________________
કોઈએ ઉત્તર વાળ્યો : ‘રાવ જોધાજી ગઢ ચણાવે છે. સિદ્ધ જોગી હરભમજીએ ભાખ્યું છે, કે પાયાના પાણા તરીકે કોઈ નર જીવતો ચણાય, તો આ ગઢ, આ રાજ્ય ચલાવનારના વંશમાં યાવચંદ્રદિવાકરૌં રહે !'
‘તે એવો નર નથી મળ્યો ?’ રાજિયાએ પ્રશ્ન કર્યો.
“એમ એવો નર કંઈ રસ્તામાં પડ્યો છે ? છે તારી મરજી ?’ બૂંગિયો વગાડનારે જરા ટોળમાં કહ્યું.
‘અલ્યા, એમાં તે વળી મરજી શી ને વળી અરજી શી ! આપણા વિના તે શું રાજપાટ સૂનાં પડી જવાનાં હતાં ! માણસ માણસને કામમાં આવે એનાથી રૂડું શું ?' રાજિયાએ કહ્યું.
‘ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ટૂંકું કર ! તો તું છે તૈયાર ?' ઢોલી મુદ્દાનો પ્રશ્ન કરી રહ્યો.
‘અહીં ક્યો ભાઈ ના કહે છે ? માણસ માણસના ખપમાં આવે એનાથી રૂડું શું ?’ ‘અલ્યા, બૈરીને તો સીમંતે મોકલી છે !'
‘તે કંદોરાબંધ દીકરો જણશે. રાજ તો પ્રજાનું માબાપ છે. રાજ એને પાળશે. ક્ષત્રિયપુત્રો રાજની રક્ષા માટે રોજ મરે છે, કો'ક દી આપણે પણ સાટું વાળવું ઘટે ને ! ભાઈ, રાજમાં ખબર કરો કે હું રાજી છું.'
‘કંઈ પૈસો-ટકો જોઈતો હોય તો માગી લેજે અલ્યા ! રાજાજીએ મોંમાંગ્યું ધન આપવા કહ્યું છે.'
‘ભાઈ ! આ તો આપણો પ્રજાધરમ ! ધનથી ધર્મ ન વેચાય. પૈસો તો માણસના હાથનો મેલ છે. તક મળે તો ઝટ લઈને દાનના પાણીથી હાથ ધોઈ નાખવા.’ ‘અલ્યા ! વિચારીને વાત કરજે, પછી પસ્તાઈશ. બોલેલું પછી પાળવું પડશે.’ ‘પસ્તાવાનું શું છે ? રાજને માટે ને લોકને માટે મરવું એમાં વિચારવાનું શું ને પસ્તાવાનું શું ?'
રાજદરબારે ખબર પહોંચ્યા. રાવ જોધાજી મનમાં મૂંઝાતા બેઠા હતા. આ ગઢ તો ચણાય ત્યારે સાચો, પણ એમના આત્માભિમાનરૂપી ગઢના ચૂરેચૂરા થઈ રહ્યા હતા. ત્યાં આ સમાચાર મળ્યા. એમના હૈયામાં હર્ષ ન માયો. એ દોડ્યા ને રાજિયાને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. ગદ્ગદ કંઠે બોલ્યા :
‘રાજિયા ! મારા રાજ્યમાં તું ક્ષત્રિયપુત્ર કે બ્રાહ્મણપુત્રથી પણ સવાયો ! ધન્ય તને, ધન્ય તારી જનનીને !'
મજૂરો કામે લાગ્યા, ધડાધડ પાયો ખોદાયો.
રાજિયાને હૈયે હરખ માતો નથી, ક્ષત્રિય યોદ્ધાઓની શરમનો પાર નથી ! 40 D બૂરો દેવળ
અરે, માથે મરદાઈનાં ચાર ચાર છોગાં ઘાલીને ફરનારા લાખ લાખ માનવીઓમાં મરી જાણ્યું એક રાજિયાએ.
રાજિયાને સિદ્ધજોગી હરભમે આવી આશીર્વાદ આપ્યા. પૂજારીએ પવિત્ર મંત્રો ઉચ્ચારી કપાળમાં તિલક કર્યું. શરીરે ચંદન અર્યું. ગળામાં ફૂલોની માળા પહેરાવી !
પાયો ખોદાઈ ગયો હતો. રૂપાળી બેઠક રચાઈ ગઈ હતી. હરખાતો હરખાતો રાજિયો ત્યાં જઈને બેઠો. માનવમેદનીનો સુમાર નથી. લોકો ‘જય અંબે, જય અંબે' કહી રહ્યા છે, હાથ જોડીને પ્રણમી રહ્યા છે, પુષ્પોની વર્ષા કરી રહ્યા છે ! રાવ જોધાજી કરતાં ઢોલી રાજિયો વધુ માન પામી રહ્યો છે ! રાજા તો નિર્જીવ સોનાના સિંહાસને બેસે, રાજિયો પ્રજાના હૃદયસિંહાસને ચઢી બેઠો છે. વાહ રાજિયા વાહ ! વાહ તારી જનેતા !
‘સૌ ભાઈઓને રામ રામ !' રાજિયાએ બે હાથ ઊંચા કરી ચારે તરફ નજર ફેરવતાં જોરથી ઉચ્ચાર કર્યો, ને લાંબી સોડ તાણી બ્રાહ્મણોને મંત્રોચ્ચાર શરૂ કરવા કહ્યું, કડિયાઓને કામ શરૂ કરવા ઇશારો કર્યો, સૂતો સૂતો રાજિયો આકાશ સામે હાથ જોડી રહ્યો, અંતરજામીને યાદ કરી રહ્યો.
પથરા મૂકનારના હાથ કંપ્યા, પણ રાજઆજ્ઞા હતી. તરત ચણતરકામ શરૂ થયું ! રાજિયાના પગ ઢાંક્યા. પેટ સુધી ચણતર આવ્યું. હવે ફક્ત આકાશ સામે ઊઠેલા બે હાથ ને હસતું મોં દેખાતું હતું.
કડિયાએ દેવને પુષ્પ ધરે એમ પથ્થરની શિલા મૂકી. એક મૂકી, બીજી મૂકી, ત્રીજી મૂકી ! પાયો પુરાઈ ગયો !
રાજિયાની જયથી ને જય અંબેના નાદથી આકાશ ગુંજી ઊઠ્યું. સિદ્ધજોગી હરભમજીએ આશીર્વાદ આપતાં કહ્યું :
‘આત્મત્યાગી રાજિયાની સમાધિ પર ખજાનો અને નક્કારખાનું ચણાવજો. ખજાને ખોટ નહિ આવે, નગારે ચોટ નહિ આવે !
રાવ જોધાજીએ મસ્તક નમાવ્યું. તરત પ્રધાનને બોલાવ્યા ને રાજફરમાન કાઢી રાજિયાના વંશવારસોને ચંદ્ર ચમકે ને દિનકર તપે ત્યાં સુધી ખેડવા જમીન કાઢી આપી !
જાદુગરની સાદડીની જેમ રાવ જોધાજીનો રાઠોડી કિલ્લો જોતજોતામાં ચણાઈ ગયો. કિલ્લાની પાસે નગર પણ વસ્યું.
મારવાડની એ રાજધાની, મરુકાન્તારનું એ પાટનગર ! એનું નામ જોધપુર !
n રાજીયો ઢોલી C 41