________________
વીજળીની જેમ આગંતુક ચોર પર પડ્યો; જેવો એક પડ્યો તેવો જ બીજો પડ્યો, ધમ્મ !
સામાન્ય માણસ હોત તો, પ્રહાર એટલો પ્રબળ હતો કે ભોંય ભેગો થઈ જાત. પણ આ તો મારવાડની સૂકી ભૂમિનો અગવડો વેઠીને ખડતલ બનેલો માણસ હતો. એ પણ દરેક જોખમ માટે તૈયાર હતો. એણે કુનેહથી હાથમાં રહેલી કટારી જયસિંહના ડાબા હાથમાં પરોવી દીધી, ને હાથમાં હતું એ લઈને બારી તરફ ધસ્યો.
અત્યાર સુધી મૂંગું નાટક ભજવાતું હતું. બંને એક પ્રકારના ભય હેઠળ મૂંગા હતા. જયસિંહને હતું કે રખેને બૂમ મારું ને આ ચોરના આગળ-પાછળ ઊભેલા સાથીદારો એની મદદે આવી પહોંચે. ચોરને એમ હતું કે કંઈક અવાજ થાય તો પડખે ઘેનમાં પડેલો મોટો ભાઈ જાગી જાય, પણ હવે તો જયસિંહે સ્ફુટ સ્વરે ચીસ પાડી ને નાસતા ચોરને પકડવા ઝાવું નાખ્યું. બારી વાટે નીચે કૂદતા ચોરને અજબ કુનેહથી બરાબર કમરથી પકડી અધર તોળી લીધો.
મૃગ મારવા ગયેલા રામની ચીસથી જેમ લક્ષ્મણ મદદે ધાયો, એમ અહીં નાના ભાઈની ચીસથી મોટા ભાઈ . આખરે જાગી ગયા. ઘેન તો ભરપૂર હતું, છતાં ચીસ કાળજું કંપાવનારી હતી. એ નાના ભાઈની મદદે ધાયા. બંને ભાઈ પાડા જેવા ચોરને પકડીને ખંડની વચ્ચોવચ્ચ લાવ્યા, ને બીજું કંઈ તાત્કાલિક હાથ ન લાગ્યું તો માથાની પાઘડીથી અને થાંભલા સાથે મુશ્કેટાટ બાંધ્યો, થોડી પૂજા પણ કરી !
આગંતુકનો ચહેરો સાવ બદલાઈ ગયો. અજગરનું જાણે અળશિયામાં રૂપાંતર થયું. અત્યાર સુધી જે વાઘના ખુન્નસથી વર્તતો હતો, એ તમે મારો તો મરવું છે, જિવાડો તો જીવવું છે, એવી નમ્રતાથી ઊભો હતો. કસાઈની આગળ ઘેટાની જેમ એણે ગરદન નમાવી દીધી.
જયસિંહે રણના ચોરને બાંધીને પ્રથમ પોતાના ઘાની સંભાળ લીધી. બીજું કંઈ ન મળતાં ભીના પાણીનો પાટો પોતાના ઘા પર બાંધ્યો. વિજયસિંહ પોતાની મીઠી નિદ્રાનો ભંગ થયો એ માટે ચિડાઈ રહ્યો હતો.
બંને જણા ગુનેગારને કેવી શિક્ષા કરવી, એનો વિચાર કરતા હતા, ત્યાં ચાખડીને તાલબદ્ધ ખખડાવતા પૂજારી આવી પહોંચ્યા. એમના હાથમાં ઝાંખો દીવો હતો. એમણે આવતાંની સાથે જ દુર્વાસાના જેવો ક્રોધ કરીને, પગમાંથી ચાખડી કાઢી ચોર પર છુટ્ટો પ્રહાર કર્યો, ને પાસે જઈ કાન આંબળીને કહ્યું :
‘હરમજાદા ! અહીં મંદિરમાં પણ ચોરી ? દેવની પણ તને બીક નથી ? ભગવાન શંકરના ત્રિશૂળનો પણ તને ભો નથી ?'
