________________
ઉપસંહાર
દુ:ખના પ્રસંગમાં ધર્મ સિવાય કોઈ શરણરૂપ થતું નથી, જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને એકલો પરિભ્રમણ કરવાનો છે, કોઈ કોઈનું નથી, અને લોકનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મમરણ કર્યા ન હોય વગેરે જાણકારી જીવને વૈરાગ્યમાં તરબોળ કરે છે. તે સાથે આશ્રવ, સંવર, નિર્જરા ભાવના જીવને કર્મ સિદ્ધાંતની જાણકારી આપે છે, સાથે સાથે તેને તેનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરવામાં ઘણી મદદ કરે છે. એટલું જ નહિ પણ, ધર્મદુર્લભ તથા બોધિદુર્લભ ભાવના આ શુભ કાર્ય ત્વરાથી કરી લેવા માટે જીવને ખૂબ ઉત્સાહીત કરે છે. કારણ કે આ ભાવનાના આધારથી જીવને સમજાય છે કે ધર્મ પ્રાપ્ત થવો તથા તેનો બોધ આચરણમાં લેવો કેટલો અઘરો છે. તેમજ તેની પ્રાપ્તિ સહેલાઈથી થતી નથી. આમ આ બારે ભાવનાઓ જુદી જુદી અપેક્ષાથી વિચારવામાં આવે તો જીવની સમજણમાં ધરખમ વધારો થાય એ સ્પષ્ટ થયું હતું. આમ કેટલીક પાયાની વાતો સમજાયા પછી મને આ વર્ષનાં પર્યુષણના વિષયના અનુસંધાનનું સાર્થકપણું સમજાયું હતું. આ બારે ભાવનાનાં ઊંડાણવાળાં તત્ત્વો ગ્રહણ કરીએ તો જ રત્નત્રયનું આરાધન સારી રીતે થઈ શકે એમ લાગ્યું હતું.
આ ભાવોની બધાંને સમજણ આપવા માટે મેં રાજપ્રભુ રચિત ભાવનાબોધ ગ્રંથનો આધાર લીધો હતો. એ ગ્રંથમાં જોવા મળતો એમનો વૈરાગ્ય, એ વૈરાગ્યની આપણા પર થતી અસર, તેમનું ભાષા પરનું પ્રભુત્વ, થોડા શબ્દોમાં ઝાઝું જણાવી એમાં ભેદરહસ્યો પૂરવાની તેમની શક્તિ, વગેરે દૃષ્ટિકોણથી બારભાવનાનો વિચાર કર્યો હતો. તેની સાથે સાથે શ્રી તીર્થંકર પ્રભુએ આત્મવિકાસ કરવા માટે બારભાવના વિચારવાની અગત્ય જણાવી છે તે પણ વણી લીધું હતું. વળી, પ્રાથમિક કક્ષાના જીવોને બારભાવનાની વિચારણા કરવાથી ધર્મપ્રવેશ કરવો કેવો સહેલો પડે છે, અને તેની અસર કેવી કાયમી બને છે તેને ગૂંથી લેવાનો પણ મેં પ્રયત્ન કર્યો હતો. તેથી પ્રવેશક જિજ્ઞાસુ જીવોને પણ આ ૧૯૮૯નાં પર્યુષણ આનંદદાયક તથા લાભકારી જણાયાં હતાં. પ્રભુ તરફથી મળતા પર્યુષણ માટેના
૨૬૯