________________
उद्यमेन हि सिध्यंति कार्याणि न मनोरथैः
नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
ઉપસંહાર
ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે, માત્ર મનોરથો સેવવાથી નહિ. સૂતેલા સિંહના મુખમાં ભોજન માટે મૃગો હરણાં સ્વયં પ્રવેશતા નથી. સિંહ જો ઉદ્યમ કરે તો જ પોતાનો ખોરાક પામે છે. આ ઉદ્યમ કરવાની વાત સફળતા મેળવવા સર્વ ક્ષેત્રોમાં સત્ય છે તે અનુભવની વાત છે. આથી ‘સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી' એ વિષયની વિચારણા કરવામાં ‘આણાએ ધમ્મો, આણાએ તવો'નો બોધ ખૂબ ખૂબ ઉપકારી થયો હતો. ઉદ્યમી રહેવામાં પ્રભુએ જણાવેલાં બારે પ્રકારનાં તપ કેટલાં ઉપકારી છે, તેની ઊંડાણભરી સમજ લેતી વખતે તપશ્ચર્યા કરવામાં પણ પ્રમાદ રહિત રહેવું કેટલું જરૂરી છે તે સમજાતું ગયું હતું. આવી ઉદ્યમી રહેવાની વાતને સિદ્ધ કરવા આ વિષયના મુદ્દાનું ટાંચણ પર્યુષણ પછી તરતમાં જ શરૂ થઈ ગયું હતું.
આ વિષયના મુદ્દાઓ વિચારવામાં સૌ પ્રથમ તો એ જ આવ્યું કે પ્રમાદ એટલે શું? તે પછી શ્રી મહાવીર સ્વામીએ છેલ્લી દેશનામાં શ્રી ગૌતમ સ્વામીને એક સમય માટે પણ પ્રમાદ ન કરવાનો બોધ આપ્યો છે, જે ઉત્તરાધ્યયન સૂત્રમાં દશમા અધ્યયનમાં સંગ્રહાયેલો છે, તેનો ઉદ્દેશ શું હોઈ શકે? પંચપરમેષ્ટિ ભગવંતનું મહાત્મ્ય શું? પ્રમાદ સહિત આજ્ઞા પાળવાથી કેવા દોષો ઉત્પન્ન થાય, પ્રમાદ તથા સ્વચ્છંદ વચ્ચેનો ગાઢો સંબંધ, પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનું બંધારણ, તે પરમાણુઓની જીવ પર થતી અસર, સમ્યક્ત્વ, જ્ઞાયિક સમ્યક્ત્વ લેતી વખતે જીવને કેવાં કલ્યાણનાં પરમાણુઓ મળે, છઠ્ઠા ગુણસ્થાને પહોંચવાથી થતી જીવના કષાયની સ્થિતિ, પંચપરમેષ્ટિ ભગવંતના ગુણો, પદવી અને પુરુષાર્થ અનુસાર અલગ અલગ હોય છે, શ્રેણિમાં પરમેષ્ટિ ભગવંતનાં પરમાણુઓનો ઉપયોગ, શ્રેણિમાં જીવ પહેલા અરિહંતના ઉપકારને ઓળખે છે, અને સિદ્ધપ્રભુનાં પરમાણુઓની સહાયથી જીવ અપ્રમાદી થાય છે, એ માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાને જીવે કેવી તૈયારી કરવી જોઈએ વગેરે વગેરે વિશે ઊંડાણમાં જવા પુરુષાર્થ કર્યો હતો.
૨૯૭