________________
લઈને રમાડતા હોય, ને એ સતીઓ પોતાના અસુર પતિના દીર્ધાયુની ઈશ્વરને પ્રાર્થના કરતી હોય !' | ‘તું કોણ છે ! આ શું છે ? આમ શું કરવા કર્યું ?” જયસિંહ વ્યાકુળ હતો. એનું મન એના વશમાં નહોતું.
બધું કહું છું. જયસિંહ ! માણસને આંખ જેટલી છેતરે છે, એટલું કોઈ છેતરતું નથી. મેં તને બધું કહ્યું છે, કહેવા બેઠી છું, મારા જીવનનો મોક્ષ તને એ કહેવામાં જ છે, પછી શા માટે આકળો થાય છે ! આજ મારા જેવું પુણ્ય કોઈએ કર્યું નહિ હોય !”
પુણ્ય, અને તે આ ? પછી પાપ કેવું હશે ?”
‘આ રાજાઓને, ચકવર્તીઓને શાહસૂબાઓના જીવનને જોઉં છું, ને પુણ્યપાપની શાસ્ત્રીય વ્યાખ્યાઓ મને ઢોંગ-બનાવટ લાગે છે : લોકોની દેખતી આંખે અંધ બનાવવા રાજાના આશ્રિત ઋષિમુનિઓએ ઊભા કરેલા કાળા કીમિયા લાગે છે. તમે નીતિ પાળો. નીતિ પળાવવાની જેમને માથે જવાબદારી છે, એ અનીતિના અખાડા ચલાવે ! આજ જે પુણ્ય હાંસલ કર્યાની હું વાત કરું છું, એ આ છે ! આજ જે નરરાક્ષસને મેં સંહાર્યો, એ એવો રાક્ષસ હતો કે જેને રોજ રાતે નવી ને નવી નવયૌવના ખપતી. એણે કેટલીય કાચી કળીઓને ઊગતી છુંદી નાખી હતી ! જયસિંહ, કહે મેં કર્યું પુણ્ય કે પાપ ?'
| ‘તું ક્યારની પવિત્રતાની પૂંછડી થઈ ? તારા પાપનો ઘડો ભરેલો છે, પછી લોકોના પાપપુણ્ય મૂલવવા તું ક્યાંથી બેઠી !' જયસિંહનો ક્રોધ હજી શમ્યો ન હતો. એવા અત્યાચારીઓનો ઘડો લાડવો કરનારા ઘણા વીરમદ બેઠા છે.” | ‘જ્યારે એ વીર મર્દો આ નરપિશાચને હણવા ધર્મ કે કર્મથી અશક્તિમાન નીવડ્યા, ત્યારે મેં આ તાડકાસુરનો વધ કરવા બીડું ઝડપ્યું. જે વીરમર્દો એને સુધારવા કે હણવા ગયા, એ જ રાતે એમના ઘરની વહુદી કરી ઊપડીને એ શેતાનની સોડમાં પડી. એ શેતાન વિરમર્દીની વાટી-લસોટીને ચટણી કરે એવો પહેલવાન હતો. પહેલવાન તે કેવો ? ચાર ચાર વીર મર્દીને એકલો ભારે પડે. રાજસ્થાનના પ્રસિદ્ધ વૈદો ન જાણે રોજ કેવી કેવી ભસ્મ ને રસાયનો ખવરાવે ! જોર એનું એની દેહમાં ન સમાય. એટલે એનું બધું જોર શિકારનાં પશુઓ અને સુંદર સ્ત્રીઓના શિકારમાં વપરાય ! પાપ તો મેં ઘણાંય કર્યો છે. પણ એક જણાએ મને વીનવી ને આ પુણ્ય મેં હાંસલ કર્યું !
આ મડદાનું શું હવે ?'
‘લઈ જનારા લઈ જશે. એના જ સેવકો ફારસ રચશે. એક સુવરને મારીને પાસે મૂકશે. શિકાર કરતાં મર્યા એમ જાહેર કરશે. દેવળ બાંધશે. દહેરામાં એ શુરાપૂરાનાં પગલાં પૂજાશે ! આરતીઓ ઊતરશે. ઇતિહાસમાં પરમ પૂજનીય રાજા
102 બૂરો દેવળ
રામના અવતાર લેખાશે.’
