________________
દુર્ગ કે દરગાહ
સામસામાં વિરામાસન પર સૂતેલાં નર અને નાર લાંબો વખત સૂતાં રહ્યાં. બાલુસુંદરીએ પોતાના કેશકલાપ છુટ્ટા મૂક્યા હતા, ને પૂર્ણ ચંદ્ર જેવું મોં એમાં, વાદળોની વચ્ચે ચમક્તા ચાંદ જેવું ભારે આકર્ષક લાગતું હતું. સ્નિગ્ધ એનો કપોલ પ્રદેશ ને શુકસમી સુડોળ નાસિકા દ્રષ્ટાના મનને આકર્ષણના દોર પર નચાવતાં હતાં.
સૂરજનારાયણ મધ્યાકાશે આવ્યા હતા, પણ ગુફામાં પ્રભાત જેવો કોમળ પ્રકાશ હતો. બહાર રેતના ટીલા તપતા હતા, પણ ન જાણે કોઈ અકળ રસ્તે હવાની ઠંડી ફરફર અહીં આવ્યા કરતી હતી. મભૂમિના વંટોળ અહીં નહોતા સૂસૂવતા.
ગુફાના છેડે ચંપાના વૃક્ષ પર ચાર છે મધપૂડા હતા. મધના પૂડા સહજ રીતે બેઠા હોય તેવું લાગતું નહોતું, પણ ઇરાદાપૂર્વક પોતાના ઉપયોગ માટે બનાવ્યા હોય તેમ ભાસતું હતું. નીચે મૂકેલાં વાસણોમાં મધનાં બિંદુઓ ટપકીને એકત્ર થતાં હતાં. આ મધપૂડામાંથી કેટલીક રેઢિયાળ મધમાખીઓ આમ તેમ ઊડ્યા કરતી હતી.
એક મધમાખી જયસિંહના નાક પર જઈને બેઠી. રજપૂતીની શાન જેવા ચંપકકોરક જેવા ગૌરવર્ણા નાકને એ જંગલના જીવે ફૂલ માની લીધું, ને ત્યાંથી મધુ ચૂસવા પોતાનો ડંખ માર્યો. ડંખ ઠીક ઠીક બેઠો, જયસિંહ વેદનાથી એકાએક જાગી ગયો ! માખી હજી ત્યાં જ બેઠી હતી. પોતાનું આસન ચલાયમાન થતાં. એણે ફૂલ બિડાઈ જવાની દહેશતથી રસનો છેલ્લો ઘૂંટડો પીવા ફરી ડંખ માર્યો. બે પઠાણો સાથે એકલો બાખડી શકે એવો જયસિંહ આ ડંખથી સફાળો બેઠો થઈ ગયો. એણે હાથવતી નાક મસળ્યું. માખી હાથમાં દબાઈ, દબાતી માખીએ હથેળીમાં ડંખ માર્યો.
જયસિંહ બેઠો થયો, નીચે પડેલી માખીને પગ નીચે કચડી નાખી. નાનો એવો
દુશ્મન પણ એની મીઠી ઊંઘને આ રીતે બગાડી ગયો એથી મન નારાજ થયું. એક માખીને કચડી નાખી એ સ્વસ્થ થવા જતો હતો, ત્યાં બીજી બે આવી પહોંચી ! બેની. પાછળ બીજી બે હતી. હુમલા કરવાના ઇરાદે આવતી હોય એમ ઝૂન ઝૂન કરતી હતી ! જયસિંહને લડાઈના આ આવાહનને સ્વીકારવું પડ્યું.
માખી અને જયસિંહ થોડી વાર અરસપરસનાં યુદ્ધમાં ગૂંથાઈ ગયાં, પણ ખૂબી તો જુઓ પેલી ભરનિંદમાં સૂતેલી સુંદરીને સ્પર્શ કરતાં જયસિંહ તો ડરતો જ હતો, પણ આ નગુરી માખીઓ પણ જાણે એ સુંદરીથી ડરતી હતી, એક પણ માખી ભરેલા મધપૂડા જેવી આ સુંદરીની નજીક સરકતી પણ ન હતી ! છ પઠાણોને પહોંચી વળવાની તાકાત રાખનાર આ જુવાન, માખીઓ પાસે હેરાન થઈ ગયો. એણે કટારી કાઢી માખીઓ પર વાર કરવા માંડ્યા. માણસને મારી શકનારી કટારી આ માખીઓને મારવામાં લાચાર નીવડી. આમ કરતાં કટારી હાથમાંથી છટકી ગઈ. ખણણ કરતો અવાજ થયો. સૂતેલી સુંદરી સફાળી જાગ્રત થઈ. એણે કટારીને ભૂમિ પર પડતી જોઈ.
શું મોટા ભાઈ આવી પહોંચ્યા ? આખરે છરી-કટારી પર વાત પહોંચી ગઈ” સુંદરીએ આળસ મરડતાં કહ્યું. એનાં સુડોળ અંગ જયસિંહ પર કામણ કરી રહ્યાં.
ના, ના, આ મધમાખીઓએ મારો જીવ લીધો.’ જયસિંહે કહ્યું.
‘જે મધમાખના મોહમાં પડે એને એના ડંખ પણ વેઠવા પડે. કહો, તમે કોઈ મધમાખના મોહમાં પડ્યા છો ?’ સુંદરી પોતાની ઢીલી કંચુકી ઠીક કરતાં બોલી, સુંદરીનું સૌંદર્ય અનુપમ હતું. એ હરપળે નવી ને નવી લાગતી, જાણે રતિ સ્વયં અવતાર લઈને જન્મી ન હોય !”
કોઈ ગંધર્વનગરીમાં ભૂલો પડ્યો હોઉં, તેમ લાગે છે, કે કામરુ દેશનું આ થાણું તો નથી ને ?' જયસિંહે વ્યાકુળતાથી કહ્યું.
‘મારા પ્રશ્નનો જવાબ ન ઉડાવો. કોઈ મધમાખના મોહમાં તો પડ્યા નથી ને ?” મધપૂડાના મોહમાં છું.' ‘તો મધમાખના ડંખ વેઠવા પડશે.” | ‘મૂકો એની વાત. હવે આ માખીઓને અહીંથી ટાળો. જયસિંહે આજીજી જેવા સ્વરે કહ્યું. સુંદરી ઊઠીને જયસિંહના વિરામાસન પર બેઠી. ન જાણે કેવી સુગંધ આવી કે માખીઓ ઝટપટ ચાલી ગઈ. જયસિંહે હાશકારાનો દમ મૂક્યો. પણ ત્યાં સુંદરીની સમીપતા એની નસોના લોહીને વેગથી ફેરવવા લાગી.”
મધમાખીઓ ગઈને ?' “સ્ત્રીને સ્ત્રીની શરમ ?” મોટી મધમાખ આવે, એટલે બિચારી નાની મધમાખીઓ ભાગી જ છૂટે ને !'
દુર્ગ કે દરગાહ 55