________________
કેવળી પ્રભુનો સાથ
સાતમી કડીમાં ચારે કષાયને કેવો પુરુષાર્થ કરી નાથવા છે તે શ્રી રાજપ્રભુએ વર્ણવ્યું છે. ક્રોધ ઉપર ક્રોધ કરીને, માન સામે પ્રભુપ્રતિનું દીનપણું વેદીને, માયા સાથે સાક્ષીભાવની (જ્ઞાતાદ્રષ્ટા રૂપ) માયા કરીને અને લોભને તેનો જ લોભ કરી ટાળવા વિચાર્યું છે. આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો સમજાય છે કે કષાયના સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપનો પણ ક્ષય કરવા આ ઉપાય સક્ષમ છે.
આ ચારે કષાયને કઈ હદ સુધી ક્ષીણ કરી શ્રેણિએ ચડવું છે તે તેમણે આઠમી કડીમાં વર્ણવ્યું છે. દેહાત્મા છૂટા થઈ જાય એવા ભયંકર ઉપસર્ગ કરનાર પ્રતિ પણ ક્રોધ ન આવે, બલ્ક તેના પ્રતિ પણ કલ્યાણભાવ વરસે; સંસારના સર્વોત્તમ ઋદ્ધિધારી ચક્રવર્તિ જેવા સમર્થ મનુષ્ય પૂજ્યભાવથી વંદન કરવા આવે તો પણ અંશમાત્ર માનભાવ ન થાય, નિસ્પૃહતા જ અનુભવાય; જગતમાં જેના પ્રતિ સર્વોત્કૃષ્ટ આસક્તિ છે એવા દેહના ત્યાગના પ્રસંગે પણ અંશ માત્ર માયા રોમમાં થાય નહિ, દેહ પ્રતિ પણ ઉત્તમ અનાસક્તિ વર્ત, અને મોટામાં મોટી અષ્ટમહાસિદ્ધિ આત્માની શુદ્ધિ થતાં પ્રગટ થાય તો પણ તે સિદ્ધિઓનો અંશ માત્ર લોભ ન રહે, એટલી માત્રા સુધી કષાયોને ઉપશાંત કરવાની ભાવના વ્યક્ત કરી છે. આ બતાવે છે કે બળવાનમાં બળવાન અશાતા કે શાતાના ઉદયની વચ્ચે પણ ‘આત્મશુદ્ધિનું લક્ષ તેમને મંદ થવા દેવું નથી.
આ વર્તન કરવામાં મહાસંવરના માર્ગમાં કલ્યાણભાવ તથા આજ્ઞા સહિતનો કલ્યાણભાવ અનુભવવો કેવો સહજ થઈ જાય છે તે આ બે કડીની વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. ઉપસર્ગ કરનાર પ્રતિ દ્વેષ ન થાય, ચક્રવર્તિ વાંદે છતાં માન ના થાય, દેહના ત્યાગમાં માયા ન થાય અને મહાન સિદ્ધિઓ પ્રગટવા છતાં લોભ ન થાય એવી સ્થિતિ ક્યારે સંભવી શકે? આત્મા જ્યારે આજ્ઞાધીનપણે સ્વરૂપમયતા અનુભવે ત્યારે જ આવા પ્રબળ નિમિત્તોને ગૌણ કરી કષાયને જીતી શકે. આ સૂચવે છે કે સ્વરૂપસિદ્ધિ કરવાનું અનુપમ લક્ષ જ્યારે નિકાચીત થાય ત્યારે જ આવો પુરુષાર્થ કરવો શક્ય છે. જગતના સર્વ પદાર્થો પ્રતિ અનાસક્ત રહી વીતરાગી બની સ્વરૂપસ્થિતિના એક માત્ર ધ્યેયથી જીવ પ્રવર્તે ત્યારે જ આવા અપૂર્વ અવસરની પ્રાપ્તિ થઈ શકે છે.
O