________________
ઉપસંહાર
ઈ.સ. ૧૯૬૯ની દિવાળીમાં ચાર દિવસ માટે અમે અમારા સંબંધીનાં ગેસ્ટહાઉસમાં રહેવા ગયા હતા. જવામાં અમે બે, મારાં માતાપિતા તથા મારા મોટા જેઠનાં દીકરી ચિ. ભારતી એમ પાંચ જણા હતા. ગેસ્ટહાઉસમાં રસોઈ જાતે બનાવવાની હતી, એટલે ચાર દિવસનું સીધુંસામાન સાથે લીધું હતું. અમને પ્રભુ તરફથી એવી સૂચના મળી હતી કે અમારે સવારે ચાનાસ્તો કરી, રસોઈ બનાવી, સાડા આઠે તૈયાર થઈ જવાનું. રસોઈ મારે તથા ભારતીએ જ કરવાની હતી. મારાં બાની મદદ જરા પણ લેવાની ન હતી. રોજ સવારે તથા સાંજના જમવામાં શું બનાવવાનું તેની યાદી આવી ગઈ હતી અને રસોડાનો સામાન લેવામાં સુવિધા થઈ ગઈ હતી. સાડા આઠથી પોણાબાર સુધી અમારે પાંચેયે સાથે આરાધન કરવાનું હતું. આરાધનમાં સ્તોત્ર, ક્ષમાપના, વાંચન, ચર્ચા આદિ કરવાનાં હતાં. પછી રસોઈ ગરમ કર્યા વિના જ બધાંએ જમવાનું હતું. એમાં નવાઈની વાત તો એ હતી કે સાડાઆઠ સુધીમાં તૈયાર કરેલી રસોઈ પોણાબારે પણ ખાવા જેવી ગરમ રહેતી હતી. જમ્યા પછી અમારે આરામ તથા પોતપોતાની રુચિકર પ્રવૃત્તિ બપોરના ૩:૧૫ સુધી કરવાની હતી. સાડા ત્રણે ચા પીને ફરીથી આરાધન કરવા બેસી જવાનું હતું. સાંજના છ વાગ્યા સુધી આરાધન કરવાનું. છથી સાત ચાલવાનું, પછી બે વસ્તુ બનાવી જમી લેવાનું, અને બરાબર સાડા આઠથી દશ સુધી સ્મરણ આદિ વિવિધ આરાધન કરવાનું હતું. આરાધનમાં શું શું કરવું તેની સમજણ પણ અમને અગાઉથી આપી દીધી હતી. પછી સ્મરણ કરતાં સૂઈ જવાનું અને બીજા દિવસનાં આરાધનની તૈયારી કરવાની. આ રીતે ચાર દિવસ ક્યાં પસાર થઈ ગયા તેનો અમને ખ્યાલ પણ આવ્યો નહિ. ખૂબ આનંદ તથા ઉલ્લાસ અમને બધાંને વર્તતાં હતાં. ભેદજ્ઞાનનાં કેટલાંય રહસ્યો તથા ખુલાસા આ દિવસોમાં અમને મળ્યાં હતાં. ઉદા. ત. મોક્ષમાળાના ક્ષમાપનાના પાઠમાં આખો મોક્ષમાર્ગ, સદ્ગુરુમહાત્મ્ય, આત્માનાં છ પદ, નવ તત્ત્વ આદિ કેવી રીતે સમાયેલાં છે તેની જાણકારી મળી હતી. પછી ક્રમે ક્રમે ક્ષમાપના કેવી રીતે કરવી જોઈએ, શા માટે કરવી
૨૬૧