________________
કેવળી પ્રભુનો સાથ
આમ ભમતાં ભમતાં મહા બળવાન પુણ્યયોગે સંજ્ઞીપંચેન્દ્રિયરૂપે તે શ્રી તીર્થકર પ્રભુની દેશનામાં આત્માર્થે આજ્ઞાધીન થઈ અંતવૃત્તિસ્પર્શ પામે છે. અને એક સમય માટે તે શ્રી પ્રભુના સાથથી મિથ્યાત્વના ઉદયને તથા બંધનને છેદી, સર્વકાળ માટેનું અભવિપણું ટાળે છે. આ પ્રસંગથી જીવ આત્માર્થે આજ્ઞાધીન થવાની શરૂઆત કરે છે. તે પછીથી એક સમયનું આજ્ઞાધીનપણું વધારી આઠ સમય સુધી આજ્ઞાધીન રહી નિશ્ચયથી વ્યવહાર સમકિત પ્રાપ્ત કરે છે. ત્યાંથી પ્રગતિ કરી જીવ આઠ કેવળીગમ્ય પ્રદેશ પ્રાપ્ત કરી ઉપશમ સમકિત સુધી વિકાસ કરે છે. અને ત્યારથી તે જીવ સભાનપણે શ્રી પ્રભુની અને શ્રી સદગુરુની આજ્ઞામાં રહેવાની મહત્તા સમજતાં શીખે છે. આ સમજણનો સદુપયોગ કરી ક્ષયોપશમ સમકિત અર્થાત્ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ દશા સુધી જેટલા કાળ માટે તે જીવ દેહથી ભિન્નતા અનુભવે છે તેટલા કાળ માટે આજ્ઞામાં રહે છે, અને બાકીના કાળમાં તેનાં મન, વચન તથા કાયા સ્વચ્છેદથી વર્તતાં રહે છે. વળી એ આજ્ઞાધીનપણામાં તેનાં મન, વચન અને કાયા સમગ્રપણે આજ્ઞાધીન હોતાં નથી, ત્રણમાંથી એક આજ્ઞાધીન અને બાકીનાં બે સ્વચ્છંદે ચાલતા હોય છે, એટલે એ દશાને આજ્ઞાસિદ્ધિ કહેવામાં આવતી નથી. ક્ષયોપશમ સમકિતથી પ્રગતિ કરી જીવ ક્ષાયિક સમકિત મેળવવા ભાગ્યશાળી થાય છે ત્યારે તે જીવનું આજ્ઞાધીનપણું વિશેષતા પામે છે, અર્થાત્ જે યોગ આજ્ઞાધીન બને તેનું ઊંડાણ વિશેષ રહે છે, અને બાકીના બે યોગનો સ્વછંદ થોડો અલ્પ થાય છે.
આજ્ઞાપાલનની મહત્તા શ્રી ગુરુ પાસેથી સભાનપણે સમજમાં આવી હોવાથી તે જીવનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ ક્ષાયિક સમકિત મેળવ્યા પછી વધતો જાય છે. અને ત્રણ યોગમાંથી કોઈ બે યોગને તે જીવ શ્રી પ્રભુની અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં થોડા કાળ માટે રાખવા ભાગ્યશાળી થાય છે, આ દશા તે જીવનું પાંચમું ગુણસ્થાન. તે ગુણસ્થાને વચ્ચે વચ્ચે તેના ત્રણે યોગ સ્વચ્છેદે વર્તે એમ પણ બને, એક યોગ આજ્ઞાધીન અને બે યોગ સ્વચ્છેદે વર્તે એમ પણ રહે. પરંતુ આ દશાએ ત્રણે યોગ આજ્ઞાધીન બનતા નથી, તેથી તે દશાને આજ્ઞાપાલન માટે યોગ્ય ગણવામાં આવતી નથી. અને એથી આત્માર્થે વિકાસ કરવો વિશેષ અનિવાર્ય બને છે.