________________
ઉપસંહાર
જીવને મળે, સમ્યક્દર્શન મેળવવા જીવ ઉત્સાહિત થાય એવા કોઈ શુભ હેતુથી ‘અષ્ટ કર્મ’નો વિષય મને ઈ.સ.૧૯૯૫નાં પર્યુષણ પહેલાં બેત્રણ મહિને મળ્યો હોય એમ જણાયું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો અને આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય એ ચાર અઘાતી કર્મોની સામાન્ય સમજણ તો મને હતી. પણ જેવું જોઈએ તેવું ઊંડાણ મારી પાસે ન હતું. ઘણી અધુરપ લાગતી હતી. કેટલીક બાબતો ઊંડાણથી સમજાતી હતી તો કેટલીક બાબતો વિશે અંધારું લાગતું હતું. તેથી આ સમજણને અને જાણકારીને વધારવા શ્રી દેવેન્દ્રસૂરિ વિરચિત ‘કર્મગ્રંથ’ના ત્રણ ભાગનું વાંચન મેં શરૂ કર્યું. આ વાંચન શરૂઆતમાં તો મને ખૂબ કઠણ લાગ્યું, પરંતુ ધીરે ધીરે મહાવરો થતાં તેમાંથી કર્મબંધનાં કારણો, કેવા ભાવથી કેવાં કર્મ ઉપાર્જન થાય, કર્મ ક્યારે અને કેવી રીતે નિકાચીત થાય, કેવા પ્રકારનાં ઘૂંટણથી કેટલા કાળનાં કર્મ બંધાય વગેરે વિશેની સૂઝ મારામાં આવવા લાગી; અને તેનું વ્યવસ્થિત લખાણ કરવાની આજ્ઞા આવી હોવાથી ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી લખાણ શરૂ કર્યું. તે માટે મેં એવી સમજણ લીધી હતી કે આ અઘરા વિષય માટે વ્યવસ્થિત લખાણ હોય તો પર્યુષણમાં મારે બોલવું સહેલું પડે. લખાણ યોગ્ય રીતે કરાવવા માટે પ્રભુને હું નિયમિત પ્રાર્થના કરતી હતી. આ કાર્યમાં વિઘ્ન ન આવે તે માટે મેં ક્ષમાપનાનો આશ્રય વધાર્યો હતો. પર્યુષણ પહેલાં ચાર છ દિવસે લખાણ પૂરું થયું. અને પર્યુષણમાં અષ્ટકર્મના વિષયને ન્યાય આપવાનો મેં પ્રમાણિક પુરુષાર્થ કર્યો હતો. સહુને આઠે કર્મ વિશેની જરૂરી માહિતી મળી, અને મારી પર્યુષણ માટેના વિષયને ન્યાય આપવાની તથા આખું ચોમાસું આરાધન કરવાનું ચાલુ રહે એવી ભાવના સફળ થવા લાગી. પર્યુષણ પૂરાં થતાંની સાથે બીજા પર્યુષણ માટેની તૈયારી ચાલુ કરાવવા મેં પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ કરવાનું શરૂ કર્યું હતું. આપેલી સફ્ળતા માટે પ્રભુને કર્તાપણાના ભાવ આભાર માનીને અર્પણ કર્યા હતા. કેમકે આ પર્યુષણમાં કર્મબંધન માટેની વિશેષ જાગૃતિ આવવાથી મારાં જીવનમાં – મારાં વર્તનમાં સારો સુધારો કરવાની તક મને સાંપડી હતી.
૨૮૧