________________
બૂરો દેવળ
મેવાડ, મારવાડ અને અંબર રાજ્યની સીમાઓ જ્યાં આવી મળે છે, એ ત્રિભેટા પર, સૂકી નદીને કિનારે, એક દેવળ આવેલું છે. લોકો એને ‘બૂરો દેવળ'ને નામે ઓળખે છે.
આજ તો એ જીર્ણશીર્ણ ને વિદી દશામાં હતું, ભગવાન નીલ કંઠના બાણ સિવાય અને એની પૂજા કરનાર બ્રાહ્મણ સિવાય, ને પર્વ નિમિત્તે આવનારા યાત્રીઓ સિવાય ત્યાં કોઈ વસતી નહોતી. હા, એની લગોલગ આવેલી ધર્મશાળામાં અવારનવાર પ્રવાસીઓ, વેપારીઓ, રાજ કર્મચારીઓ, બાવાભભૂતો આવતા, બેએક દિવસ રહેતા ને ચાલ્યા જતા.
આવે ટાણે મરવાના વાંકે જીવી રહેલાં પડખેના ગામડાનાં માણસો દાન, દક્ષિણા કે અન્નપાનની લાલચે અહીં દોડ્યાં આવતાં, પ્રવાસીની ખોટી ખુશામત કરતાં, પ્રવાસીની સેવા સરભરા કરતાં. કોઈ વાર યાત્રાળુઓ તરફથી જમણ થતાં, ભોગનૈવેદ્ય ચઢતાં, એ વખતે કંગાલ લોકોને સ્વાદિષ્ટ એંઠનાં જમણ મળતાં. આ એંઠ ખાવા દૂરદૂરથી પોતાનાં સગાવહાલાંને તેઓ તેડાવતાં.
કોઈ વાર કોઈ અસૂર્યો રાજવંશી અતિથિ આવી ચઢતો, ત્યારે પણ તેઓને ઠીક ધનની પ્રાપ્તિ થતી.
છતાંય આ દેવળ નિર્જન હતું. એ નિર્જન હશે તેથી કોઈ સ્વચ્છંદી લોકો અહીં ટાણે કટાણે આવતા હશે, ને પોતાની અનિચ્છનીય પ્રવૃત્તિઓ ચલાવતા હશે, એથી પણ કદાચ આ દેવળ બૂરો દેવળ કહેવાતું હશે.
સાચી વાતનો કોઈને ખ્યાલ નહોતો. કેટલાક ભાટ-ચારણો જેઓની આજીવિકા ચમત્કારી કથા-વાર્તાઓ પર રહેતી, તેઓ આ દેવળ વિશે કંઈ કંઈ કથાઓ જોડી
કાઢતા, જો કે સાંભળનાર એના સત્યાંશ વિશે ભારોભાર અશ્રદ્ધા ધરાવતો, છતાં ઘણી શ્રદ્ધાથી ભેટ સોગાદ આપતો. ઘણા માનતા, ઘણા ન માનતા; પણ કથાકારની આજીવિકા ચાલતી.
આ દેવળ ક્યારે બંધાયું, કોણે બાંધ્યું, એ વિશે કોઈ માહિતી નહોતી. આવ્યું'તું પણ એને ઠેકાણે કે વર્ષો સુધી એ ઉપેક્ષણીય રહ્યું.
એક દહાડો ભગવાન પિનાકપાણિના આ મંદિરના જીર્ણોદ્ધારની આજ્ઞા મેવાડના રાતવાસો રહેલા કોઈ સેનાપતિએ આપેલી, પણ રાજપાટ તો વાદળ જેવાં. વરસ્યાં એ સાચાં; વરસવાની આશા ખોટી ! દેવળના સમારકામનું થોડું ઘણું કામ એ વખતે થઈ ગયું એ થઈ ગયું !
દેવળનો થોડો ઘણો જીર્ણોદ્ધાર થયો, ને કામ ત્યાં અટકી ગયું. તાકડે એક વેદપાઠી પૂજારી, પોતાનાં બાળબચ્ચાં કાલગ્રસ્ત થવાથી છેલ્લી જિંદગી સુધારવા અહીં આવી રહ્યો. કોઈ કસદાર યજમાન ભેટી જતાં એ હોમહવન, રુદ્રી, પૂજાપાઠ કરાવતો. ગામેગામ નિમંત્રણ પાઠવતો, એ વેળા આ ત્રિભેટો માનવમેદનીથી છલકાઈ જતો. આ પછી તો બેચાર સાધુસંન્યાસીઓ, બેચાર એમના ચેલાચાપટો અહીં પડ્યા પાથર્યા રહેવા લાગ્યા. દેવ-સેવા માટે આ દેવળના પાછળના ભાગમાં એક નાનો બાગ પણ થયો.
કાળચક્ર વેગીલું છે. વળી, ઊઠતી ને બેસતી બાદશાહીનો વખત આવ્યો. આ ત્રિભેટા પર એકાદ દશકો બહારવટિયાનો ઉપદ્રવ રહ્યો. બહારવટિયા પોતાને ગૌબ્રાહ્મણ-પ્રતિપાળ કહેવરાવતા. પૂજારી, તપોધનો ને માગણોને તેઓ ઠીક ઠીક દાન કરતા. આ વખતે આ વર્ગ આજુબાજુ આવીને વસ્યો.
આ પછી દિલ્હી, પૂના ને જોધપુર-ઉદેપુર વચ્ચે સંધિ-વિગ્રહોના બનાવ બન્યા. ત્રિભેટાનું આ મંદિર અવારનવાર ભૂલા પડેલા કે મોડા થયેલા રાજકીય પુરુષોના રાતવાસાનું કે વિશ્રામનું સ્થળ બન્યું.
કોઈ પણ દેવળ મંત્ર-તંત્ર કે ચમત્કાર વિના ન જામે, એ વાત પૂજારી બરાબર જાણતો હતો. એ વાતાવરણ પણ ધીમે ધીમે અહીં જામતું જતું હતું. ને આપણા બે અસૂર્યા અસવારો - જયસિંહ ને વિજયસિંહ મારતે ઘોડે જ્યારે આ તરફ આવતા હતા, ત્યારે પેલા એમના ભોમિયાએ આવી ઘણી ઘણી વાતો કરી. કોઈને બળબળતા વાંસાવાળી ચુડેલ મળ્યાની. કોઈ ભૂલા પડેલા મુસાફરને લીલુડી ઘોડી ને કાળાં કપડાંવાળો ભાલાળો અસવાર મળ્યાની, તરસ્યાને જળાશય બતાવ્યાની !
સાથે સાથે એક વાત જરા માર્મિક પણ કહી, કોઈ વાર સોળ શણગાર સજેલાં સુંદરી-માતા પણ અવારનવાર દેખા દે છે ! શું રૂપ શું તેજ ! આપણી તો આંખો જ મીંચાઈ જાય, ને મીંચાયેલી આંખો ઉઘાડીએ એટલી વારમાં અદૃશ્ય થઈ જાય.
બૂરો દેવળ 9.