________________
કેવળી પ્રભુનો સાથ
શાંતિસ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે,
આનંદઘન પદ પામશે,
તે લહેશે બહુમાન રે. શાંતિજિન (૧૬)
સોળમા શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં, શિષ્યના મુખમાં શ્રી શાંતિનાથ પ્રભુ પ્રતિ પ્રશ્ન મુકાવ્યો છે કે ‘શાંતિનું સ્વરૂપ કેવું છે? તે કેવી રીતે જાણી શકાય ? મનથી તેને કેવી રીતે ઓળખી શકાય!' અને શ્રી શાંતિનાથ
પ્રભુ શિષ્યના આ પ્રશ્નનો સદ્બોધ આપી ઉત્તર આપતા હોય તેવી રચના શ્રી આનંદઘનજી મહારાજે આ સ્તવનમાં કરી છે.
આ સોધમાં પ્રભુ શિષ્યને જણાવે છે કે શ્રી જિનેશ્વર દેવે જે અશુધ્ધ અને શુધ્ધ ભાવો જણાવ્યા છે, તેને તે જ પ્રમાણે યથાર્થ શ્રદ્ધે તે શાંતિ માટેનું પહેલું પગથિયું છે. એ પછી આગમ શાસ્ત્રોના પારગામી, આત્મજ્ઞાની, સંવરના સાધક તથા દંભ વગરના પવિત્ર ગુરુ શાંતિના સ્થાનક છે. તે ગુરુનો આધાર લઈ, બીજી જંજાળ છોડી, તામસી વૃત્તિ ત્યાગી સાત્ત્વિક વૃત્તિનું સેવન કરવું તે શાંતિ માટેનું સાધન છે. આગમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ પણ શાંતિનું સ્થાન છે. દુષ્ટ જનોનો સંગ ત્યાગી, સદ્ગુરુના સંગમાં રહે અને મોક્ષ મેળવવાના લક્ષથી વર્તન કરે તે પણ શાંતિ માટેનો ઉપાય છે. એ ઉપાય કરવાથી જીવમાં સમતા આવે છે, જેથી તે માનાપમાન, સોનું અને પથ્થર, વંદક તથા નિંદક આદિ વચ્ચેના ભેદને ત્યાગી સમભાવી થાય છે. આવા સમભાવને તે સંસાર તરવાની નાવ સમજી શકે છે. આવી દશા જેને પ્રાપ્ત થાય છે તે સ્વચ્છંદને ત્યાગી પ્રભુને આજ્ઞાધીન થઈ વર્તી શકે છે. અને આવા ‘શાંતિના આપનારા પ્રભુ' ભેટમાં મળતાં શિષ્યને પોતાની ધન્યતા અનુભવાય છે. આ રીતે જે જીવ શુધ્ધનું અવલંબન લઈ, શાંતિનાં સ્વરૂપથી ભાવિત થઈ તેનો આદર કરશે, તેનું આરાધન કરશે તે જીવ આનંદઘનપદ – મોક્ષ પ્રાપ્ત કરશે.
–
૨૧૮