________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
તેમને સ્વીકાર્ય નથી. સાથે સાથે કોઈ પણ શુભાશુભ સ્થિતિમાં દેહ માટે કિંચિત માત્ર પણ રાગ ન રહે એ સ્થિતિ ભાવી છે. જેણે ત્વરાથી પૂર્ણતાએ આત્મશુદ્ધિ મેળવવી છે તેણે સંવેગને (મોક્ષ મેળવવાની ભાવનાને) કેટલો ઉત્કૃષ્ટ કરવો જોઇએ તે અહીં સમજાવ્યું છે. આ ઉપરાંત મહતુ પુરુષના માર્ગે જવું હોય તો તેમનું શરણ રહવું જોઈએ એ સહેલાઈથી સમજાય તેવી બાબત છે. તેમ કરવાથી તેમના તરફથી રક્ષાના કવચની રચના કેવી રીતે થાય છે, અને જીવ મહત્ પુરુષ પ્રતિ આજ્ઞાધીનપણું વધારતાં વધારતાં ઉત્તરોત્તર કેવા રક્ષાકવચને મેળવતો જાય છે તેની જાણકારી, તથા તે આજ્ઞા કવચથી આત્મવિકાસ કેવો થાય છે, તથા જીવની દેહ પ્રતિની આસક્તિ તોડવામાં તે કેવી રીતે મદદરૂપ થાય છે તેની જાણકારી આપણને ત્રીજી કડીથી મળતી જાય છે. જેના પરથી સકામપણે આજ્ઞામાં ઘૂસવાનું કાર્ય જીવ કરી શકે છે.
આ પ્રકારે પોતાની પૂર્ણ શુધ્ધ થવાની કામના પૂરી કરવા માટે પોતાને દેહની મૂછ ત્યાગવાનો કેટલો બળવાન પ્રયત્ન આદરવો છે તેનું સુંદર ચિત્ર જોવા મળે છે. સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી, જીવના પુરુષાર્થથી અને સદ્ગુરુના રક્ષણની સહાયથી તેનાં મિથ્યાત્વનો નાશ શરૂ થાય છે. તે જ માર્ગ ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી આગળ વધી સદ્ગુરુની પરમ કૃપા થકી જીવ ક્ષાયિક સમકિત પણ મેળવે છે. પોતાની અંગત સ્થિતિને રજૂ કરતાં આ કાવ્યમાં રાજપ્રભુએ પોતાને મળેલા ક્ષાયિક સમકિતની જાણકારી આપી, દર્શનમોહ વ્યતીત કર્યા પછી ચારિત્રમોહનો નાશ કરવા ક્યા ઉપાય વિચાર્યા છે તેની ક્રમબધ્ધ વિચારણા મૂકેલ છે; તેનું વર્ણન ત્રીજી કડીથી શરૂ થાય છે. આ કાવ્યની વિશેષતા એ છે કે તે અંગત ભાવના રજૂ કરતું હોવા છતાં તે માર્ગની તથા સિધ્ધાંતોની રસભરી વાતોથી ભરપૂર છે, અને કોઈ પણ આત્માર્થી જીવને વિકાસ કરવા માટે અત્યંત ઉપયોગી થઈ શકે તેવું છે.
દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુધ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ... ૩