________________
કેવળી પ્રભુનો સાથ
આથી મારામાં સ્વચ્છેદ કે મતિકલ્પના લખાણ કરતી વખતે પ્રવેશે નહિ તે માટે, તથા પ્રભુની આજ્ઞા ન આવે ત્યાં સુધી મારું આજ્ઞાધીનપણું વધારવા, ચારિત્રની ખીલવણી કરાવવા તથા યોગ્ય સમયે યથાર્થ લખાણ કરાવવા માટે પ્રાર્થના કરવી શરૂ કરી. જ્યાં સુધી લખાણ કરવાનો યોગ ન આવે ત્યાં સુધી અંતરાયકર્મનો ઉદય છે એમ સમજી ક્ષમા માગવાનું ચાલુ કર્યું અને આત્મસ્થિરતા જાળવવા સ્મરણનો સથવારો લઈ, ધીરજથી સમય પસાર કરતી જતી હતી. હું વિચારતી હતી કે મારી પાત્રતા વધારવા તથા ધીરજગુણની ખીલવણી કરાવવા માટે પ્રભુએ મને આ અમૂલ્ય અવસર આપ્યો છે, તો તેનો માટે પૂરતો લાભ લેવો જોઇએ.
જ્યારે જ્યારે મને કંઈ નવી સમજણ આવે ત્યારે હું પ્રભુકૃપાથી તેનું સંક્ષિપ્ત ટાંચણ કરી લેતી.
આમ જીવનની સુધારણા કરી, વ્યવહારશુદ્ધિ વધારી ચારિત્રની ખીલવણી કરવાનો પુરુષાર્થ હું કરતી હતી, જે માટેનું માર્ગદર્શન અને શ્રી પ્રભુ તરફથી અવારનવાર મળ્યા કરતું હતું, અને જીવન વહે જતું હતું. મારા પૂ. બાપુજી શ્રી ભોગીલાલ શેઠ કેટલાંક વર્ષોથી કૃપાળુદેવના પત્રોનું વાંચન કરી સમજાવતા હતા. અને થોડા ચુનંદા જીવો તેમનો લાભ લેતાં હતાં. તેમનાં ફેફ્સાં ઘસાઈ જવાને કારણે તેમને શ્વાસની તકલીફ સારા પ્રમાણમાં થતી હતી, પરિણામે તેમને વાંચન બંધ કરવાની ફરજ પડી. ૧૯૭૫ના અંતભાગમાં તેમણે વાંચવું બંધ કર્યું હતું. આથી મુમુક્ષુઓને વાંચન વિના હાલાકી અનુભવાતી હતી. તેથી ઇ.સ.૧૯૭૬ના અંતભાગમાં મારા પૂ. બાપુજી તથા મુમુક્ષુઓ તરફથી મને વાંચન શરૂ કરવા સૂચના કરવામાં આવી. મને મારી કેટલીક મુશ્કેલીઓ એ બાબતમાં લાગતી હોવાથી વાંચન શરૂ કરવાની ઇચ્છા થતી ન હતી. મેં મારી મુશ્કેલીઓ શ્રી રાજપ્રભુ સમક્ષ મૂકી. પરંતુ તેમના તરફથી પણ વાંચન શરૂ કરવાની આજ્ઞા આવી, સાથે સાથે તેઓ મને વાંચન કરતી વખતે સતત સહાય કરશે એવી બાંહેધરી પણ આપી. આથી મારાં ઘરના સહુ સભ્યોની સંમતિ સાથે ઇ. સ. ૧૯૭૭ના એપ્રિલ માસથી વાંચવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. વાંચનનો સમય દર ગુરુવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ નો રાખવા વિચાર્યું. શ્રી રાજપ્રભુની
૨૩૪