________________
આ વખતે એક બ્રાહ્મણ પ્રધાને કહ્યું : ‘હિંદુપ્રેમી આત્માઓને આશરો આપવાની ના પાડશો, તો તમે આલમગીરથી ડર્યા એમ કહેવાશે. તમે જો આજે આ બે જણાને ના કહેશો તો તમારા કપાળ પર સદાને માટે કાળી લીટી લાગશે. મહારાજ છત્રપતિ શિવરાજના મહાન આત્માને દુઃખ થશે. જગતની બજારમાં મરાઠાઓ મોગલો સામે લડીલડીને હવે મીણ જેવા નરમ બની ગયા છે, એમ જાહેર થશે. હું તો એમ કહું છું કે આલમગીર જેવાને પણ ખબર પડવા દો કે અમે હજી મહારાજ શિવરાજનો જુસ્સો જાળવી રહ્યા છીએ ! હું મરાઠા, રાઠોડ અને મોગલ રાજકુંવરના મિલનમાં ભાવિની ઘણી શુભ શક્યતાઓ જોઈ શકું છું. સોનેરી તક છે. લડવું પડશે તો લડી લઈશું, પણ આજે આવેલી તકને વધાવી લો !'
આ વક્તૃત્વની સહુ પર ધારી અસર થઈ. થોડી વારમાં દુર્ગાદાસ અને અકબરશાહને રાયગઢના દરબારમાં આશ્રય આપવાની હા ભણતો પત્ર તૈયાર થયો. પત્ર લઈને થાકેલાં ઘોડાં ફરી દૂર દૂરના મેદાનો પર ઝપટ કરી રહ્યાં. જુદી માટીનાં ઘોડાં ને અનોખા ખમીરના ઘોડેસવારો ! જાણે કર્તવ્ય પાસે કોઈને થાક લાગતો જ નહોતો !
માળાહીન પંખીઓ આશરાના સમાચાર મળતાં આનંદથી કિલ્લોલ કરી રહ્યાં : પણ પંખીનો પકડનાર કંઈ નિરાંતની નીંદમાં નહોતો પડ્યો. એને તરત જ ભાન થઈ ગયું કે મેં કીમિયો કરી પંખી પાંજરે પૂર્યાં, પણ હવે મારી સામે નવા કીમિયાગરો મેદાને પડ્યા છે : ને પાંજરાનાં પંખી મારી પહોંચની બહાર દૂર દૂર ઊડી જવા માગે છે ! અરે ! આ ઉસ્તાદ લોકોએ મારી મેવાડની સંધિ નિરર્થક કરી ! મેવાડી રજપૂતો અને રાઠોડના મિલનનો ભય તો સાધારણ હતો. એક રીતે એમની ઘોર તો ખોદાઈ ગઈ હતી, ત્યાં રજપૂત મરાઠાના મિલનનો આ ભયંકર ભય ખડો થઈ ગયો.
આલમગીરે તરત તાકીદના ફતવા કાઢ્યા :
“બધે પાકો બંદોબસ્ત કરો. દુર્ગાદાસ અને શાહજાદો નર્મદા ઓળંગી ન શકે, તેની તકેદારી રાખો ! ગમે ત્યાંથી પકડી દિલ્હી મોકલી આપો ! જેના પંજામાંથી છટકી જશે, અને માથે મોતના પેગામ બજશે, ને જે પોતાના પંજામાં આ પંખીઓને દબાવશે, તેને માથે ખિતાબની કલગી ચઢશે.'
ફરી દિશાઓ અંધારી બની ગઈ. ઠેર ઠેર દિલ્હીદાસોનાં ધાડાં ઘૂમવા લાગ્યાં. આ તરફ એક શુભ દિવસે પાંચસો રાઠોડો સાથે વીર દુર્ગાદાસે દક્ષિણ તરફ પ્રસ્થાન આદર્યું ! અકબરશાહ પણ એમની સાથે હતો ! પણ આ પ્રસ્થાન કેવું હતું ? પદપદ પર કુટિલ જાળ બિછાયેલી હતી.
