________________
ઉપસંહાર
પુરુષાર્થ આદર્યો. સમજણનો પરિપાક થતાં આ સમજણ લખાણમાં મૂકવા આજ્ઞા આવી. તે પ્રમાણે કર્યું પણ ખરું. પર્યુષણમાં આ સમજણ વ્યક્ત કરવાનો લહાવો મને ઈ.સ. ૧૯૮૨માં મળ્યો તેનો મને ઘણો આનંદ હતો. ૧૯૮રનાં પર્યુષણમાં મુંબઈમાં કોમી રમખાણો થયાં હતાં, જાણે માનતુંગાચાર્યના ઉપસર્ગનું પુનરાવર્તન થતું ન હોય! પણ તે બધાં વિપ્નોને શ્રદ્ધા તેમજ પ્રભુકૃપાથી પાર કરી, વાસ્તવિક જીવનમાં પ્રભુનાં શરણે રહી કાર્ય કરવાથી કેવાં આશ્ચર્ય સર્જાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ અમે લીધો હતો. એ આશ્ચર્યકારક અનુભવ કદી વિસરાય તેમ નથી. - ઈ. સ. ૧૯૮૨નાં પર્યુષણ પૂરાં થયાં પછી, મારા મનમાં એક નવો ભાવ રમવા લાગ્યો. મને થતું કે આ પર્યુષણ તથા ચાતુર્માસમાં મેં પુરુષાર્થ કરીને મેળવ્યું શું? મેં તો જે મળ્યું હતું તેને જ સારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો હતો. મારા મનથી મને આ સ્થિતિ યોગ્ય લાગતી ન હતી. તેથી મારા મનમાં સહજતાએ પ્રાર્થના શરૂ થઈ કે, “પ્રભુ! મારે પુરુષાર્થ કરવો પડે, સરસ આરાધન થાય, મારાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સરસ ખીલવણી થાય, એવો વિષય મને પર્યુષણ માટે આપજો. જે મળ્યું છે તેને જ વ્યવસ્થિત કરી મૂકવું. એ મારા માટે મને પૂરતું લાગતું નથી. તેમ છતાં તમને જ યોગ્ય લાગે તે મારી પાસે કરાવજો હું તમારા જ શરણે છું.” આ પ્રકારના ભાવો મને વારંવાર થયા કરતા હતા.
પ્રભુની આજ્ઞાએ ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં કરતાં જે ભાવ આપણે કરીએ છીએ, તે ભાવ સરસ રીતે પ્રભુ પૂરા કરતા હોય છે, તેવો અનુભવ આ પહેલા પણ મને ઘણીવાર થયો હતો. પરંતુ ઈ.સ.૧૯૮૩ના પર્યુષણમાં થયેલો અનુભવ તો ખાસ વિશિષ્ટ અને નોંધનીય કહી શકાય તેવો છે. આ વર્ષની ગુરુપૂર્ણિમા પહેલા દશેક દિવસે મને પર્યુષણ માટે વિષય આવ્યો. તે હતો “શ્રી આનંદઘન ચોવીશી”. આ પહેલા મેં આનંદઘન ચોવીશી અભ્યાસની દૃષ્ટિથી વાંચી ન હતી. એટલે એ વિશે મારી પાસે કોઈ યથાર્થ જાણકારી હતી નહિ. મારે માટે આ વિષય સાવ નવો જ હતો. પુસ્તક કાઢી ચોવીશી વાંચતા ખ્યાલ આવ્યો કે આમાં શ્રી આનંદઘનજી મહારાજે વર્તમાનના ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ
૨૪૯