કાવતરું કર્યું છે ! હશે, મને નહિ ને મારા રાજાને મળ્યું, તોય મને મળ્યા બરાબર છે ! બાકી આવા બાદશાહની ખુશી, નાખુશીથી પણ ભયંકર હોય છે !'
શેરને માથે E 127