________________
પૂર્ણ આશાસિદ્ધિ — પૂર્ણ કલંકરહિત અડોલ દશા
બળથી બંનેના પ્રત્યાઘાતને હણી અડોલ તથા અકંપ બનવાનું છે. આ અતિગૂઢ રહસ્ય શ્રી પ્રભુએ પાંચ મહાવ્રતમાં સમાવ્યું છે. અહિંસા (નકારાત્મક), સત્ય (હકારાત્મક), અચૌર્ય (નકારાત્મક), બ્રહ્મચર્ય (હકારાત્મક) અને અપરિગ્રહ(નકારાત્મક). આ પાંચે મહાવ્રતનો ઊંડાણથી અભ્યાસ કરતાં લક્ષ થાય છે કે આ સર્વ મહાવ્રતનું સૂક્ષ્મ ગૂઢ રહસ્ય સાથે પાલન કરવાથી, જીવ પૂર્ણઆજ્ઞાસિદ્ધિની સર્વોત્કૃષ્ટ શુદ્ધિને પામી, પૂર્ણ કલંકરહિત અડોલ દશાને મેળવી શકે છે. માટે જો આપણે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ તથા પૂર્ણ કલંકરહિત અડોલ દશાને આંબવું હોય તો પાંચ મહાવ્રતની ઊંડી સમજણ લેવી અનિવાર્ય બને છે.
આ પાંચ મહાવ્રતનો વિસ્તાર એટલો ઊંડો અને વિશાળ છે કે સામાન્ય જીવને માટે એ સમજવું અતિ દુષ્કર અને અસંભવ જેવું છે. તેથી શ્રી પ્રભુએ આ પાંચ મહાવ્રતને સરળતાથી સમજાવવા આ પાંચે વ્રતને પાંચ વિભાગમાં સમજાવ્યા છેઃ સાધુસાધ્વીએ આચરવાના પાંચ મહાવ્રત, ઉપાધ્યાયજીએ આચરવાના પાંચ મહાવ્રત, આચાર્યજીએ આચરવાના પાંચ મહાવ્રત, અરિહંતે આચરેલાં પાંચ મહાવ્રત, તથા સિદ્ધ ભગવંતે આચરેલાં પાંચ મહાવ્રત.
પાંચ મહાવ્રતમાં પહેલું વ્રત છે અહિંસા. હિંસાનો સ્થૂળ અર્થ છે પ્રાણાતિપાત અને સૂક્ષ્મ અર્થ છે અન્ય જીવની અંશે પણ દૂભવણી. તે અકાર્ય કરતાં અટકવું એટલે અહિંસા. જે જીવની જેટલી પાત્રતા હોય તે માત્રામાં તે અહિંસા જાળવી શકે છે. જેટલા પ્રમાણમાં જીવને સંસાર મોહ તથા સંસારની સુખબુદ્ધિ અલ્પ તેટલા પ્રમાણમાં તે અહિંસક રહી શકે છે.
બીજું મહાવ્રત તે સત્ય. સત્યનો સ્થૂળ અર્થ છે જેમ જે જણાય કે દેખાય તે પ્રમાણે જણાવવું. અને સૂક્ષ્મ અર્થ છે સ્વપરના આત્માને કલ્યાણરૂપ હોય તે પ્રમાણે જણાવવું કે પ્રગટ કરવું કે આચરવું. જે જીવની સંસારની આસક્તિ અને સુખેચ્છા જેટલી ઓછી હોય તેટલા પ્રમાણમાં તે સત્યવ્રત આચરી શકે છે. સત્યવ્રત માત્ર વચનથી નહિ પણ મન, વચન તથા કાયા એ ત્રણે યોગથી આચરવાનું વ્રત છે.