________________
કેવળી પ્રભુનો સાથ
મોહનીય કર્મના પ્રભાવથી જીવ અનંતકાળથી સંસારમાં રખડતો આવ્યો છે, તે કર્મનાં કારણે જ અન્ય કર્મો બંધાય છે તેથી તે “મોહરાજા” કહેવાય છે. આ કર્મના મુખ્ય બે ભાગ છે: દર્શનમોહ અને ચારિત્રમોહ. જીવને પોતાનાં સ્વરૂપનું ભાન જ થવા ન દે તે દર્શનમોહ અને સ્વરૂપનું ભાન થયા છતાં સ્વરૂપમાં ટકવા જ ન દે તે ચારિત્રમોહ. આ બંને પ્રકારનાં મોહનો ક્ષય થયા પછી જ આત્મા પૂર્ણ શુધ્ધ થઈ શકે છે. તેથી તો મોહનીયના ક્ષયોપશમની માત્રાને આધારે શ્રી પ્રભુએ ચૌદ ગુણસ્થાન વર્ણવ્યા છે. જ્યારે દર્શનમોહને દબાવીને સ્વાનુભૂતિ જીવ કરે છે ત્યારે તે ચોથા ગુણસ્થાને આવે છે, અને એ જ ગુણસ્થાને જીવ દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય પણ કરી શકે છે. અને વિકાસ કરતાં કરતાં ચૌદમા ગુણસ્થાને મન, વચન, કાયાના યોગને ત્યાગી પૂર્ણતાએ પરપદાર્થના સંસર્ગથી આત્મા રહિત બને છે. આ ચોથાથી ચૌદમાં ગુણસ્થાન સુધી વિકાસ કરવા માટેના ઉત્તમોત્તમ પુરુષાર્થને શ્રી રાજપ્રભુએ આ કાવ્યમાં ગાયો છે. જે એમનો પોતાનો અભિલાષ હોવા છતાં કોઈ પણ આત્માથી જીવને ઉપયોગી અને ઉપકારી થઈ શકે એમ છે.
પોતાનો દર્શનમોહ (મિથ્યાત્વ) વ્યતીત થવાથી – નાશ પામવાથી કેવો આત્મબોધ મળ્યો છે તેનું વર્ણન આ ત્રીજી કડીમાં કર્યું છે. દર્શનમોહ નાશ પામવાથી આત્મા દેહથી સર્વથા ભિન્ન છે – ન્યારો છે, તે ચૈતન્યરૂપ છે એવી અનુભવ સહિતની સમજણ આવી છે અને આત્મા દેહથી ભિન્ન છે તેની પ્રતીતિ સતત રહે છે. આ પ્રતીતિના આધારે સ્પષ્ટ જણાયું છે કે દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ (કષાય તથા નોકષાયનો ઉપદ્રવ) જલદીથી તોડી શકાય છે. આ જાણકારીનું તેમણે એવું ફળ ઇચ્છયું છે કે ચારિત્રમોહનો ત્વરાથી નાશ કરી, વહેલામાં વહેલી તકે શુધ્ધ સ્વરૂપને મેળવવાની તાલાવેલીમાં ડૂબી જવું.
જીવનો દર્શનમોહ દબાય ત્યારથી તેને પ્રત્યક્ષ સગુરુનું આજ્ઞાકવચ મળે છે. આ કવચના પ્રભાવથી દબાયેલું મિથ્યાત્વ ઉદયમાં આવી શકતું નથી, અને તે જીવના સગુરુ પ્રતિના અહોભાવ તથા પૂજ્યભાવ વધારવામાં મદદરૂપ થાય છે. જેમ જેમ જીવનું આરાધન વધતું જાય છે તેમ તેમ તેનું મિથ્યાત્વ ક્ષીણ થતું જાય છે – નાનું