________________
ઉપસંહાર
ધીરજપૂર્વક તત્ત્વ સમજવાની દૃષ્ટિથી વાંચવામાં આવે તો તેમાં શાસ્ત્રમાં પ્રગટપણે ન મૂકાયેલાં છતાં અનુભવગમ્ય જણાય એવાં કેટલાય ભેદરહસ્યો ખુલ્લા મુકાયા છે તે જણાશે. અને એ સમજનારને ખ્યાલ આવી શકશે કે શ્રી પ્રભુએ અમારા પર કેવી અલૌકિક કૃપા કરી, જગતના ઋણથી મુક્ત થવાનો ઉત્તમ પ્રકારનો અવસર અમને આપ્યો છે. બીજી તરફ એ પણ લક્ષ આવશે “શ્રી કેવળ પ્રભુનો સાથ' ગ્રંથને શકવર્તી બનાવવા માટે કેટલા વર્ષોનું આરાધન પ્રભુએ મારી પાસે કરાવ્યું છે. વિવિધ પ્રકારનાં વિષયો ઉપર તૈયારી કરાવી, મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરાવવામાં અવર્ણનીય મદદ પણ કરી છે.
આ બધા ઉપરાંત શ્રી પ્રભુએ મારા તથા નેહલ ઉપર વર્ણવી ન શકાય એવી એક અદ્ભુત કૃપા વરસાવી છે. અમારામાંથી કર્તાપણાના ભાવ સાવ નિર્મૂળ થયા તે પછીથી જ આ ગ્રંથ લખવાનો શરૂ કરવાની આજ્ઞા ઈ.સ. ૨૦૦૫ના પર્યુષણમાં મને આવી હતી, અને ઈ.સ. ૨૦૦૬નાં પર્યુષણ પછી તરતમાં જ લખાણ કરવાની શરૂઆત થઈ હતી. જ્યાં સુધી કર્તાપણાના ભાવનો મારામાં અંશ પણ અસ્તિત્ત્વ ધરાવતો હતો ત્યાં સુધી ભેદજ્ઞાન મેળવવાની, ચારિત્ર સુધારવાની વિચારણા સ્પષ્ટ કરવાની આજ્ઞા મળ્યા કરતી હતી. કર્તાપણાના ભાવથી રહિત રહેવાનો જે બોધ મને ‘શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે મળ્યો હતો, અને તેને ઘણે અંશે પાળ્યો હતો, તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ આ ગ્રંથ લખતી વખતે મારે રાખવાનું હતું. થયેલા અનુભવો બાબતે લખાણ બાબત માનભાવ આવે કે કર્તાપણાના ભાવ આવે એવી જરા પણ સંભાવના હોય ત્યાં સુધી એ કાર્ય કરવાની આજ્ઞા જ ન હતી. જેમકે “અપૂર્વ આરાધન” પ્રગટ થયું ત્યારે તેનાથી મને કર્તાપણાની કે માનભાવની વૃત્તિ આવે એવી થોડીક પણ સંભાવના પ્રભુને લાગી હશે તેથી તેમાં આ પ્રકારના કોઈ ખુલાસા કે અનુભવની નોંધ મૂકવાની મને આજ્ઞા આવી ન હતી. મારું પ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું તેમની દૃષ્ટિએ યથાયોગ્ય જણાયું, ત્યારે પ્રભુની કૃપાથી કેવાં કેવાં રહસ્યોની પ્રાપ્તિ થાય છે, તેની જાણકારીથી જગતજીવોને લાભ થાય તથા સર્વ જીવ પ્રતિ વહેતા મારા કલ્યાણભાવ સફળ
૨૯૯