________________
ઉપસંહાર
સાલથી વિષયોની સૂચિ એવી રીતે આવી છે કે જેમાં કોઈ તૈયાર ગ્રંથનો આધાર મળે નહિ, પણ એ વર્ષ સુધીમાં થયેલા અનુભવોનો આધાર લઈ પર્યુષણ માટે તૈયારી કરવાની હોય. જુદા જુદા ગ્રંથોનાં મંતવ્યોનો આધાર જરૂર મળતો હતો, પરંતુ એક જ ગ્રંથમાંથી બધી સામગ્રી મળે એ સુવિધા રહી ન હતી. એથી મને સમજાયું કે હવે પ્રભુ મારી પાસે સુંદર આરાધન કરાવી સુધરવાની તક વધારી રહ્યા છે. બીજી બાજુ વર્તમાનની ઈ.સ.૨૦૧૧ની સાલમાં સ્પષ્ટ સમજાય છે કે ઈ.સ.૧૯૯૪થી શ્રી પ્રભુએ ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ લખાવવાની વાસ્તવિક તૈયારી કરાવવી શરૂ કરી હતી, અને તેઓ એ પહેલાનાં સઘળાં વર્ષોમાં આ ગ્રંથ માટે જોઈતા અનુભવની પૂર્વ તૈયારી કરાવતા હતા.
ઈ.સ. ૧૯૯૪નાં વર્ષ માટે ‘સમ્યક્દર્શન' વિશે વિચારણા કરવાનું આવ્યું હતું, તે માટે વાસ્તવિકતામાં કોઈ એક ગ્રંથમાંથી સઘળું માર્ગદર્શન મળી શકે નહિ તે ખૂબ જ સહજ હતું. પરંતુ અનેક મુનિઓએ, આચાર્યોએ, મહાત્માઓએ સમ્યક્દર્શનનાં લક્ષણો વિશે, તેનાં વિવિધ પાસાઓ વિશે, પ્રસંગોપાત લખાણ કરેલું છે. તેમાંથી શ્રી કુંદકુંદાચાર્ય, શિવકોટિ આચાર્ય, ગુણભદ્રાચાર્ય, જ્ઞાનભૂષણ ભટ્ટારક, આદિ સમર્થ મહાત્માઓએ સમ્યક્દર્શન માટે આપેલા મંતવ્યો એકત્રિત કર્યા. વિચારણા એવી હતી કે આ બધા મહાચાર્યોનાં વચનો વાંચી, વિચારી, પોતાના અનુભવના ત્રાજવામાં મૂકી મુદ્દા એકઠા કરવા. અને તેનું તારણ કરી નક્કી કરવું કે સમ્યક્દર્શન મેળવવાથી જીવને સંસા૨ે તથા પરમાર્થે શો લાભ થાય છે, જીવનો આત્મવિકાસ કેવી રીતે વેગવાન થઈ શકે, સમ્યક્દર્શનની અગત્ય શું છે, તેનાં લક્ષણો શું છે, તે પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ, સમ્યક્દર્શનથી સંસારનું પરિભ્રમણ કેવી રીતે ટળતું જાય છે, સમ્યક્દર્શનથી ચડતા ક્રમમાં આત્મસુખની વૃદ્ધિ કેમ થતી જાય છે, વગેરે. આ મુદ્દાઓ વિશે મહત્ પુરુષોનાં વચનો સમજી ટાંચણ કર્યું; એ રીતે મેં પર્યુષણ માટે તૈયારી કરી. મારી સમજણને તથા અનુભવને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકું એ માટે મને સહાય કરવા મેં પ્રભુને ખૂબ પ્રાર્થના કરી
૨૭૯