________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
જે જીવ પોતાનાં જ્ઞાનનાં આવરણ ઘટાડી, આત્મશુદ્ધિ કરવા માટે જ ધર્મ આરાધન કરતો નથી, તે ઇન્દ્રિયસુખ મેળવવાના આશયથી ધર્મ આચરતો હોવાના કારણે દ્રવ્ય અધ્યાત્મી થાય છે. પરંતુ જે મુનિજન આત્મશુદ્ધિને જ અર્થે પોતાનાં જ્ઞાનનાં આવરણો ક્ષીણ કરતાં કરતાં ધર્મ આચરે છે તે નિષ્કામી જન ભાવ અધ્યાત્મી થાય છે. પ્રથમ પ્રકારનો આરાધક ચાર ગતિની વૃધ્ધિ પામે છે, દ્વિતીય પ્રકારનો આરાધક મોક્ષ સાધે છે, એવો સાર દશમા શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવનમાં સમજાવી, જીવને ભાવ અધ્યાત્મી થવા પ્રેરણા આપે છે, અને તે વિશે આ સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘનજી મહારાજ સ્પષ્ટ કરે છે કે, જે વસ્તુ વિચારી હોય છે. અર્થાત્ આત્મશુદ્ધિ કરવાનાં લક્ષથી વસ્તુનો (આત્માનો) વિચાર કરે છે તે અધ્યાત્મી કહેવાય છે. તે સિવાયના બીજા બધાને લેબાશી એટલે કે માત્ર વેશધારી ગણવાના છે. તેઓ આત્માર્થ સાચી પ્રગતિ કરી શકતા નથી. પણ જેઓ વાસ્તવિક રીતે વસ્તુનો - આત્માનો પ્રકાશ કરનારા છે, જાણકારી આપનારા છે, તેઓ અધ્યાત્મમાં સ્થિર હોય છે, અને અધ્યાત્મના જાણકાર હોય છે; તેઓ જ “આનંદઘનમત વાસી છે. પરિણામે તેઓ જ મોક્ષમાં વાસ કરવાના અધિકારી થાય છે, બીજા કોઈ આવી તાકાત ધરાવનાર થતા નથી.
આ કથન દ્વારા શ્રી આનંદઘનજી મહારાજે એક સરસ સિધ્ધાંત આપણને આડકતરી રીતે સમજાવ્યો છે. જ્યાં સુધી જીવ સત્પાત્ર આત્માનું માર્ગદર્શન મેળવીને યોગ્ય માર્ગે ચાલતો નથી, પોતાના આત્મિક ગુણોની ખીલવણી કરી વિકસતો નથી, ત્યાં સુધી તે મોક્ષ મેળવવાનો અધિકારી થઈ શકતો નથી. અહીં, પોતાની પાત્રતા કેળવવી તે મુખ્ય બાબત છે, અને તેને સહાયકારી બાબત છે યોગ્ય નિમિત્ત મેળવવું. યોગ્ય ઉપાદાન તથા યોગ્ય નિમિત્ત કાર્યકારી થાય નહિ ત્યાં સુધી જીવમાંથી શિવ થવું સંભવતું નથી. અને જે જીવને આ બંનેની યથાર્થતાએ પ્રાપ્તિ થાય છે તે આનંદઘનમત વાસી બને છે. આ જ બાબત જીવના પ્રદેશો માટે પણ એટલી જ સત્ય છે.
૨૦૯