________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
ભાવવાનો તેમને સંભવ હોતો નથી. તેમ છતાં આ ભાવનાને ઉત્કૃષ્ટતાએ લઈ ગયા વિના તેઓ કેવળજ્ઞાન લેતા નથી કે સિધ્ધ થતા નથી. એ પરથી સાબિત થાય છે કે તેઓ ત્રણે શ્રી તીર્થંકર પ્રભુ તથા ગણધર પ્રભુના નામકર્મ બંધનથી શરૂ કરી સિધ્ધ થતા સુધીની અવસ્થામાં તેમની પ્રેરણાથી આ ભાવના શરૂ કરી ઉત્તમતા સુધી પહોંચાડે છે.
શ્રી તીર્થંકર પ્રભુ જો ધર્મપ્રાપ્તિનું દાન, શાંતિનું દાન અને સિદ્ધિનું દાન ગણધર પ્રભુ સહિત અન્ય જીવોને આપતા ન હોત તો અન્ય જીવો તેમની પાસેથી પ્રેરણા લઈ પાત્ર થઈ શકત નહિ તે નિર્વિવાદ છે. આ દાન મેળવી, પાત્ર થઈ સર્વ પંચપરમેષ્ટિ જીવો લોકકલ્યાણની ભાવના કરી, પોતાના વર્તમાન તથા ભાવિને મંગલમય કરે છે. મંગલ કઈ રીતે? જીવ જ્યારે લોક કલ્યાણની ભાવના કરે છે ત્યારે તે પોતાના શાતા તથા શાંતિની પ્રાપ્તિને લગતા અંતરાયનો ક્ષય કરે છે, અને તેથી તેમનું જીવન મંગલમય થતું જાય છે.
સર્વ છદ્મસ્થ પરમેષ્ટિ માત્ર વર્તમાનના મંગલપણાના હેતુથી લોકકલ્યાણની ભાવના કરે છે. પરંતુ એ મંગલપણામાં શ્રી તીર્થંકર પ્રભુ એમનામાં સનાતનપણાની ભાવનાનું ગુપ્તતાએ રોપણ કરે છે. શ્રી તીર્થંકર પ્રભુની લોકકલ્યાણની ભાવના સ્વયંભૂ હોવાથી તે મંગલપણાના સ્વાર્થી આશયવાળી હોતી નથી, તેથી તેમનો આત્મા એ ભાવનાથી સહેજે સુખ, શાંતિ અને શાતા અનુભવે છે. આ સર્વ જોઈ શ્રી ગણધરાદિ છદ્મસ્થ પરમેષ્ટિ લોકકલ્યાણની ભાવના પ્રભુ જેવા સુખ, શાંતિ, શાતા મેળવવા માટે કરે છે. આ રીતે શ્રી તીર્થંકર પ્રભુ ધર્મના સનાતનપણાના નિઃસ્વાર્થી સ્થાપન અર્થે ભાવના કરે છે અને શ્રી ગણધરાદિ વર્તમાન તથા ભાવિની ઉજ્જવળતા અર્થે “સહુ જીવ ધર્મ પામે” એવી ભાવના કરે છે. આ પ્રકારે શ્રી ગણધરાદિ પરમેષ્ટિ મૂળમાં મંગલપણાના હેતુથી ભાવ કરે છે, અને શ્રી તીર્થકર પ્રભુની પ્રેરણાથી સહાયક તત્ત્વરૂપે ધર્મનાં સનાતનપણાને પોતાના ભાવમાં ઉમેરે છે; ત્યારે શ્રી તીર્થંકર પ્રભુ એમના કલ્યાણભાવ મૂળ ધર્મનાં સનાતનપણાના આશયથી ભાવે છે; અને તેમાં મંગલપણાને સહાયક તત્ત્વ (By product) તરીકે ભેળવે છે.
૩૩