________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સ્વતંત્રતાનો ઉપયોગ કરી, જીવ ધારે તો ઉત્તમ નિમિત્તનાં સાનિધ્યનો રાગી બની, ઇચ્છાનાં માધ્યમથી પુરુષાર્થી બની, સનાતન પરમાર્થ માર્ગનાં પેટાળમાં રહેલાં સર્વકાલીન સાદિ અનંત સુખનાં ભેદ રહસ્ય સુધી પહોંચી શકે છે. આ ઇચ્છામાં ત્રણ ક્રિયા સમાય છે – શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમ. શ્રી પ્રભુ આ ત્રણ ભાગની આપણને સમજ આપે છે. ઇચ્છા એ નિશ્ચયનયથી લોભ છે. પરમાર્થ સિદ્ધિ માટે જીવે લોભના સાધન દ્વારા શ્રુતિ, શ્રદ્ધા તથા શ્રમને પામવાના છે. ચતુરંગીયના મનુષ્યત્વ પછીના આ ત્રણ ભાગને ઉત્તરોત્તર દુષ્કર ગણાવી, તેને ઇચ્છામાં સમાવી, શ્રી પ્રભુ એને પામવાનો ઉત્તમ માર્ગ ગુપ્ત ભેદ જણાવી ખુલ્લો કરે છે. યાચના તથા પ્રાર્થના દ્વારા લોભરૂપ ઇચ્છાના સાધનથી આ ત્રણેની પ્રાપ્તિ અતિ સુલભ તથા સુગમ બને છે. યાચના તથા પ્રાર્થનાની સહાયથી જીવ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં શુધ્ધ પરમાણુઓને આકર્ષી પોતા તરફ પ્રગતિ કરાવી શકે છે. આ શુધ્ધ પરમાણુઓને પોતા તરફ આવવા આમંત્રણ આપી જીવ પોતાનાં ઘણાં અંતરાયકર્મનો ક્ષય સહજતાએ કરતો જાય છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં આ પ્રક્રિયા ગુપ્તતાએ મૂકાયેલી આપણને જોવા મળે છે –
“હે સ્વામી! આપ હૃદય વિશે, આવો તદા પ્રાણી તણાં,
ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગતમાં.” આમ અંતરાયકર્મ તૂટતાં જીવમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનું વીર્ય વહે છે. તે વીર્ય જીવને અપૂર્વ પરમાર્થ સિદ્ધિ મેળવવા પ્રેરણા આપે છે. કોઈ પણ વ્યક્તિગત વીર્ય કરતાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ્વતંત્ર છતાં પાંચ સમવાયની સર્વ અપેક્ષાને જાળવતું એવું શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું વીર્ય ઉત્તમ છે. આ વીર્યમાં સર્વ કક્ષા, સર્વ ભાવ તથા સર્વ તીવ્રતાને સાથ આપે એવો ઉત્તમ પદાર્થ રહેલો છે. આ બધી જ અપેક્ષાઓને પૂરી કરનાર ઉત્તમ પરમાણુઓ આ લોકમાં ઠામ ઠામ પડયા છે. આવા ઉત્તમ પરમાણુરૂપ પુદ્ગલને શ્રી અરિહંત આદિ પરમેષ્ટિ રહી રહીને પોતામાં જડે છે. આવા પરમ પરમેષ્ટિ ભગવંતને વંદના, પ્રાર્થના, યાચના કરી, એમને પ્રસન્ન કરીને, જીવ જો એ વીર્યને પોતા તરફ વહેવડાવવા ધોરી માર્ગ નિર્માણ કરે છે; તો એ