________________
ઉપસંહાર
સ્પષ્ટતા થતી ગઈ. અને ઈ.સ. ૧૯૯૦નાં પર્યુષણ માટે શ્રી કુંદકુંદાચાર્ય રચિત ‘પંચાસ્તિકાય' ગ્રંથ લેવાનું એ વર્ષની ગુરુપૂર્ણિમા પહેલાં નક્કી થઈ ગયું.
આ વિષય મળ્યો, તેની પહેલી ક્ષણે મને એમ જ થયું કે ભગવાન પર્યુષણના વિષયોમાં આ કેવી કુદાકુદ કરાવે છે! બાર ભાવનામાંથી સીધો નિશ્ચયનયનો ગ્રંથ લેવાનો! પણ મારી ટૂંકી બુદ્ધિમાં પ્રભુની દીર્ઘદ્રષ્ટિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે ? તેમ છતાં પ્રભુઆજ્ઞા મને શિરોમાન્ય હતી. એટલે પંચાસ્તિકાય ગ્રંથનો વ્યવસ્થિત અભ્યાસ કરવો શરૂ કર્યો. આ વખતે મને પર્યુષણ પહેલાં ત્રણેક મહિને વિષયની પ્રાપ્તિ થઈ હતી. એટલે સમયની સુવિધા હતી. તેથી જેમ આ ગ્રંથનું વાંચન તથા મનન વધારતી ગઈ તેમ તેમ મને તેનું ઊંડાણ સમજાતું ગયું. અને વ્યવહારનયને નિશ્ચયનયની સમજણમાં પલટાવવા આ ગ્રંથ કેવો ઉપયોગી છે તે અનુભવમાં આવવા લાગ્યું. આ બધા ચિંતન તથા મનનના નિચોડરૂપે મને બાર ભાવનાના અનુસંધાનમાં પંચાસ્તિકાય જેવો ગ્રંથ કેમ લેવડાવ્યો તેનું રહસ્ય સમજાઈ ગયું, જે મેં ઉપરના ફકરામાં સંક્ષેપમાં જણાવ્યું છે.
પંચાસ્તિકાયમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ પાંચ દ્રવ્યોનાં લક્ષણો શું છે, તેઓ શા માટે અસ્તિકાય કહેવાય છે, કાળને શા માટે અસ્તિકાય ગણવામાં આવતો નથી, લોકમાં આ બધાં દ્રવ્યોનું અસ્તિત્વ કેવી રીતે છે, તેઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, અને આખા લોકનો સંચાલક જીવ કેવી રીતે થાય છે, એ વગેરે વિશેની સિદ્ધાંતમૂલક સમજણ અપાયેલી છે. આનો વ્યવસ્થિત અભ્યાસ કરવા જતાં, પર્યુષણના વિષયની જાણકારી મેળવવામાં કેવો પુરુષાર્થ સમાયેલો હોવો જોઈએ તેની સ્પષ્ટતા આવી. તેમાંથી મને જે આખા ચાતુર્માસમાં ખૂબ આરાધન કરવાના ભાવ વર્તતા હતા તેની પૂર્તિ થતી હોય એવું લાગ્યું, કેમકે આ ગ્રંથનું વાંચન કરતી વખતે મને ઘણી ઘણી નિસ્પૃહતા વર્તતી હતી, તે આજે પણ મને બળવાનપણે સ્મૃતિમાં છે. સંવત્સરી સુધી ચાલુ રહેલા આરાધનને કારણે મારા આત્માનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણીને સારો લાભ થયો હતો. પર્યુષણ આનંદથી પસાર થયા. પ્રભુની
૨૭૧