SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચડ્યો. પિતાજી અને અનારદેવી વાર્તાવિનોદમાં મગ્ન હતાં. મને જોઈને બંને ઊઠીને મારી સામે આવ્યાં. મેં તરત જ બાજુમાં પડેલી એમની બંનેની નકશીદાર મોજડીઓ લઈને તેઓના પગ આગળ ધરી દીધી, હું સમય વર્તો. અનારકલી તો આશ્ચર્યમાં પડી ગઈ. એ યવની હોવાથી રજપૂતો એનો તિરસ્કાર કરતા હતા; ને હું ખુદ રાજકુંવર થઈને આ રીતે વર્તે ? એણે કહ્યું : ‘કુંવર ! આ શું કરો છો ? મારી મોજડી ઉપાડો છો ?' ‘મેં કહ્યું : તમે તો મારાં મા છો. તમારી મોજડી ઉપાડવામાં મને શરમ કેવી !' ‘અનારકલી મારા પર ફિદા થઈ ગઈ. એણે એ વખતે જ મનમાં નિશ્ચય કર્યો કે જસવંતને જ મારવાડનો સ્વામી બનાવવો.’ મારે માટે એણે આભ-પાતાળ એક કર્યાં. મારી પ્રેરણા મૂર્તિ પણ એ બની ! ‘પિતાજી તો એની પાછળ લટ્ટુ હતા. એ પોતાના ઇરાદા માટે સાવધ હતી. પિતાજી મૃત્યુ પામ્યા, ત્યારે ગાદી માટે ભયંકર વાવંટોળ જાગ્યા. મને અંધકાર ઘેરી વળ્યો ત્યારે એ અનારદેવી મારે માટે દીપક બની. એણે મને દોર્યો. પોતે ઝઝૂમી, ને એ અનારકલીના જ પ્રતાપે મને ફટાયાને જોધપુરનું રાજ મળ્યું. હું એ માતાની બને તેટલી સેવા કરવા ચાહતો હતો. પણ તેમની સેવા હું લાંબો સમય ન કરી શક્યો. રાજકાજમાં ડૂબેલા મને એક દિવસ ભાળ મળી કે સરદારોએ એને વિષ આપી દીધું છે ! એનું તર્પણ કોઈક રીતે કરવું, એની માનવતાને મારે મારવાડમાં રોપવી, એ ઇચ્છા ઘણા વખતથી મારા દિલમાં છે, અને એ માટે કાબુલથી અનાર લઈ જઈને ત્યાં વાવી દે ! અનારાદેવીનું એ રીતે ત્યાં સ્મારક થશે. પથરાનાં સ્મારક આજ છે, ને કાલે નહિ રહે. આ સ્મારક અમિટ રહેશે. ચતરા આપણે એ દેવીને આ રીતે એંજિલ આપીએ ! ચતરો ગહલોત કુશળ માળી હતો, પણ કાબુલની અત્તર જેવી સોડમ આપતી માટી ક્યાં ને મરુભૂમિની સૂકી રેત ક્યાં ? કાબુલનાં ઠંડાં મીઠાં હવા-પાણી ક્યાં ને મરુભૂમિનાં ગરમ આગ વરસાવતાં હવા-પાણી ક્યાં ? રાજા જસવંતસિંહે એ વખતે ચતરાને કહ્યું : ‘પેલા કાગડાની વાત જાણે છે ને ! કાગડો તરસ્યો હતો. કૂંજામાં પાણી હતું, પણ પાણી ઘણું ઊંડું હતું – પોતાનાથી પહોંચાય તેમ નહોતું. છતાં ધીરે ધીરે એક એક કાંકરો નાખી પાણી ઉપર આવ્યું. ધીરજ ને ખંતથી દરેક કામ થાય છે ! વખત, માણસ ને દ્રવ્ય – ત્રણની ચિંતા ન કરીશ. મારું કામ કરી દે, ચતરા ! મને ઋણમુક્ત બનાવ ! મારી સાથે તારું નામ પણ અમર થઈ જશે !' ચતરાની હિંમત ચાલતી નહોતી, પણ પોતાના રાજાની