________________
તો પછી એને કેમ અહીં ન લાવ્યા ?' રાજા દશગ્રીવે સામાન્ય વાત હોય તેમ પૂછ્યું.
‘અજબ છે એ સુંદરી. એ કહે છે, હું તો એક તાપસને વરી છું, અને એની જ છું, અને એની પાસે જ રહીશ.'
“કેવી મૂર્ખ સ્ત્રી ! લંકાનો રાજા દશગ્રીવ ને એક તાપસ શું બંને સરખા ! અરે ! એ રૂપવતી પણ કમઅકલ સ્ત્રીની પાસે તમે મારી અને તાપસની સરખામણી કરી મારી મહત્તા ન સમજાવી ?' રાજાએ પ્રશ્ન કર્યો.
‘સમજાવવા જતાં તો માર ખાધો. એ કહે છે, કે તારો રાજા મારે મન કંઈ નહિ, તણખલાના તોલે. મારો પતિ જ મારું સર્વસ્વ ! તારો રાજા દશગ્રીવ છે, તો મારો પતિ દશરથનો પુત્ર છે.” અનુચરોએ જવાબ વાળ્યો.
આવી જિદ્દી સ્ત્રીઓને સમજાવવામાં સાર નહિ, એને તો ઉપાડી લાવવી જોઈતી'તી ! સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. લંકાપતિની અપાર સમૃદ્ધિ ને અમાપ વૈભવ જોઈને પછી એનું મન ખુશ થઈ જાત ! સ્ત્રીને બહુ મોઢે ચઢાવવી સારી નહિ !' રાજા દશગ્રીવે અનુચરોને સ્ત્રીચરિત્રની સાથે તેમનું કર્તવ્ય ચીંધતાં કહ્યું.
‘સ્વામી ! એ પણ કર્યું, પણ એમાં અમે નાક-કાન ખોયાં. તાપસ ભારે બળવાન લાગ્યો. એની સાથે બીજો પણ છે, એ તો વળી મિજાજનું ધોયું છે.'
‘વારુ, તમારા જેવા કમજોર અનુચરોથી રેતીનો કૂબો પણ નહિ ભાંગે. સ્વામીને ખાતર મોતને ભેટનારનું કલ્યાણ થાય છે. સ્વામીભક્તિ સમજો. અસ્તુ. કાલે હું જઈશ, જોઉં છું, કોણ છે એ બે માથાળો ! દશગ્રીવની સામે બાકરી ? દશા જ બગડેલી સમજો. અરે ! સેનાપતિને બોલાવો.' દશગ્રીવ ગર્જ્યો.
‘મહારાજ ! આ બળનું કામ નથી, કળનું છે. બે માર્થા ને દશ માર્થાની ગણતરી ન કરો. સ્ત્રી તાબે થઈ તો આપથી, નહિ તો કોઈથી તાબે નહીં થાય. એમાં સેનાપતિનું કામ નથી.’
‘શાબાશ ! તમે ખરી યાદ આપી. બળથી તો હું આખી પૃથ્વી જીતી લઉં, પણ કદાચ તમામ બળથી એક સ્ત્રીનું હૃદય જીતવું અશક્ય છે. ભલે માયાવી મારીચને મોકલો. હું અને એ મળીને કામ પતાવી લઈશું !'
રાજાને તો બીજાં હજાર કામ હોય, પછી આવાં કામ પતાવવામાં વિલંબ કેવો ? રાજા દશગ્રીવ ને કલાકાર મારીચ. એ બે જણા જઈને કામ પતાવી આવ્યા. તાપસની સૌંદર્યવતી સ્ત્રીને ઉપાડી લાવ્યા. સ્ત્રીને વધુ સમજાવટ શી ? લાવીને અંતઃપુરમાં બેસાડી દીધી. એમને મન સાવ સામાન્ય આ ઘટના હતી. માનિની સ્ત્રીને રીઝવવા સિવાય હવે વિશેષ કંઈ કરવાનું રહેતું નહોતું, અને રૂપવતી માનુનીને
34 બૂરો દેવળ
મનાવવી એ તો મનની ભારે મોજ પણ હતી. રાજકારણની કુટિલતા વીસરવા માટે એ આનંદજનક રમત પણ હતી !
