________________
કેવળી પ્રભુનો સાથ
એ આ પર્યુષણનો વિશેષ હેતુ હતો. આ આરાધનથી જીવ પોતાના આત્માની વિશુદ્ધિ કરી કેવળજ્ઞાન કેવળદર્શન પામી શકે છે અને પછીથી શેષ રહેલાં અઘાતી કર્મોનો ક્ષય કરી તે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. રત્નત્રયનું આરાધન કરતાં કરતાં જીવ જ્યારે ભાવથી અને દ્રવ્યથી છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તે શ્રી પ્રભુના અભિપ્રાય પ્રમાણે સન્માર્ગનો ઉપદેશ કરવા અધિકારી થાય છે. અને તે પછી તેરમા સયોગી કેવળી ગુણસ્થાને વીતરાગીપણે આત્મકલ્યાણ કરવા માટે બોધ આપે છે. રત્નત્રયનું આરાધન કરવા માટે જો કે સર્વ ગુણસ્થાનો યોગ્ય જ છે, છતાં સ્વ તેમજ પરકલ્યાણનાં અનુસંધાન સાથે ઉપદેશ આપવા માટે છઠું અને તેરમું એ બે જ ગુણસ્થાનો શ્રી પ્રભુએ આવકાર્યા છે.
આ લખાણ કરવા માટે થયેલા અનુભવનાં મૂળ ઈ.સ. ૧૯૬૪-૬૫ ની સાલ સુધી રહેલાં છે. જ્યારે ઈ.સ.૧૯૬૪-૬૫માં મેં શ્રીમની જીવનસિદ્ધિ મારા Ph.D. ના અભ્યાસ માટે લખી ત્યારે મને પ્રાર્થના, ક્ષમાપના, આદિ કરવાથી થતા લાભનો વારંવાર પરિચય થતો હતો, તે તો સહુની જાણમાં છે. મને પરમકૃપાળુ શ્રી રાજપ્રભુ પ્રતિ પરમ પિતા જેવો નિર્મળ પ્રેમ અનુભવાતો હતો, તેથી પ્રત્યેક કઠણાઈના પ્રસંગે હું તેમનાં શરણમાં દોડી જતી, તેમને ખૂબ પ્રાર્થના કરતી, પૂર્વે કરેલા દોષો માટે પશ્ચાત્તાપ કરતી અને માર્ગદર્શન માગતી. પ્રભુકૃપાથી મને જરૂરી માર્ગદર્શન મળી જતું હતું; મારી મુશ્કેલી ટળી જતી. પરિણામે પ્રભુ પ્રતિના મારા ભાવ વધારે શુદ્ધ તથા વધારે ઊંચા થતા જતા હતા. આવો બળવાન સાથ આપવા માટે હું પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનતી, અને હવેથી કોઈ ખોટાં નવાં કર્મો બાંધુ નહિ તે માટે પ્રાર્થના કરતી. આમાં કેટલીયે વખત વ્યવહાર સંબંધી માગ્યા વગર માર્ગદર્શન અને સાથ મળવાના પ્રસંગો બનતા હતા. આવા અનુભવોથી મારાં આશ્ચર્ય અને આનંદ વધતાં જતાં હતાં. આવા કેટલાક પ્રસંગો મેં ‘શ્રી કેવળ પ્રભુનો સાથ - ભાગ ૨'નાં પ્રાકથનમાં નોંધ્યા છે. એવા બીજા એક બે હૃદયસ્પર્શી પ્રસંગો જણાવવાની ઇચ્છા જોર કરી જાય છે.
૨૬૦