________________
ભોમિયો લહેરી લાગ્યો, એણે વળી એક દુહો લલકાર્યો : ‘સોરઠિયો દોહો ભલો, ભલી મરવણરી વાત; ‘જોબન છાઈ ધણ ભલી, ભલી તારા છાઈ રાત ૧ બંને ભાઈ બોલી ઊઠ્યા : “વાહ, મારૂ વાહ !'
આમ વાતો કરતા ને વાહ વાહ ઉચ્ચારતા બંને ભાઈ બૂરો દેવળ પાસે પહોંચ્યા, ત્યારે રાતનો પહેલો પ્રહર પૂરો થતો હતો. પૂજારી આરતી, દેવશયન વગેરેથી નિવૃત્ત થઈ, પોતાની ઓરડીમાં બેઠો બેઠો તુલસીકૃત રામાયણ વાંચતો હતો. આજ નો પ્રસંગ સુંદર લાધ્યો હશે, તેથી જ વાંચતા વાંચતા તે ડોલતો હતો. પ્રસંગ હતો મારીચનો. રાવણ એને કનકમૃગ બનીને રામ પાસે જવાનું સમજાવતો હતો. મારીચ બિચારો ડરથી ધ્રુજતો હતો. રાવણ સમજાવતો હતો : ‘મૂરખા ! રાજ કરણમાં મારીચની જ જરૂર ! મારીચ વગર અમારાથી કાંઈ ન થાય !'
ભોમિયાએ અસવારને ધર્મશાળાની આગળ ઊભા રાખ્યા, ને પોતે દોડતો પૂજારી પાસે આવ્યો. પૂજારીજીને વાચનમાં મગ્ન થઈ ડોલતા જોઈ બે ઘડી એ ઊભો રહ્યો, પણ પછી ધીરજ ન રહેવાથી બોલ્યો : “નમઃ શિવાય.'
‘નમઃ શિવાય. બચ્ચા !' પૂજારીએ જાણે પરાણે નેત્ર ઉઘાડ્યાં ને પેલા તરફ જોઈ બોલ્યો, “બચ્ચા ! સોનાના મૃગનો પ્રસંગ અદ્ભુત છે.”
બાપજી, મારું તો તમે જાણો જ છો. આલા બંચે ન આપસુ-સુખા બંચે ન બાપસુ ?૨ કાગળના મૃગને શું કરવા છે ? પૂજારીજી, સાવ સોનાના-એક નહિ પણ બે મૃગલા ઝાલી લાવ્યો છું. હાલો બહાર ઊભા છે. અડધો અડધ હોં કે.’
‘લોભે લક્ષણ જાય, અલ્યા ! એમાં દેવળની આબરૂ નહીં.” ‘પણ ક્યાં રોજ રોજ છે, બારે મહિને બે દી !'
‘હું તો કહેવાનો અધિકારી, પછી તું તારું જાણ, શાન્તમ્ પાપમું,’ કરતા પૂજારી રામાયણ બંધ કરી ઊભા થયા, ચાખડીએ ચડ્યો, ને ચાખડીઓનો તાલબદ્ધ અવાજ કરતા ચાલ્યા. એ અવાજમાં પણ અસર છે, તેમ તેઓ માનતા. અંધારામાં ઊભેલા આગંતુક મહેમાનોને દૂરથી સ્વસ્તિવાચનથી નવાજ્યા ને બોલ્યા :
‘આવો, ભગવાન બમ્ ભોલાનાં દર્શન કરો, મહાશયો !' ને બંધ કરેલા દેવળનાં દ્વાર ખોલી દર્શન કરાવ્યાં, ને પછી વાતો કરતા કરતા ધર્મશાળા તરફ ચાલ્યા. બેચાર બાવા-લંગોટા સિવાય અહીં વસતી દેખાતી નહોતી. ધર્મશાળાના પ્રાંત ભાગમાં આવેલા એક થોડી વધુ સગવડવાળા ખંડમાં બંનેને ઉતારો આપ્યો.
પાણીનો ભરેલો એક ઘડો ત્યાં હતો જ.
‘લો, જળ લેશો કે ?” ‘રજપૂતો અજાણ્યું જળ લેતા નથી, પૂજારીજી !'
