________________
કેવળી પ્રભુનો સાથ
સાધના કરવી મુશ્કેલ છે, પરંતુ શુદ્ધ નયથી આત્માની સાધના કરનાર જલદીથી મોક્ષ પામે છે. આ સમજણ દઢ થવાથી શ્રી આનંદઘનજી પ્રભુજીને પોતાને નિશ્ચયનયમાં લઈ જવાની માંગણી કરી, અંતિમ કડીમાં કહે છે કે, ધર્મ તીર્થના ચક્રવર્તીપણાનું સારતત્ત્વ એ છે કે જે એ તીર્થની સેવા કરે છે, તે આત્મા સાથેની એકતાનું ઉત્તમ ફળ મેળવે છે.
શ્રી અરનાથ પ્રભુ પહેલા સંસારના ચક્રવર્તી હતા, અને પછી સંસાર ત્યાગી ધર્મચક્રી થઈ તીર્થની સ્થાપના કરનાર હતા. આ તીર્થસ્થાપનાનું ફળ જગતમાં ઉત્તમ તત્ત્વનું અસ્તિત્વ આપે છે. એટલે કે હેય, ઉપાદેય અને ઉપેક્ષ્ય પદાર્થનો ત્યાગ, સ્વીકાર અને મહાઉપેક્ષારૂપ તત્ત્વસાર પ્રગટ થાય છે. આ શાસનની સેવા કરનારને આ સારભૂત તત્ત્વ પ્રાપ્ત થાય છે અને આત્માની એકતારૂપ અભેદતાવાળો આનંદનો ઘન મળે છે.
આ કડીમાં ઘણો ગૂઢાર્થ સમાયેલો આપણને જોવા મળે છે. કેવળીગમ્ય પ્રદેશોની જ્યારે બધાજ અશુધ્ધ પ્રદેશો આણ સ્વીકારે છે ત્યારે તેમને પૂર્ણ શુદ્ધતા અવશ્ય પ્રાપ્ત થાય છે. કેવળીગમ્ય પ્રદેશો પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા કરવાની રીત અશુદ્ધ પ્રદેશોને જાણવા મળે છે, એ વખતે તેમનામાં ધર્મનું નિત્યત્ત્વ અને મંગલપણું સ્થપાય છે. આથી તે પ્રદેશો આ રીતનો ઉપયોગ કરી એ પ્રકારે વર્તવા માંડે છે ત્યારે ક્રમે ક્રમે મન, વચન તથા કાયાની એકતાવાળી જીવની સ્થિતિનો કાળ વધતો જાય છે. એટલે કે તે જીવ સાતમા ગુણસ્થાનમાં વિકાસ કરતો જાય છે, તેનું નિશ્ચયથી ફળ કેવળજ્ઞાન છે. આમ જે ધર્મતીર્થની આરાધના કરે છે તે નિયમપૂર્વક મોક્ષ મેળવે છે.
ઇવિધ પરખી, મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે. મલ્લિજિન. (૧૯)
૨૨૨