________________
પ્રકરણ ૨૧
ઉપસંહાર
“શ્રી કેવળીપ્રભુનો સાથ” નામનો ગ્રંથ મારે ભવિષ્યમાં લખવાનો છે એવી જાણકારી અને શ્રી પ્રભુ તરફથી ઇ. સ. ૧૯૬૮ના અંતભાગમાં મળી હતી. એ વખતે તો મને એટલો જ ખ્યાલ આવ્યો હતો કે આ ગ્રંથ દળદાર બનશે, અને તેમાં કેટલાંયે આત્માને લગતાં રહસ્યો ગૂંથાયેલા હશે; જેની જાણકારી એ વખતે લગભગ નહિવત્ જ હતી. મને એટલું તો સમજાયું હતું કે મારો પુરુષાર્થ જેમ જેમ વધતો જશે, અને મારામાં આ બધું જ્ઞાન ઝીલવાની પાત્રતા આવતી જશે તેમ તેમ પ્રભુ મારી પાસે મોક્ષમાર્ગનાં ઉત્તમ રહસ્યો ખોલતા જશે. આથી એ સમયે કોઈ પ્રકારની ઊંડાણભરી વિગતની જાણકારી ન હોવા છતાં, એક વિશેષ પ્રકારનો આનંદ આત્મામાં અનુભવાયો હતો. સાથે સાથે શ્રી રાજપ્રભુ ભાવિમાં મારા પર કેવી અદ્ભુત કૃપા વરસાવવાના છે તેનો લક્ષ આવવાથી, તેમના પ્રતિનો અહોભાવ તથા પૂજ્યભાવ આનંદના ફુવારા સાથે વેદનમાં આવતો હતો. આવા વેદનનાં અનુસંધાનમાં મારામાં એક એવો ભાવ સહજરીતે ઘૂંટાવા લાગ્યો હતો કે “શ્રીમની જીવનસિદ્ધિ' લખતી વખતે મને શ્રી રાજપ્રભુએ જે અવર્ણનીય સહાય કરી હતી, તેનાથી અનેકગણી ઉત્તમ સહાય તેઓ મને આ ગ્રંથ લખતી વખતે જરૂર કરશે, જો હું પૂર્ણપણે તેમની આજ્ઞાએ વાર્તા લખવાના ભાવ રાખીશ તો, લખાણ કરવામાં સ્વચ્છંદનો પૂર્ણ ત્યાગ રાખીશ તો. આથી મેં મનોમન નિર્ણય કર્યો હતો કે મારે આ ગ્રંથમાં કંઇ પણ સ્વચ્છેદથી લખવું નથી, જ્યારે, જે પ્રમાણે તથા જેમ લખવા પ્રભુ આજ્ઞા કરે ત્યારે, તે પ્રમાણે તથા તેમ જ મારે લખવું. ક્યાંય પણ સ્વચ્છંદ કે મતિકલ્પનાને મારે ભળવા દેવા નહિ.
૨૩૩