________________
કેવળી પ્રભુનો સાથ
આમ ૧૯૭૭ના એપ્રીલથી શરૂ થયેલું “શ્રી સૌભાગ પ્રત્યે”નું ગુરુવારનું વાંચન મને તથા મુમુક્ષુઓને લાભકારી થતું હતું. હું પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનતી હતી. થોડા સમયમાં જણાયું કે વાંચનમાં આવનારી બહેનોને સાડાચારે પાછા ફરતી વખતે વાહનો મેળવવામાં તકલીફ થતી હતી, તેથી તેમને સુવિધા કરવા વાંચનનો સમય બપોરના ત્રણથી ચારનો કર્યો. જે આજે ઇ.સ.૨૦૧૧માં પણ કાયમ જ છે.
સમય વીતતાં પર્યુષણ નજીક આવ્યાં. પર્યુષણમાં ક્યો વિષય લેવો એ મુંઝવણ થવા લાગી. પ્રભુનું માર્ગદર્શન માગ્યું, અને તેમની કૃપાથી તથા માર્ગદર્શનથી ઇ.સ.૧૯૭૭નાં પર્યુષણ માટે શ્રી સિદ્ધસેન દિવાક૨ રચિત ‘કલ્યાણમંદિર સ્તોત્ર' લેવાનું નક્કી થયું. આ સ્તોત્રનાં આરાધન સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કરતાં પર્યુષણ પર્વની ઉજવણી સારી રીતે થઈ. શ્રી રાજપ્રભુનું માર્ગદર્શન યથાવત્ મળ્યા કરતું હતું. તેનાથી મારાં મનમાં નક્કી થઈ ગયું કે પ્રત્યેક પર્યુષણ માટે પ્રભુજી સૂઝાડે તે જ વિષય મારે લેવો. તે વિષય પર મહેનત કરી, વિષયને યોગ્ય ન્યાય આપવા પ્રયત્ન કરવો, પરંતુ મતિકલ્પનાથી મારે કંઇ પણ નક્કી કરવું નહિ. પ્રભુકૃપાથી પર્યુષણ પહેલાં થોડા દિવસે પ્રત્યેક વર્ષે મને વિષય મળી જતો હતો. તે માટે આજ્ઞાધીન રહી પૂર્વ તૈયારી કરતી હતી. તેથી પર્યુષણ સારાં આરાધન સાથે પસાર થતાં હતાં. આરંભનાં વર્ષોમાં મને જરા પણ ખ્યાલ ન હતો કે પર્યુષણની તૈયારી કરાવવા દ્વારા પ્રભુ મારી પાસે ‘શ્રી કેવળીપ્રભુનો સાથ' ગ્રંથ લખવા માટે પૂર્વ તૈયારી કરાવતા જતા હતા. સાથે સાથે મારામાં પાત્રતા આવતી જાય તેમ તે ગ્રંથનાં પ્રકરણોની પણ રચના કરાવતા જવાના હતા. હું તો માત્ર એ વર્ષનાં કાર્યને અનુલક્ષીને વર્તતી હતી. પ્રભુનાં જ્ઞાનની દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ તો મને ઘણા વર્ષો પછી આવ્યો હતો. ધન્ય છે તેમનાં જ્ઞાનને અને તેમની
સમયસૂચકતાને! તેમના અનુગ્રહથી તો આ ગ્રંથ લખાયો, અને ઉપસંહાર પણ લખાય છે.
૨૩૮