________________
ઉપસંહાર
કૃપાળુદેવનાં બધાં જ વચનો સમજવા યોગ્ય અને અગત્યનાં લાગતાં હતાં. આથી મારે કેમ કરવું તેના માટે પણ મને માર્ગદર્શન જોઈતું હતું. પરિણામે પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં મેં ઉપદેશછાયાનું વાંચન શરૂ કર્યું. લગભગ ત્રીજી વખત વાંચતી હતી, ત્યારે મેં નોંધ્યું કે હું એમાનાં કેટલાંક વચનો નીચે લીટી દોરી અગત્યનાં વચનો જુદા પાડતી હતી. આ કાર્ય પ્રભુ જ મારી પાસે કરાવતા હતા એમ મને જણાયું. તે પરથી મેં તારવણી કરી કે મારે પર્યુષણમાં અન્ય લખાણનો સાર લેવો અને નીચે લીટી દોરેલાં વચનો વિસ્તારથી લેવાં. આમ કરવાથી મારું કામ ઘણું સરળ થઈ ગયું.
‘ઉપદેશછાયા’નો અભ્યાસ કરતાં કરતાં આ વિષય કેમ લેવાનો આવ્યો તેનો ઘટસ્ફોટ પણ થઈ ગયો. મને સમજાયું કે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તત્ત્વ પર પ્રભુત્વ આવે છે ત્યારે તે જીવ તદ્ન સમીપમુક્તિગામી બને છે. આવા રૂડા આત્માઓના અનુભવથી સિંચાયેલો બોધ અનેક જીવોને ખૂબ ખૂબ લાભદાયી થાય છે; તેથી આવા અલભ્ય બોધની નોંધ અનેક શ્રોતાઓ લેતા હોય છે. તેનો લાભ પોતે તથા આસપાસના લોકો સત્પુરુષના પ્રત્યક્ષ યોગના વિયોગમાં લઈ શકે છે. જો તેઓ યથાર્થ પુરુષાર્થ કરે તો તેમાંથી તેઓ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ જેવો જ ઉત્તમ લાભ પામી શકે છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ આવા જ ઉત્તમ પુરુષ હતા. તેમણે જે બોધ સં ૧૯૫૨ આસપાસના કાળમાં ગુજરાતનાં ગામોમાં હતા ત્યારે આપ્યો હતો તેની નોંધ બળવાન સ્મૃતિધારક અંબાલાલભાઈએ કરી હતી. તે નોંધ ‘ઉપદેશછાયા’નાં શિર્ષક નીચે શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતમાં છપાઈ છે. એનો અભ્યાસ કરતાં સમજાય છે કે આજથી લગભગ ૧૧૫ વર્ષ પહેલાં તેમણે જે બોધ આપ્યો હતો તેનું આજે પણ આત્મહિતાર્થે એટલું જ મૂલ્ય તથા મહત્ત્વ છે. એમનાં એ અનુભવમૂલક વચનો આજે પણ જીવને ઉત્તમ માર્ગદર્શન આપી શકે એવાં બળવાન કલ્યાણભાવનાં પરમાણુઓથી સભર છે. આ વાતની અનુભૂતિ સહુ કોઈને ઈ.સ.૧૯૯૧નાં પર્યુષણમાં થઈ હતી, આ જ રીતે ઉત્તમ પુરુષોથી સર્જાતી કલ્યાણભાવની પરંપરાનું મૂળ આપણે શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણભાવનાં
૨૭૩