________________
કેવળી પ્રભુનો સાથ
અશુદ્ધ પ્રદેશો શુદ્ધ થવાની ભાવના સેવી, કેવળીગમ્ય પ્રદેશો પાસેથી કલ્યાણભાવના યોગ્ય પરમાણુઓ મેળવી તેને સક્રિય કરે નહિ ત્યાં સુધી એ અશુદ્ધ પ્રદેશો શુદ્ધિ તરફ આગળ વધી શકતા નથી. આત્મામાં રહેલા કેવળીગમ્ય પ્રદેશોનું મુખ્ય કાર્ય છે, રુચક પ્રદેશો પાસેથી પ્રેરણા મેળવી અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવા માટે પ્રેરણા આપતા રહેવાનું. જીવ ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત ધારણ કરે ત્યાર પછીથી આ કાર્ય વિશેષતાએ થઈ શકે છે, કેમકે અશુધ્ધ પ્રદેશોને શુદ્ધિનું મહાભ્ય સમજાતું જતું હોય છે. કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાના પ્રભાવથી એ અશુધ્ધ પ્રદેશો, પોતા પર ચિટકેલા મિથ્યાત્વનાં દળોને ટાળવા સક્રિય થતા જાય છે. આ રીતે જીવને માટે શુધ્ધિ મેળવવા માટે કેવળીગમ્ય પ્રદેશોનો ફાળો અવર્ણનીય છે. અશુધ્ધ પ્રદેશોમાં વર્તતા આવરણને કારણે સત્ય ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, અને કેવળીગમ્ય પ્રદેશો ઘાતકર્મ રહિત હોવાના કારણે પ્રભુએ છોડેલાં કલ્યાણનાં પરમાણુઓ ઘણી મોટી માત્રામાં ગ્રહણ કરી શકે છે. એટલું જ નહિ પણ, જરૂરત પ્રમાણે એ પરમાણુઓને તેઓ અશુધ્ધ પ્રદેશોને દાનમાં આપતા જાય છે. આમ કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને સતત શુધ્ધ થવા માટે પ્રેરણા આપતા રહી તેમને સત્સંગનો મહિમા અનુભવાવતા રહે છે.
જે ભાવ અધ્યાત્મી જીવ છે તે સાચા આરાધક છે, બાકીના બધા વેશધારી આરાધક છે. જેઓ વાસ્તવિક રીતે આત્માને પ્રકાશનારા છે તેઓ અધ્યાત્મમાં સ્થિર હોય છે; અર્થાત્ તેઓ ધર્મનાં સનાતનપણાને મંગલપણામાં ઉમેરનારા થાય છે, અન્ય આરાધકો ધર્મને બાહ્યથી આચરનારા હોય છે, તેઓ માત્ર ધર્મનાં મંગલપણાને જાણીને, બાહ્યથી વર્તે છે અને સંસારની વૃદ્ધિ પણ કરે છે, કારણ કે બાહ્યદૃષ્ટિથી વર્તવાથી જીવ સંસારની શાતા મેળવવાને ધર્મ માની લેતો હોય છે. પરંતુ જેઓ આંતરદૃષ્ટિ તરફ લક્ષ કરતા જાય છે તેઓ ધર્મનાં સનાતનપણાને અનુભવી મોક્ષનાં સુખને જ સાચું સુખ ગણે છે અને મોક્ષમાર્ગમાં ચાલનાર બને છે.
૨૧૦