________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કર્યા પછી શાતા હો કે અશાતા હો, દેવલોક હો કે નરક હો, પુણ્યનો ઉદય હો કે પાપનો ઉદય હો, મારું રોમેરોમ મને પોકારી પોકારીને કહે છે કે “હે જીવ! આ તારું નથી!” જે મારું નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ માટે હર્ષ, શોક, રતિ, અરતિ, ભય, ચિંતા, શોક કે જુગુપ્સા કેમ હોય! ત્યાં તો માત્ર તટસ્થ વીતરાગતાથી નિતરતી નિસ્પૃહતાને જ સ્થાન છે. માટે કર્મનો ભોગવટો કરવા જે જીવાજીવનો સંપર્ક થાય છે એ અજ્ઞાનાવસ્થામાં બાંધેલા મારા દુષ્કૃતનું જ પરિણામ છે. તો હવે તેને વેદવાં જે મને પ્રિય છે એવા શુક્લનો આશ્રય લઈ, મારા વીર્યનો તમારી આજ્ઞામાં રહેવા અને પાળવા માટે ઉપયોગ કરવો છે. તમારી કૃપાથી મને મળેલા વીર્યને મારે તમારી આજ્ઞામાં રહેવા માટે જ વાપરવું છે. મારું કોઈ પણ સામર્થ્ય એ આજ્ઞાને ચકાસવા કે શંકાનું નિવારણ કરવા પણ વાપરું નહિ, એવું દઢત્વ મને આપો.”
આ પ્રકારે આજ્ઞાધીન રહેવાના ઉત્તમ ભાવ કરાવી, તેનાથી થતા ઘણા ઘણા લાભનો અનુભવ કરાવી, પોતે લોક સમસ્તમાં ફેલાઈ, પૂર્ણ આજ્ઞામાં રહી મહા આશ્રવ માર્ગ તથા મહાસંવર માર્ગમાં ઉત્કૃષ્ટપણે વર્તી, પરમોત્તમ વીતરાગતા સાથે, સહજપણે પરમ અહિંસાધર્મમય દયાધર્મમાં સત્યપણે, અચૌર્ય સાથે, અપરિગ્રહી થઈ, બહ્મરસમાં શ્રી પંચપરમેષ્ટિની પૂર્ણ આજ્ઞાએ પોતાના સર્વ પુરુષાર્થને અજીવ પુદ્ગલમાં જીવિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુને વારંવાર વંદન કરીએ છીએ. એ ધર્મમય જીવન વારંવાર એ અજીવ પુગલમાં જીવંત બનો, કે જેથી આ લોકના સર્વ અજીવ પદાર્થો એ ધર્મરૂપ સનાતન ધર્મના મંગલપણાના જયજયકારમાં વધતા જાય.
અહો! શ્રી ધર્મ તથા ધર્મરૂપ સનાતન પુરુષાર્થ કેવો અનન્ય છે? આ લોકમાં છમાંથી પાંચ દ્રવ્ય અજીવ છે, એક સજીવ છે. જે જીવ છે તેમાંના મોટાભાગના જીવો અધર્મમાં આરુઢ છે, ઘણા અલ્પ જીવો જ ધર્મમાં પુરુષાર્થ કરે છે. આમ છતાં આ લોકમાંથી ધર્મ ક્યારેય વિચ્છેદ પામતો નથી, ધર્મ તો સનાતન તથા મંગલ જ રહે છે. એ પાંચ દ્રવ્યો તથા અધર્મ સાધનારા જીવો એકઠા મળીને પણ ધર્મનાં અસ્તિત્વ તથા નિત્યત્વને અનિત્ય કરી શકતા નથી. આ પ્રસંગથી શ્રી પ્રભુ આપણને ધર્મનાં મહદ્ વીર્યનું, સામર્થ્યનું તથા વર્ચસ્વનું ભાન કરાવે છે.
૧