SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુયાણીને શોધી કાઢી. એ વૃદ્ધ સુયાણીને પૈસા આપી રીઝવી. એણે કહ્યું કે ભઈલા ! તું માત્ર એક પળ-વિપળ વહેલો જન્મેલો ! તારા મોટા ભાઈનો જન્મ પછી ! પણ મોટો નાનો નક્કી કરતી વખતે તારું નાક જરા પહોળું ને બેઠેલું દીઠહ્યું, તારા ભાઈની નાસિકા અણીદાર જોઈ. બધાએ કહ્યું : ‘આ રૂડું પોપટિયું નાક, સિંહાસને એ શોભે, એ પાટવી !’ કહેનારને તો કંઈ ગુમાવવા જેવું નહોતું. બાપુને, બાને પણ કાંઈ ખોવાનું નહોતું. સગાંવહાલાંને એમાં કંઈ લાભ હાનિ નહોતી. એ અયોગ્ય નિર્ણયથી જો કોઈ ભવની બાજી હાર્યો હોય તો હું ! હું પર્વતમાંથી રાઈ બની ગયો, સિંહાસનહીન ફટાયો બની ગયો. તાજનો હકદાર એ બની ગયો, એની ઓશિયાળ પર મારું જીવનસુખ લટકી રહ્યું ! ચીબરી જાણે પોકાર કરી રહી : ‘તું ફટાયો ! અરે ફટાયાનો અર્થ તો વિચાર ! ફટ−તું આવ્યો ! વ્યર્થ તું જન્મ્યો ! આવાં અપમાન સહીને જીવવું, એના કરતાં મરવું શું ખોટું ?” નાનો ભાઈ વ્યગ્ર બની ગયો. વળી ભૂતકાળના પોપડામાંથી એક નવો સાપ વીંછી નીકળ્યો. અને એક બીજી ભયંકર વાત યાદ આવી ગઈ. જમીનદારની દીકરી સોનબાઈને એણે એક રાતે ગરબે ઘૂમતી જોયેલી, સોનાની મૂરત જેવી એની સૂરત. પોતાની આંખમાં વસી ગઈ. એને પણ હું તરાને અભિમન્યુ લાગ્યો હતો તેવો લાગ્યો. અમે નેત્રપલ્લવી કરતાં થયાં, પછી તો ખાનગીમાં એક બે વાર મળ્યાં, પ્રીતભરી ગોઠડી કરી. એણે કહ્યું કે હું મારા પિતાને કહીશ, તું મારો રામ, હું તારી સીતા ! આપણે માંડવડો બાંધી વિવાહ રચીશું, પરણીશું, પ્રેમની દુનિયામાં મહાલીશું. હું તને મારા હૃદય સિંહાસન પર રાજા બનાવી બેસાડીશ. એણે પોતાના પિતાને કહ્યું, એના પિતાના મનને એમ કે હું જ પાટવી હઈશ. ગોર મહારાજને કહેણ મૂકવા દરબારમાં મોકલ્યા. એ વખતે મોટા ભાઈની ફૂલકુંવર તાજી જ ગુજરી ગયેલી. એ કોઈ તાજા ફૂલની શોધમાં હતા. પિતાજીએ ગોર મહારાજને કહ્યું કે મારે તો બેય આંખ સરખી. બંને કુંવર સુંદર ને સુયોગ્ય છે. તમને ઠીક લાગે તેને શ્રીફળ આપો ! ગોર હોશિયાર હતા. દુનિયામાં તો સત્તા ને વૈભવ જ સર્વસ્વ છે. ફટાયા કરતાં પાટવીને એમણે પસંદ કર્યો. એમણે મોટાભાઈને શ્રીફળ આપ્યું ને ચાંલ્લો કર્યો. મેં સાંભળ્યું ત્યારે ધરતી ને આભ એકાકાર થઈ રહ્યાં. શરમ છોડી ભાઈને વિનંતી કરી, તો ભાઈ હસ્યો ને બોલ્યો : ‘મારી ક્યાં ના છે ? કહેણ લઈ આવનારને પૂછો !’ પણ કહેણ લાવનાર બધા સિંહાસનના લોભી હતા, સમૃદ્ધિના પૂજારી હતા. એમણે તો કહ્યું : ‘હવે એમાં ફેરફાર ન થાય, એ તો લોઢે લીટી થઈ. ક્ષત્રિયની 18 D બૂરો દેવળ તલવાર ને બ્રાહ્મણનું કંકુ પડ્યું ત્યાંથી પાછું ન ફરે. વિધાતાના લેખ ! દીકરી ઇચ્છે તો પણ ન બને. મા-બાપની આજ્ઞા બહાર હોય એ દીકરી શા કામની ! એને તો જીવતી ભોંમાં ભંડારી દેવી જોઈએ. પોતે જડ જેવો અસહાય ઊભો રહ્યો ને વાત વેડફાઈ ગઈ. એક નાનું તણખલું પહાડોને શી રીતે ફેરવી શકે ? લગ્ન લેવાયાં. હોંશભેર ભાઈનું ખાંડું પરણવા ગયું – પણ સોનબાઈ તે સોનબાઈ ! વેંતભરની કુમળી કળી જેવી છોકરીએ લાંબી લાંબી દાઢીવાળાને બનાવી દીધા. એણે શું કમાલ કરી ! સહુને બેવકૂળ બનાવ્યા. પોતાને બદલે માયરામાં દાસીને બેસાડી દીધી. ખાંડા સાથે દાસી ફેરા ફરી. લગ્ન પતી ગયાં. કન્યાનો* ડોલો ઘેર આવ્યો. લૂગડે ગાંઠો પડી ગઈ. સહુએ જાણ્યું ત્યારે હસવું ને હાણ સાથે થયાં. ભાઈની ખૂબ મશ્કરી થઈ. પણ ભાઈની મશ્કરી મને જ ભારે પડી ગઈ. મેં માન્યું કે હવે તો સોનબાઈ મને જ પરણશે. બા ને બાપુને કહ્યું તો એમણે કહ્યું : ‘જેણે કુળની મશ્કરી કરી, એ આપણી કુળવધુ થઈ શકે નહિ ! આપણે આંગણે એનો પડછાયો પણ હોય નહિ.’ પેલી નિમકહલાલ દાસી પણ રાજદરબારના ક્રોધનો ભોગ બની. એને ચીરીને મીઠું ભર્યું. ભયંકર મોતે એ મરી ! સ્ત્રીહત્યા ! રે એવી હત્યા તો રાજવંશીઓને સહેલી થઈ પડી છે. માખી અને માણસમાં એમને ફેર રહ્યો નથી ! સોનબાઈ બિચારી મારી રાહ જોતી કુંવારી બેસી રહી, ને હું ? બા-બાપુનો નમ્ર સેવક બની રહ્યો. આ બધાં અનિષ્ટોનું મૂળ કારણ શું ? નાના ને મોટાનો આ વિભેદ ! પોતાના જરા બેઠેલા નાકનો પ્રતાપ ! જયસિંહને ક્ષણવાર પોતાના નાકને શિક્ષા કરવાનો વિચાર આવ્યો. છરીથી સમૂળ છેદીને ફેંકી દેવું ! પણ બીજી પળે તેને ખ્યાલ આવ્યો કે તમે થતાં તો પછી એને નકટાને સોનબાઈ તો શું, કોઈ ડાકણ પણ પસંદ નહિ કરે. ઘુવડે ભારે ચિત્કાર કર્યો, એણે કોઈ સર્પનો શિકાર કર્યો જણાતો હતો. ‘કંઈ ફિકર નહિ, વિધાતાનો એ ફેર આજે હું મિટાવી દઈશ ! વાંસ રહેશે નહિ, વાંસળી બજશે નહિ.' ને નાના ભાઈએ કમર પરથી છરી કાઢી. ડાબા હાથમાં જખમની વેદના ચાલુ જ હતી. એ વેદનાએ એને વધુ ઉગ્ર બનાવી મૂક્યો. એના અંતરમાં કોઈ પડઘા પાડીને કહી રહ્યું : ‘વાહ રે મર્દ ! સર્વ અનર્થના મૂળને જ તેં પકડ્યું, મોટા ભાઈને જ મિટાવી દે ! એને મારીને આ રેતના પેટાળમાં ગારદ કરી દે, ને ચડી જા સિંહાસને ! દુનિયામાં કોઈ સાધુ જન્મ્યું નથી ! આમ જ ચાલે !' * રાજવંશી રજપૂતોમાં વરને બદલે ખાંડું-ખગ જાન લઈ પરણવા જાય છે. કન્યા ખાંડા સાથે ફેરા ફરીને સાસરે ડોલીમાં આવે છે. એ 'ડોલો' કહેવાય છે. ખાંડાની તલવાર બેધારી હોય છે. રામ-લખમણની જોડ – 19
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy