________________
કેવળી પ્રભુનો સાથ
અસીમ કૃપાનો અનુભવ વર્તાતો હતો. ઇષ્ટ આત્માઓનું ફલક વિસ્તરવા લાગ્યું હતું, તેથી રાજપ્રભુ, પંચપરમેષ્ટિ ભગવાન તથા ઉચ્ચ કક્ષાના સહુ આત્માઓ માટે અહોભાવ તથા કૃતજ્ઞતાનો ભાવ જોરદાર બન્યો.
એમાંથી એવી વિચારણા જન્મી કે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવા માટે રોજિંદા જીવનમાં મારે શું કરવું જોઈએ તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળે તો કેવું સારું? તે ભાવનાથી શ્રી પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ નિયમિતપણે થવા લાગ્યાં. વાંચનમાં વિવિધ ગ્રંથો વંચાતા હતા, દરેકમાં કંઈક નવીનતા તથા ઊંડાણ હોવા છતાં વ્યવહારિક યથાર્થ માર્ગદર્શન દેખાતું ન હતું. ચાતુર્માસ નજીક આવતા જતા હતા, અને કોઈ સ્પષ્ટ જાણકારી આવતી ન હતી, તેથી પ્રાર્થના તેમજ ક્ષમાપના કરવાનું પ્રમાણ સહજતાએ વધ્યું. ભાવપૂર્વક વિચારતી હતી કે મારા માટે આ વર્ષનાં પર્યુષણ માટે ક્યો વિષય યોગ્ય ગણાય! આ ભાવ સાથે એક દિવસ બપોરના હું સ્મરણ કરતી હતી. સ્મરણ કરતાં હું શાંત થઈ ગઈ. અને એકાએક મને સમજાયું કે મારે જે માર્ગદર્શન જોઈએ છે તે શ્રી રાજપ્રભુના સં. ૧૯૫રના બોધમાંથી મળે તેમ છે; જે વચનામૃતમાં ‘ઉપદેશછાયા' શિર્ષક નીચે છપાયેલ છે. પૂર્વકાળમાં એટલે કે થીસીસ લખતી વખતે અને તે પછીથી પણ મેં ઉપદેશછાયા વાંચી હતી, પણ તેનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કર્યો ન હતો. એટલે મેં ઉપદેશછાયાનો પર્યુષણના વિષય તરીકે અભ્યાસ કરવાનો વિચાર કર્યો. જેમાં વિવિધ અંગો આવરી લેવાં હતાં.
ઈ.સ.૧૯૯૧નાં પર્યુષણ માટે મને જ્યારે શ્રી રાજપ્રભુએ આપેલા બોધની નોંધ ‘ઉપદેશછાયા' લેવાનો આદેશ આવ્યો, ત્યારે બહુ આશ્ચર્ય તો નહોતું વેદાયું, કેમકે આવા વિષયોની વિવિધતા એ જ પ્રભુની કરામત છે એવો નિશ્ચય મને થઈ ગયો હતો. આથી આવી વિવિધતામાં લઈ જવાનું પ્રભુનું પ્રયોજન શું હશે એ જાણવામાં મારું મન પરોવાઈ ગયું હતું. મને પ્રયોજન જણાવે એ માટે શ્રી પ્રભુને પ્રાર્થના કરવી શરૂ કરી હતી. સાથે સાથે ઉપદેશછાયાનાં આટલાં બધાં પાનાં સાત દિવસમાં કેવી રીતે વિચારાઈ શકે એ મારા માટે ગહન પ્રશ્ન હતો, કેમકે મને
૨૭૨