________________
પ્રકરણ ૧૮
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
શ્રી મહાવીતરાગ ધર્મમાં વીતરાગી જ્ઞાતાદ્રષ્ટા તથા ક્ષાયિક ચારિત્રમાં વેદકપણું વેદનાર એવા શ્રી અરિહંત કેવળીપ્રભુના ચરણારવિંદમાં કોટિ કોટિ વંદન તથા સમય સમયના નમસ્કાર સાથે એમના આજ્ઞામય પુગલની પ્રાપ્તિની પૂર્ણતા પામવા માટે પ્રાર્થના કરીએ છીએ.
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં જ્યારે જ્યારે જેટલા કાળ માટે જીવ રહે છે ત્યારે ત્યારે તેટલા કાળમાં તેની આત્માર્થે પ્રગતિ થાય છે. આ કાર્યની શરૂઆત જીવ નિત્યનિગોદમાંથી કરે છે, તે જીવ જ્યારે શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણક વખતે તેમની આજ્ઞામાં જાય છે ત્યારે રુચક પ્રદેશની પ્રાપ્તિ કરતો જાય છે, અને સિધ્ધ થતા પ્રભુની આજ્ઞામાં આવી પોતાનો આઠમો રુચક પ્રદેશ મેળવી, પૃથ્વીકાય રૂપે સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. એ પ્રત્યેક પ્રસંગે તે જીવ માત્ર એક જ સમય માટે આજ્ઞાધીન બને છે, બાકીનો સર્વકાળ સ્વચ્છેદથી પસાર કરે છે. એ જ રીતે તે આજ્ઞાધીન બની એકેંદ્રિયપણે પાંચે એકેંદ્રિયમાંથી પસાર થઈ બે ઇન્દ્રિય થાય છે. તેમાંથી આજ્ઞાધીનપણું વધારી ત્રણ, ચાર અને સંજ્ઞીપંચેન્દ્રિય સુધી વિકસે છે. સંજ્ઞી થતાં તે જીવ મોટે ભાગે વિશેષ સ્વચ્છંદી બની અમુક કાળ પછી ફરીથી અસંજ્ઞી થઈ, નીચે ઊતરી જાય છે. ફરીથી આજ્ઞાધીન થાય ત્યારે તે વિકાસ કરે છે. આમ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે પ્રસરાવેલા કલ્યાણભાવને વ્યવહાર સ્વીકારી જીવ સંસારની એકથી પાંચ ઇન્દ્રિય સુધીની દશાને ભોગવતો રહે છે, અને શ્રી પ્રભુના આત્માર્થ પ્રસરાવેલા કલ્યાણભાવનો દુરુપયોગ કરી તે જીવ સંસારમાં ભમતો રહે છે.