આજે બની ને કાલે વીસરાઈ ગઈ એવી આ ઘટના ! રાજકારણમાં તો આવા બનાવો બન્યા જ કરતા. સ્ત્રી, અશ્વ કે હસ્તી, એ તો રાજખેલની ચીજો હતી. પણ પેલી સ્ત્રીના પતિ તાપસ રામે ગંભીર રૂપ લીધું. વાતનું વતેસર કર્યું. એણે પોતાની સ્ત્રી સીતાની ભાળ મેળવવા ત્રણ બ્રહ્માંડ ફેંદી નાખ્યાં !
એ વખતની રાજકારણી પ્રજાને મન આ બીના નાની વાતમાં મોટા તોફાન જેવી હતી. શત્રુના ઘેર રહેલી સુંદર સ્ત્રી કદી સ્વસ્થ ન રહી શકે ! ગઈ એ ગઈ. હવે એને માટે લડીને શું કરવાનું ? એકલા ચેન પડતું ન હોય તો એથી અધિક સુંદર સ્ત્રી પરણી ! લાવવાની ! વાત થઈ ત્યાં પૂરી. ખાધું ને રાજ કર્યું
પણ દશરથનો પુત્ર તાપસ રામ પોતાની વાતનો ખૂબ પાર્કા નીકળ્યો. એણે આ અન્યાય સામે જંગલો જગાવ્યાં, આ અધર્મ સામે નગરની નહિ તો જંગલની જાતિઓને જગાડી. જંગલના એ યોદ્ધાઓને મન સ્ત્રીની કિંમત હતી. સ્ત્રીપ્રધાન સંસ્કૃતિના એ પૂજારી હતા. તેમણે જંગમાં જોડાવાનું તાપસને વચન આપ્યું ! સ્વર્ગ, પૃથ્વી કે પાતાળમાંથી સીતાની ભાળ લઈ આવવાનું માથે લીધું.
મહામહેનતે ભાળ મળી કે લંકાનો રાજા દશગ્રીવ સીતાને ઉપાડી ગયો છે ! પણ લંકા ક્યાં ! ત્યાં પહોંચવાનું શક્ય નહોતું. તેમાંય શત્રુ થઈને પહોંચવું તો સાવ અશક્ય હતું. દિશાઓને આવરીને પડેલો દક્ષિણ મહાસાગર એની રક્ષા કરી રહ્યો હતો.
દક્ષિણ મહાસાગર પાસેથી માગ મેળવવો જ જોઈએ, તો જ લંકા પર કૂચ કરી જવાય !' તાપસ રામે પડકાર કર્યો. અને જાતે ઊભા કરેલા વાનર, રૂક્ષ ને જાંબુવાનના સૈન્યને દક્ષિણસાગર પર દોર્યું !
અને સાગરને માગ આપવા પડકાર કર્યો.
પણ સાગર તો લંકાપતિનો સેવક હતો. એ સાંભળે શા માટે ? નાના એવા તાપસે ઉગ્ર રૂપ ધારણ કર્યું. એણે ભાથામાંથી અમોધ બાણ કાઢ્યું. ચાપ પર ચડાવ્યું ચડાવીને પ્રત્યંચાને જરા આંગળીનો આઘાત આપી ધ્રુજાવી.ભયંકર અવાજો ઊઠ્યા. એથી પાતાળ ભરાઈ ગયું. આકાશ થરથર કાંપવા લાગ્યું.
બાણ હમણાં છૂટ્યું કે છૂટશે ? મહાસાગરોના મહાસાગર પી જશે. મહાસાગરનાં મોજાં ખળભળી ઊઠ્યાં. સાગરદેવ શરણાગતિ યાચતો સામે આવીને ઊભો રહ્યો, પણ તાપસ કૃતનિશ્ચય હતો. ચાપ પર ચઢેલું અમોઘ બાણ હવે પાછું ભાથામાં ન ફરે, પણ બીજી તરફ સાગરદેવ શરણે આવી પડ્યો હતો. શરણાગતને સંહારાય પણ કઈ રીતે ?
સુંદરીએ વાત શરૂ કરી D 35