ધન્ય ધન્ય !” પૂજારીજીએ ધન્યવાદ આપ્યા. કઈ વાતને એ ધન્યવાદ આપે છે, તે ન સમજાયું. પણ તેમણે આગળ હાંક્યું, પહેલાં હું પીઉં ! બ્રાહ્મણ છું. અવિશ્વાસ ન રાખશો, તમારું રાજપાટ તો અમારે બ્રાહ્મણને શિવનિર્માલ્ય છે. છતાં તમારી વાત પણ ખરી છે. હમણાં જ ધર્માધર્મ વિશે વાંચતો હતો. શું લખનારા લખી ગયા છે ! કોઈના બાપની શરમ રાખી નથી. સત્યયુગની વાત તો ઠીક, પણ કુંવરસાહેબ ! ત્રેતામાંથી જ હિંસા, અસત્ય, અસંતોષ ને વિગ્રહ – એમ ચાર લક્ષણવાળા અધર્મે એક પગ પૃથ્વી પર મૂક્યો : અને દ્વાપરમાં તો એણે બે પગે મૂક્યા, ને આજે કલિમાં તો પૂછવું જ શું ? ચારે તરફ અધર્મ જ દોડાદોડ કરે છે. તમે શંકા કરો તે વાજબી છે મારા મહેરબાન !' પૂજારીજીએ જવાબ આપ્યો, સાથે સાથે પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન પણ કર્યું.
મહેમાનો થાકેલા હતા, કંટાળેલા હતા. તેઓએ ખંડની પાછળના વિશાળ મેદાન પર પડતી બારી ખુલ્લી મૂકી લંબાવ્યું. એ બારી વાટે વગડાનો વાયુ ખંડમાં પ્રવેશતો હતો, ને ચાંદરણાંનો આછો પ્રકાશ અંદર ડોકિયાં કરતો હતો. વિજયસિંહે પોતાનો ખડિયો ફંફોળવા માંડ્યો. થોડી વારે એમાંથી દાબલી જેવું કંઈ કાઢ્યું.
પૂજારીજીએ એ જોયું. એક પવિત્ર બ્રાહ્મણ તરીકે ત્યાં ઊભા રહેવામાં પોતાનું માહાભ્ય ન સમજી એણે કહ્યું : ‘લો, કુંવર સાહેબો ! ભગવાન શંભુ તમને સુખનિદ્રા' આપે, સવારે મળીશું. નિશ્ચિત થઈને સુજો ! કંઈ ભો જેવું નથી. મારા ભોળાનાથની ચોકી છે.'
પૂજારીના શબ્દો તરફ લક્ષ ન આપતાં વિજયસિંહે દાબલીમાંથી ગોળી જેવું કાઢી મોંમાં મૂક્યું. પછી નાનો ડબરો કાઢી સુખડીનું બટકું લીધું.
‘જયસિંહ લઈશ કે ?”
ના, મને તો નાનપણથી જ સૂગ છે અફીણ તરફ !'
‘સુગ !' વિજયસિંહે મોં કટાણું કરી કહ્યું, ‘અલ્યા રાજવંશીની એ ચીજ છે. રાજવંશીને માથે દુનિયાની ચિંતા, ને ચિંતામાત્ર આ ચીજથી દૂર હટી જાય ! અરે પૂજારીજી ! ઓ દેવતા !' વિજયસિંહે જતા પૂજારીને પાછા બોલાવવા હાક મારી.
પૂજારી પાછો વળ્યો. વિજયસિંહે ઊઠી સામે પગલે જઈને કંઈક પૂછવું પૂજારીએ મોં બગાડીને કંઈક જવાબ આપ્યો. વિજયસિંહે પથારીમાં પડતું મૂકતાં કહ્યું : “પ્રવાસમાં સ્ત્રી જેવી અન્ય કોઈ શ્રમહર ચીજ નથી !'
૧. ભલો તો સોરઠિયો દુકો છે, ભલી તો ઢોલા મરવણની વાત છે. ભલી તો યૌવનભરી પત્ની છે, ને ભલી તો તારલિયાળી રાત છે.
10 બૂરો દેવળ
બૂરો દેવળ I