‘સુંદરી ! મને જવાની રજા આપ !' જયસિંહ જાણે વાતથી ધરાઈ ગયો. ‘ડરી ગયો કે !તારી કટારીથી હું ન ડરી, ને તું સામાન્ય દૃશ્યથી મૂંઝાઈ ગયો ?”
‘કલ્પનાથી પણ સત્ય કેટલું ભયંકર ! મારી નજર સામેથી એ દૃશ્ય ખસતું નથી. સજાનું મોત ! એ મડદું તોફાન મચાવશે. મને ને તને...”
‘તો જીવતું મડદું છું. મને કશો ડર નથી, પણ આટલી વાતમાં ડરી ગયો કે ! જયસિંહ ! આમ ડરીને ચાલ્યો જઈશ તો રજપૂતમાતાનું દૂધ લજવાશે. પૂરેપૂરી વાત સાંભળી જા. મારો પૂરો પરિચય તને એમાંથી સાંપડી જશે.”
જયસિંહ થોડી વાર વિચારમાં ગુપચુપ બેઠો. સામે બેઠેલી એ જ રૂપઝરણ વહાવતી, નિર્દોષતાની મૂર્તિ જેવી સુંદરી, એ જ માની ગોદ જેવી ગુફા, એ જ મીઠી હવા ને એ જ નીરવ એકાંત, જયસિંહ ધીરેધીરે ફરી ઉત્સાહમાં આવ્યો.
સુંદરીએ મધ અને આસવનો પ્યાલો ધર્યો. સુંદરીની ચંપકકારક જેવી અંગુલિ પર, કેળના થંભ જેવી લીલી ભુજા પર જયસિંહનું મન ફરી નાચી રહ્યું. એના હાથ પરના જખમનો પાટો પણ અલંકાર સમો શોભતો હતો. રે ! આવી રૂપવાદળી સૂકા રણમાં કાં વરસે ? જયસિંહને સુંદરી વિશે ફરી તીવ્ર રસ જાગ્યો. એણે કહ્યું : કહો તમારી વાત, સુંદરી !' ને જયસિંહે ગીતની એક પંક્તિ લલકારી :
“બૈઠે હૈ તેરે દરપે, કુછ કરકે ઊડેંગે,
યા વસ્લ હો જાયગા, યા મરકે ઊડેંગે.” ‘શાબાશ, જયસિંહ ! મારી કથા પૂરી થાય, અને ત્યાં સુધી હું જીવું તોય ઘણું ભાગ્ય છે. મારી બળતરા તું શું જાણે, જુવાન ! બસ, ઇચ્છા એટલી છે કે મારી પાસેથી જે મહાભારત સાંભળીને જા, એનો વૈશમ્પાયન તું થાજે !'
‘સુંદરી ! હું સ્વસ્થ છું. તારા વિશે જે ઉદ્વિગ્નમન હતો, તે શાંત થયો છું. છતાં તારા જીવનની વિચિત્રતા મને કુતૂહલપ્રિય બનાવે છે. ચલાવ તારી કહાની !'
‘ચલાવું છું. હજી તો પાશેરામાં પહેલી પૂણી છે. વાર્તાની પૂર્વભૂમિકા જ છે. મારી વાર્તાનો નાયકે હજી તો ભીલબાળાઓ સાથે રમે છે : ને કદી દુર્ગાદાસની આંગળીએ વળગીને દોડે છે. એનું નામ અજિતસિંહ !'
‘સુંદરી ! કેવી અપૂર્વ તું છે ! તારા પર મને અશ્રદ્ધા જાગી ! શંકા જાગી ! દેખતી આંખે પાપિની તું લાગી ! અરે ! એ બધો બૂરો દેવળની ભૂમિનો પ્રતાપ !”
‘પુરુષે પોતાનાં પાપ છુપાવવા સ્ત્રીને સદા પાપિની કહી છે. નિષ્પાપ સ્ત્રીઓએ ‘પાપીની સ્ત્રી પાપિની’ એ ન્યાયે પોતાને પણ ગુનેગાર ગણી લીધી છે. યાદ રાખો કે સંસારનાં દુઃખ એ પુરુષોના કર્મના પડઘા છે, સંસારનાં સુખ એ સ્ત્રીની
સ્વપ્નભંગ 2 103