________________
કેવળી પ્રભુનો સાથ
આવાં બધાં કર્મો કરતાં રહેવાથી છૂટાય કેમ? એની વ્યવસ્થિત જાણકારી મેળવવા જીવ તલસતો હતો. પ્રભુની આજ્ઞાએ ચાલવાથી, સંસારની સુખબુદ્ધિ ઘટાડતા જવાથી, પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો બળવાન આશ્રય રાખવાથી આત્મિક વિકાસ તો થયા કરતો હતો, વ્યવહારશુદ્ધિ પણ અમુક માત્રામાં વધતી હતી, પણ મને તેનો સંતોષ ન હતો. મારે જે ઊંડાણ અને સૂક્ષ્મતા જોઇતા હતા તેની ખામી જણાતી હતી. આ ખામી કેમ ટાળવી તે સમજાતું ન હતું. તેનાં કારણે મારા મનમાં એવા ભાવ થવા લાગ્યા હતા, કે, 'પ્રભુ! મારા વ્યવહારિક જીવનમાં ખૂબ ઉપકારી થાય અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધે એવો બળવાન પુરુષાર્થ તમે મને આ ચાતુર્માસમાં જરૂરથી કરાવજો. કે જેથી મારા જીવનમાં યોગ્ય સુધારણા થતી જાય.' આ ભાવમાં વિશેષ સ્થિર થતાં ઈ.સ. ૧૯૯૬નાં પર્યુષણ માટે ‘અઢાર પાપસ્થાનક' વિષય મને મળ્યો. આ પાપસ્થાનકના નામની જાણકારી સિવાય મારી પાસે કોઈ ઊંડી માહિતી હતી નહિ. તેથી તેની તૈયારી કરવા માટે મેં શરૂઆતમાં ખૂબ મુંઝવણ વેદી હતી. પાપસ્થાનક વિશે કોઈ ગ્રંથમાંથી જાણકારી મળી આવે તે માટે પ્રયત્નો કર્યા, પણ ખાસ સફળતા મળી નહિ, મને સંતોષ થાય તેવું કોઈ લખાણ મળ્યું નહિ. પછી તો એક જ આશ્રય હતો, પ્રભુ પાસે જ જાણકારી માટે માંગણી કરવાનો. અને વિનંતિ કરવા ઈચ્છા કરી કે તમે જ વિષય આપ્યો છે તો તમે જ મને લખાણ કરાવો. મેં પુરુષાર્થ શરૂ કર્યો, અને ધીમે ધીમે એ વિષયને લગતા જે જે વિચારો આવતા ગયા તેની હું નોંધ કરતી ગઈ. તેમાંથી જીવ સ્વરૂપનો ત્યાગ થાય તેવા કર્મો બાંધે છે, તે સ્થાનને ભગવાને શા માટે પાપસ્થાનક કહ્યાં છે તે મને સમજાયું. ઘાતકર્મોનાં બંધનમાં લઈ જાય તેવા પાપસ્થાનકના સ્પર્શથી જીવ કેવી અને કેટલી દુભવણી ભોગવે છે તે લક્ષમાં આવ્યું. અઢાર પાપસ્થાનકમાંથી મોહનીય કર્મનાં બંધનમાં લઈ જનારાં પાપસ્થાનો કેટલાં વિશેષ છે તે સ્પષ્ટ થયું. ઘાતકર્મ બાંધવા માટે જીવ અઢારમાંના એક કે એકથી વધારે સ્થાનોને કેવી રીતે સ્પર્શે છે તેની બાંધણી અમુક અંશે સમજાઈ. જેટલાં વધારે સ્થાનોને જીવ એકી સાથે સ્પર્શે તેટલાં ઘાટાં ઘાતિકર્મ જીવ
૨૮૨