વિનંતીને એ પાછી ઠેલી ન શક્યો. એણે કહ્યું : “મારા હાડનું ખાતર કરીશ, પણ અનારની વાડીઓ 46 D બૂરો દેવળ ઉછેરીશ. રાજન્ ! મારા દેહનાં હાડ, ચામ ને માંસ પણ શું જોધપુરની માટીને ફેરવી નહિ શકે ? ફળદ્રુપ નહિ બનાવી શકે ?' મહારાજ જસવન્ત ઊઠ્યા. ધૂળભર્યાં વસ્ત્રવાળા ચતરાને ભેટી પડ્યા. ચતરો બીજ લઈને જોધપુર આવ્યો. બી વાવ્યાં ને વાડીઓ કરી, પણ ધૂળના ડમ્મરો, પાણીની તંગી ને ધગધગતું આકાશ એના શ્રમને વ્યર્થ કરતાં હતાં. ચતરાને ઘેર ચાર બાળકો રમતાં થયાં, પણ એના બાગમાં એક ઝાડને ફળ ન આવ્યાં પણ ચતરો તો પૃથ્વીનો જીવ ! વનસ્પતિ માત્રનો મિત્ર ! આખરે ભૂમિદેવતા જાગ્યા. વૃક્ષદેવતા રીઝ્યા ને અનારનાં ઝાડ ખીલ્યાં, ફળફૂલથી લચી પડ્યાં. કાગાનો ભાગ દેશદેશમાં પંકાઈ ગયો. અરે ! આકડા, ખેર ને બાવળની આ ભૂમિમાં અનારવૃક્ષોની મધુર છબી ક્યાંથી ? અને તે પણ કાબુલી અનારની !જેના એક ફળમાં બધે જામ ભરાય એટલો રસ છલકાતો હોય છે ! કોઈ સ્વપ્નદ્રષ્ટાનું સ્વપ્ન તો આ રેતભૂમિમાં પાગર્યું નથી ! કે મરુભૂમિની મૃગમરીચિકા જેવું આ કોઈનું કલ્પનાઉધાન તો નથી ને ! ના, ના, પેલો સાધુ પણ એ જ ગીત ગુંજતો આ કાગાના ભાગ તરફ જ આવે છે ! ગાનારના સ્વરમાં મધુરતા સાથે આછી આર્દ્ર કરુણતા પણ ઘૂંટાઈ રહી છે. રે ! સંસારમાં જ્યાં સહુ પોતપોતાની પીડમાં પડ્યાં હોય, ત્યાં પારકાના આવા કરુણાભાવ તરફ કોણ લક્ષ આપે ! કાગાનો બાગ ! નામ ભલે વિચિત્ર હોય, પણ એ રાજબાગ છે; જેના નામનો જશ બાગમાં વ્યાપ્ત છે, એવા રણબંકા રાઠોડ રાજવી ને ગુજરાતના એક વખતના સૂબેદાર રાય જસવન્તસિંહનો એ ભાગ છે ! આ સાધુના મુખે એ ભાગનાં, એ ચતરા ગહલોતનાં, એ અનારાદેવીનાં ને એ રાજિયા ઢોલીનાં ગીત છે ! એ એવા અર્થનું ગાય છે, કે જ્યારે જ્યારે માણસને માથે ઉપાધિ આવી છે, ત્યારે હીરા-માણેક વ્યર્થ થયાં છે ને રસ્તાની ધૂળે એનું રક્ષણ કર્યું છે : માટે જ માટીને સહુ કોઈ માતૃપદે સ્થાપે છે, હીરાને કોઈ પિતૃપદે સ્થાપતું નથી ! એ ગાય છે, કે મોટાની મોટાઈ જ્યારે જીવનધર્મ અદા કરવામાં અફળ નીવડે છે, ત્યારે નાનાશા માનવીની નાનીશી આત્મદીવડી ઘોર અંધકારમાં અજવાળાં વેરે છે ! માટે આભના સૂરજ જેટલાં, માટીના કોડિયાનાં સંસારમાં માન છે. કોઈ દિવસનો દીવો છે. કોઈ રાતનો દીવો છે. બંને સમાન છે. બંને અંધારાં ઉલેચવાનું અને પથપ્રદર્શકનું કામ કરે છે. ચતરો ગહલોત | 47
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy