________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
શ્રી પ્રભુના આ અપૂર્વ બોધમાં કલ્યાણથી નીતરતા આજ્ઞામાર્ગ પ્રેરિત મહાઆશ્રવ તથા મહાસંવરમાર્ગનું નિરૂપણ થાય છે. શ્રી જિનપ્રભુ આના ભેદ રહસ્યને આજ્ઞામાં રહેતા જીવોના હિતને અર્થે ખૂલ્લાં કરે છે.
લોભ કષાય આ સંસારની જનની છે. લોભમાં જીવ અનાદિ કાળથી ડૂબેલો પડ્યો છે. અનંત પ્રકારે દુઃખ ભોગવવા છતાં જીવ લોભનો ત્યાગ કરી શકતો નથી. લોભરૂપ આ દુર્ગુણને શ્રી જિનપ્રભુ આજ્ઞાપથનો પાયો બનાવે છે. તેનાથી જીવ અનાદિકાળની કુટેવને સંસાર છેદનના ઘૂંટણમાં ફેરવે છે. શ્રી પ્રભુ જીવને સંજ્ઞાનું દાન આપી, વિચક્ષણ બુદ્ધિ અને ધર્મનાં સાધન દ્વારા ભાવિસુખનું પાન કરવા શ્રુત રૂપે બોધે છે. સાથે સાથે અનાદિકાળથી ચાલતી આવેલી સંસારદુ:ખની પરંપરાનું પ્રત્યક્ષપણું પણ કરાવે છે. તેમની આ વાણી ખૂબ આકર્ષક અને અસરકારક હોય છે; કારણ કે તેઓ વર્તમાનમાં ધર્મસુખનાં સ્વસંવેદનના અનુભવમાં વર્તતા હોય છે. આ વાણી સાંભળનારાઓમાં જે જીવની સંજ્ઞા સ્વકલ્યાણ સન્મુખ થઈ હોય છે, તે જીવ સંજ્ઞાની શક્તિથી લોભરૂપ કષાયને લોભગુણમાં પરિણમાવે છે. આ લોભગુણના આધારથી જીવ, સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખનાં વેદન માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની એવા સંસારનો નકાર વેદે છે.
આગળ વધતાં આ પુરુષાર્થમાં સંસારનો નકાર વધતો જાય છે, સાથે સાથે સંજ્ઞાના પ્રભાવથી તેની તીવ્રતા પણ વધે છે. વિચારતાં નવાઈ લાગે કે આવા વિરોધી ભાવની તીવતા જીવમાં એક સાથે કેવી રીતે પ્રવર્તી શકે ? એ માટે શ્રી પ્રભુ સમજાવે છે કે પોતામાં પ્રવર્તતા માયાકપટના દોષને જીવ માયાગુણમાં પલટાવે છે. કોઈ અપેક્ષાએ તે જીવ માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. આ ક્રિયા સમજાતાં સ્પષ્ટ થાય છે કે જીવ મહાઆશ્રવ તથા મહાસંવરના માર્ગને કઈ રીતે એક સાથે આદરી શકે છે. મહાઆશ્રવના માર્ગથી જીવ ગુણોની વૃદ્ધિ કરતો જાય છે, અને મહાસંવરના માર્ગથી