________________
ઉપસંહાર
મારાં અંતરંગમાં રમતી ભાવનાને સાકાર કરવાના આશયથી ગુરુવારનું વાંચન આ અમૂલ્ય પુસ્તકથી શરૂ કરવાના ભાવ કર્યા હતા. જેમાં મને રાજપ્રભુ સતત સાથ આપશે એવી બાંહેધરી પણ મળી હતી. એટલે પૂરા વિશ્વાસ સાથે પૂર્વમાં કદી ન કરેલું કાર્ય મેં ૧૯૭૦ના એપ્રિલ માસમાં શરૂ કર્યું.
વાંચનના પહેલા ગુરુવારે બપોરે ૩:૩૦ વાગે પ્રભુની સ્તુતિ કરી. તેમાં સૌ પહેલા રાજપ્રભુ રચિત “જિનેશ્વરની વાણી’ એ પદ લીધું, તે પછી ભક્તામર સ્તોત્રનો ૨૬મો શ્લોક જેમાં જિન પ્રભુને વંદન કરાયાં છે તે, અને તે પછી “મોક્ષમાર્ગમ્ય નેતાર...' એ શ્લોક બોલી વાંચવાની મેં શરૂઆત કરી. છેલ્લો શ્લોક બોલતી હતી ત્યારે મારી ખુરશીના ડાબા હાથના ઉપરના સામેના ખૂણામાં મને શ્રી રાજપ્રભુનાં દર્શન થયાં, અને તેઓ મને સતત માર્ગદર્શન આપશે એમ જણાવ્યું. મારો રહ્યો સહ્યો ભય પણ નીકળી ગયો, અને મેં ખૂબ જ સ્વસ્થતાથી પહેલા પત્રનું વાંચન શરૂ કર્યું. પ્રત્યેક વચનોનું રહસ્ય તેઓ મને જણાવતા ગયા, અને હું તે પ્રમાણે બોલતી ગઈ. જાણે હું આ પત્રમાંથી તેમણે આપવા ધારેલો બોધ ગ્રહણ કરું છું, અને અન્યને પણ તેનો લાભ મળે એવા આશયથી તે બોધ મોટેથી વ્યક્ત કરું છું, એવો અનુભવ મને સતત આખા કલાક દરમ્યાન થયો. આ અલૌકિક અનુભવથી મને ખૂબ ખૂબ હળવાશ તથા આનંદ અનુભવાયાં હતાં. આ રીતે રાજપ્રભુએ મારામાં કર્તાપણાની વૃત્તિને બદલે બોધનાં ગ્રાહકપણાનું સુંદર રોપણ કર્યું હતું તે આજે સ્પષ્ટ રીતે મને સમજાય છે. આ કાર્યથી મારું જ્ઞાનાવરણ તોડવામાં, ચારિત્રની ખીલવણી કરવામાં તથા વ્યવહારશુદ્ધિ વધારવામાં મને ખૂબ સહાય મળી હતી. આ પ્રકારનો પ્રત્યેક ગુરુવારનો મારો અનુભવ અને વિકાસ કરવામાં નોંધનીય સાથ આપી રહ્યો હતો. વાંચન કરવા માટે ઘરનાં બધાંનો સાથ પણ એટલા જ પ્રેમપૂર્વક મળી રહ્યો હતો. એ વખતે ચિ. પ્રકાશ સાડા ત્રણ વર્ષનો હતો, તે પણ ઉલ્લાસથી વાંચનને આવકારતો હતો, અને જરાપણ ડખલ કે અંતરાય આપતો ન હતો, પ્રભુની એવી અસીમ કૃપા હતી.
૨૩૭