ગુજરાતને રસ્તે વળ્યા. ત્યાં ન ફાવ્યા ! 122 E બૂરો દેવળ
અહમદનગર તરફ વળ્યા ! ત્યાં પણ ગજ ન વાગ્યો.
બુરહાનપુર તરફ ચાલ્યા ! ત્યાં પણ શત્રુની ખૂની જાળ બિછાયેલી હતી.
આજ ઝડપાયા, કાલ ઝડપાયા. આજ ધીંગાણે મરાયા, કાલે મરાયા ! પળપળનાં મોતનાં નગારાં ગડગડવા લાગ્યાં. ખડિયામાં ખાંપણ લઈને આ વીરો આગેકદમ કરી રહ્યા.
આલમગીર પાસે પણ રોજ રોજ સંદેશ પહોંચતા હતા. સંદેશ શુભ હતા. લાવનારા કહેતા હતા કે આપણા જંગમર્દ સરદારોની જાળમાં આજ કે કાલમાં બન્ને જણા સપડાઈ ગયા સમજો ! પાસે માણસો રહ્યાં નથી. ભૂખ-તરસની પણ આપદા છે. ઘોડાં થાક્યાં છે. ઝડપાવાને હવે વાર નથી !
બાદશાહ રોજ રોજ પ્રતીક્ષા કરતો બેસી રહેતો ! કોઈ કાસદ આવે, ને ધરપકડના શુભ સમાચાર લાવે. એક વાર એ બે કાફરો હાથમાં આવે, પછી એ છે ને આલમગીર છે !
આ સમાચાર માટે ઉત્સુકતાથી બેઠેલા આલમગીર પાસે એક દહાડો એકાએક સમાચાર આવ્યા, કે માખણમાંથી મોવાળો સરકી જાય એમ દુર્ગાદાસ ને અકબરશાહ સરકી ગયા છે. તેઓ ચાલાકીથી નર્મદા નદી ઓળંગી ગયા છે. રાયગઢથી ૧૭ કોસ દૂર છત્રપતિ સંભાજી ભોંસલેએ સામેથી આવીને તેમનું સ્વાગત કર્યું છે ! મરાઠારાજે એમને આશરો આપ્યો છે.
બાદશાહ આ સમાચાર સાંભળી ઊંડા વિચારમાં પડી ગયો. એને ઘડીભર લાગ્યું કે જો પોતાના પર અલ્લાની મહેર પૂરેપૂરી ન હોય તો, આ બે જણા જરૂ૨ હિંદુસ્તાનનું રાજ ભોગવે, એટલી તદબીર ને તાકાતવાળા છે.
આલમગીરે થોડી વાર અલ્લાનું સ્મરણ કર્યું. હારને હાર તરીકે સ્વીકારનાર
જીવ એ ન હતો. થોડી વારે નવા ખરીતા સાથે ઘોડેસવારો રવાના થયા.
ખરીતામાં કોઈના નામે ઇનામ હતું. કોઈના નામે મોત હતું. બાદશાહની કલમ કાગળ પર કટાર જેટલી જ તીક્ષ્ણ રહેતી.
એક ખરીતામાં મરાઠારાજી સંભાજી પર ધમકી હતી. બીજામાં અકબરશાહને સમજી જઈ પિતાના કદમમાં હાજર થવા ફરમાન હતું.
આ પછી આલમગીર પોતે બંધાવેલી મોતી મસ્જિદ તરફ ગયો. ત્યાં થોડી વાર બંદગી કરતો બેઠો. આજના સમાચારે બાદશાહને વર્ષોનો શ્રમિત બનાવ્યો હતો. એને લાગ્યું કે આ બનાવે પોતાની કમર કમજોર કરી દીધી છે. બાદશાહ અહીં થોડી વાર બેઠો, ને જાણે તાજગી અનુભવવા લાગ્યો. ફરી એ આશાવંત થઈ શુભ સમાચારની રાહ જોવા લાગ્યો.
શેરને માથે E 123