ને આ સાથે બીજી બેચાર ચાખડીના ઘા કર્યા. જોરથી એક મુક્કો એના મોં પર માર્યો. મુક્કાની સાથે ચોરના મોંમાંથી લોહી તૂટી પડ્યું.
14 D બૂરો દેવળ
‘હાં, હાં, પૂજારીજી ! હવે વધુ ન મારશો. સવારે એને બાંધીને સાથે લઈ જઈશું. બેટો વગર ભાડાની કોટડીમાં મીઠાની રાબ પીને સડી સડીને મરશે.’
‘કુંવરજી ! પ્રવાસમાં આ બલાને ક્યાં વેંઢારશો ? એને તો અહીં પૂરો કરી, રેતમાં દાટી દેવો. ન દેખવું ન દાઝવું !' પૂજારી ક્ષત્રિયની ભાષામાં બોલતા હતા, “સાહેબ ! શાસ્ત્રમાં કહ્યું છે કે ચોર, બાળક, રાજા ને બ્રાહ્મણ પરપીડાને પિછાણતા નથી. એ તો ગમે તે રીતે પારકું લેવા માગે છે. અલ્યા જંગલી ! સોના-રૂપાનો મોહ હતો તો લઈ જવાં હતાં, અહીં ક્યાં તૂટો હતો, પણ આ ઘા ?' ને પૂજારીએ વળી
ચાખડીનો ઘા કરવા હાથ ઉપાડ્યો.
‘રહેવા દો, પુજારી ! ઘણું થયું અને જયસિઁહ ! તું પણ હજી નાદાન છે,’ વિજયસિંહે ઘેનના ભારથી મીંચાતી આંખોને સ્થિર રાખીને કહ્યું, ‘એને સોનું જોઈતું હતું—તો બાળવું હતું, નાહકનું તને વાગી ગયું !'
જયસિંહને આ શબ્દો ઘા પર મીઠું ભભરાવવા જેવા લાગ્યા. એ શબ્દોમાં ઠપકો હતો, હમદર્દી નહોતી.
‘થોભો મારા સાહેબ ! આ બદમાશને લઈ જઈને મંદિરના ખંડમાં પૂરી આવું. જુઓ ને, લોહી ઓકી ઓકીને આખો ખંડ બગાડી રહ્યો છે.’ આમ બોલતાં પૂજારીએ એને બંધનમુક્ત કરી ધક્કો મારી દરવાજા બહાર ફેંક્યો.
‘આ આવ્યો, કુંવર સાહેબ ! એક વાર બેટાને ઠેકાણે કરી આવું !' ને પૂજારીએ વળી ચાખડીને ઘા કર્યો, ને ઘાંટાઘાંટ કરતા, ચોરને ગળે પકડી લઈ ગયા.
જતાં જતાં એ ધીરેથી ચોરને કહેતા હતા : ‘સાલા અનાડી ! મેં નહોતું કહ્યું
કે કામથી કામ રાખજે ! કોઈ દહાડો તમારા જેવા મંદિરની આબરૂ પાડી નાખશે.’ આટલું કહ્યા પછી વળી જોરથી ગર્જ્ય, ‘કાલ સવારે તારું મોત ભાળીશ, સાલા ચોર !'
વિજયસિંહને આ વાતાવરણ અકળાવતું હતું, મોટા ભાઈ તરીકેની જવાબદારી અદા કરવા એ બોલ્યા :
‘જયસિંહ ! પાટો બરાબર બાંધ્યો ને ! કળતર તો ઊપડ્યું નથી ને ! હવે શાન્તિથી સૂવા દેજે ! લાખ ટકાની ઊંઘ બગાડી. વગડાની વાટમાં જરા અક્કલ વાપરીએ !' વિજયસિંહ આમ બોલતા પલંગમાં આડા પડ્યા, ને થોડી વારમાં પોઢી ગયા.
ખિજાયેલા વાઘ જેવો જયસિંહ બેસી રહ્યો. ઘાની વેદના કરતાં એના મનને મોટા ભાઈએ કહેલાં વેણની વેદના વધુ વ્યાકુળ કરી રહી હતી.
બૂરો દેવળ D 15